ગુજરાતના રાજકારણમાં ઔવેસીની એન્ટ્રી થશે, બીટીપી સાથે ગઠબંધન

ભરૂચ-

ગુજરાતમાં ચૂંટણી લડવા માટે અસુદ્દીન ઓવૈસીની પાર્ટીએ વસાવા બંધુઓ સાથે હાથ મિલાવ્યા છે. આવતા મહિને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય એ પહેલાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના રાજકારણમાં અસુદ્દીન ઔવેસીની એન્ટ્રી થઈ રહી છે. ગુજરાતમાં અસદ્દુદીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ અને છોટુ વસાવાની પાર્ટીનું ગઠબંધન થયું છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે મળીને લડશે તેવી જાહેરાત છોટુ વસાવાએ કરી છે.

બીટીપીના પ્રમુખ છોટુ વસાવાએ ટ્‌વીટ કરીને આ અંગેની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં પણ બંને પાર્ટીનું ગઠબંધન થયા તેવા અહેવાલ છે. તો સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિની આ સૌથી મોટી ખબર છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ પાર્ટી અને છોટુ વસાવાની બીટીપી સાથે હવે ઓવૈસીની પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે. જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડીને ગુજરાતના રાજકારણમા એન્ટ્રી કરશે. આવતા મહિને ૨૦મી તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની છે અને એ પહેલાં જ સ્થાનિક રાજનીતિમાં ઓવૈસીની એન્ટ્રીથી ગરમાવો આવી ગયો છે.

આ વિશે છોટુ વસાવાએ કહ્યું કે, અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસી સાથે ગઠબંધન કરી ચૂંટણીઓ લડીશું. તેમની સાથે મળીને આગામી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસને હરાવવાના પ્રયાસો કરીશું. સરકાર જ નક્સલવાદી છે, કોઈ અહીંયા નક્સલવાદી કે આતંકવાદી નથી. ઇકો સેન્સેટિવ ઝોન સામે અદિવાસીઓને બચાવવાની બીટીપીની ભૂમિકા રહેશે. ખેડૂતો મુદ્દે છોટુ વસાવાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, એક મહિનો થયો. કોર્પોરેટ સેક્ટર સરકારને ગાઈડ કરે છે. સરકાર ઉધોગોના હાથનું રમકડું બની ગયુ છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution