વડોદરા શહેરમાં આવેલા વિનાશક પુરે અનેક વિસ્તારમાં ભારે તબાહી મચાવી હતી અને લોકોએ ૩ દિવસ અસહ્ય વેદના વેઠી છે. ત્યારે હવે ભવિષ્યમાં આવા પૂરના કારણે શહેરમાં તબાહી ન મચે તે માટે વડોદરા શહેર ઉત્તરઝોન નાગરિક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. અને પોતાની માંગણીઓ દર્શાવતું બેનર રાત્રી બજાર પાસે લગાવવામાં આવ્યું છે. જેમાં વિશ્વામિત્રી નદી અને ભૂખી કાંસ ઉપરના દબાણો દૂર કરવા માટેની માગણી કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં પૂર બાદ હવે લોકો તંત્ર ઉપર માછલાં ધોઈ રહ્યા છે. આ પૂર કંટ્રોલમાં કરી શકાયું હોત, જાે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા એવી કાંસો ઉપર દબાણો ન કરાયા હોત તો. નાગરિકો આ બાબતને હવે તંત્ર સામે ખુલીને મૂકી રહ્યા છે. પૂર બાદ વડોદરા શહેર ઉત્તર ઝોન નાગરિક સમિતિ બનાવવામાં આવી છે. જેઓ દ્વારા ૬ મુદ્દાઓ સાથે શહેરના તંત્ર સામે પોતાની રજૂઆતો મુકવામાં આવી છે. આ અંગેના બેનર રાત્રી બજાર ખાતે મુકવામાં આવ્યા છે. આ બેનરમાં વિશ્વામિત્રી નદી અને ભૂખી કાંસ ઉપરના દબાણો દૂર કરવાની માગણી કરવામાં આવી છે. બેનરમાં લખવામાં આવ્યું છે કે, ખાસ કરીને વિશ્વામિત્રી નદીના વહેણ વિસ્તારમાં થયેલા નિયમ વિરુદ્ધના તમામ બાંધકામો તથા દબાણો દૂર કરો. સર સયાજીરાવ ગાયકવાડના સમયની વિશ્વામિત્રી નદીને મૂળ સ્વરૂપમાં પાછી આપો, વિશ્વામિત્રી નદીમાં ગટરના પાણી છોડવાનુ બંધ કરો, ભૂખી કાંસ ઉપરના નિયમ વિરૂદ્ધના બાંધકામો તથા દબાણો તાત્કાલિક દૂર કરો, શહેરની હદ વિસ્તારમાં આવેલ ભૂખી કાંસને મૂળ સ્વરૂપમાં પહોળી અને ખૂલ્લી રાખો તેમજ ભૂંખી કાંસનુ ઉપવાસનુ આવતુ પાણી અટકાવવા માટે ભૂખી ડાયવર્ઝન યોજનાનો તાત્કાલિક અમલ કરો. ત્યારે આગામી સમયમાં આ અંગે અમલવારી થાય તેવી માગણી કરવામાં આવી છે.