મધ્ય ગુજરાતની આંગણવાડી બહેનોની પડતર માંગણીઓને લઈને નીકળેલી રેલીમાં આક્રોશ

વડોદરા, તા.૫

વડોદરા ખાતે માધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓની આંગણવાડીની બહેનોની વિશાળ મૌન રેલી નીકળી હતી. ગુજરાત સરકાર સમક્ષ પગાર, પેંશન,ગ્રેજ્યુઈટી,રીટાયરમેન્ટ નિયમ સહિતની ૨૦ જેટલી માગણીઓને લઈને આંગણવાડીની બહેનોએ ગાંધીનગર ગૃહથી રેલી કાઢી હતી.આ રેલીમાં આંગણવાડીની બહેનોના પડતર પ્રશ્નોને લઈને બબ્બે વર્ષથી કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતી સરકારને જગાડવાને માટે થાળી વેલણ સાથે રેલી નીકળનાર હતી.પરંતુ અંતિમ ઘડીએ એને મંજૂરી ન મળતા પોસ્ટર્સ સાથે મૌન રેલી કાઢવામાં આવી હતી. જેમાં વડોદરા ઉપરાંત આણંદ, ખેડા અને પંચમહાલની ત્રણ હજાર જેટલી બહેનો ડ્રેસમાં જાેડાઈ હતી. આ રેલી ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના ઉપક્રમે ત્રણ દિવસના દેખાવો યોજવાના ભાગરૂપે યોજવામાં આવી હતી. રેલીમાં ભાગ લઇ રહેલ બહેનોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીની બહેનોને છેલ્લા પાંચ - છ માસથી પગાર ચુકવવામાં આવતો નથી.એટલું જ નહિ આ આંગણવાદીઓની બહેનો પોતાના પગારમાંથી બાળકોના નાસ્તાને માટે બજારમાંથી જરૂરી જે કાચું રાશન ખરીદીને લાવે છે.એ રાશનના બીલોના નાણાં પણ દશ દશ માસ સુધી ચુકવવામાં આવતા નથી.તો સરકારે નાદારી નોંધાવવી જાેઈએ. તેઓની મુખ્ય માગણીઓ અંગે જણાવ્યું હતું કે આંગણવાડીની બહેનોને માટે જે નિવૃત્તિ વય મર્યાદા ૪૫ વર્ષ છે.એને વધારીને ૬૦ કરવી જાેઈએ.આ બહેનોને માટે પેંશન, ગ્રેજ્યુઈટી હોવી જાેઈએ. નોકરીની સલામતી માટે સરકારે પગલાં લેવા જાેઈએ. જાે આ રેલી પછી પણ પ્રશ્નો ઉકેલાશે નહિ કે ર્નિણય લેવાશે નહિ તો દિવાળી પછી આ પ્રશ્ને હોળી સર્જાશે એવી ચીમકી આંદોલનકારી બહેનોએ ઉચ્ચારી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution