વરઘોડિયાંને આશીર્વાદ આપવાનું ચાલતું હતું પણ કન્યાના કાકી મંજુબેન કયાંય દેખાતા નો’તા. એ જાેઈને મંજુના પતિથી બોલ્યા વગર રે'વાયું નહીં, “આ મંજુ ક્યાં વઈ ગઈ? ખરા ટાણે જ ન હોય.”
મંજુની જેઠાણી નંદુએ મનુભાઈને શાંત પાડ્યા ને કહ્યું. “કા'ક કામબામ આવી ગ્યું હશે, તે ગઈ હશે મનુભાઈ. એમાં હું હવે તમે એકલા જ આશીર્વાદ આપી દ્યો”
“તમે જ ક્યો ભાભી, અત્યારે આનાથી મોટું કામ ક્યુ હોય? ને આ તમારી દીકરી ઈ એની પણ દીકરી ન કે’વાય?”
લગ્નની તારીખ લીધી ત્યારથી લઈને વિદાયવેળા સુધી મંજુએ આડોડાઇ જ કરી. કોઈપણ રીતે એ પોતાની જેઠાણીને નીચું જાેવરાવવા માંગતી હતી. કોઇપણ બાબત હોય ઘરના બધા જેઠાણીની જ સલાહ લેતા ને એની જ વાત માનતા એ વાત હંમેશા મંજુને ખટકતી. એ વાતને લઈને મંજુએ અત્યારે સમય વર્ત્યો હતો. એમ જાેઇએ તો સાસરે આવી ત્યારથી મંજુએ ઘર કે ઘરનાં સાથે ક્યારેય પણ આપણાપણું બાંધ્યું જ નો'તું.
દીકરીની વિદાય પત્યા પછી વરાના વાસણ અલગ તારવતા ત્યારે છેક મંજુ દેખાણી, આવીને કોઈને ખબર ન પડે એમ છાનીમાની વાસણ અલગ કરવા બેસી ગઈ. નંદુ પણ ત્યાં જ હતી. ઘરના નાના છોકરાઉં પણ નામ વાંચી વાંચીને ઘરના વાસણ અલગ કરતા હતા. તેમાંથી એક છોકરો બોલ્યો,
“નંદુબા, તમે વાસણ નામ વાંચ્યા વગરના કેવી રીતે ઓળખી લ્યો છો?”
નંદુએ મંજુ સામે જાેઈને છોકરાને જવાબ આપ્યો, “આપણા હોયને બેટા, એ ખાલી જાેઈને જ ઓળખાય જાય; એને ઓળખવા ન પડે.’
મંજુ શરમની મારી નીચું મોં કરી ગઈ. ભૂલથી ઘરની થાળી વરાના વાસણ ભેગી મૂકાઈ ગઈ હતી એ થાળી લઈને મંજુએ ઘરના વાસણ ભેગી મૂકી દીધી.