ઓપન એઆઈના સીઈઓ સેમ અલ્ટમેન પર બહેનનો જ જાતિય શોષણનો આરોપ


મિસૌરી:ચેટ જીપીટીના પ્રણેતા અને ઓપન એઆઈના સીઈઓ સેમ અલ્ટમેનની બહેને જ તેના પર જાતિય શોષણનો આરોપ મૂક્યો છે. અમેરિકાની મિસૌરી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સેમ અલ્ટમેનની બહેન એન અલ્ટમેને પોતાના જ ભાઈ પર શારીરિક-માનસિક સતામણી કરતો હોવાની ફરિયાદ સાથે કેસ કર્યો છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, સેમ અલ્ટમેન ૧૯૯૭થી ૨૦૦૬ સુધી મારા પર જાતિય શોષણ કરતો હતો. તે સમયે હું ત્રણ વર્ષની હતી અને સેમ ૧૨ વર્ષનો હતો. મિસૌરીમાં ક્લેટોન સ્થિત અમારા ઘરમાં જ તે વિવિધ રીતે મને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતાં.

એન અલ્ટમેન આરોપમાં જણાવ્યું હતું કે, અઠવાડિયામાં અનેક વખત સેમ મારા પર દુષ્કર્મ કરતો હતો. સેમના આવા વ્યવહારના કારણે તેનુ માનસિક સ્વાસ્થ્ય બગડ્યું હતું. તેમજ હું ડિપ્રેશન સહિત વિવિધ માનસિક તણાવોનો સામનો કરી રહી હતી. આ ઘટનાઓના લીધે હું સામાન્ય જીવન જીવી શકતી નથી. એનએ જ્યુરી ટ્રાયલ સહિત પોતાના નુકસાનના કારણે ૭૫ હજાર ડોલરની માગ કરી છે.

એન અલ્ટમેનના તમામ આરોપોને સેમ અલ્ટમેન અને તેના પોતાના જ પરિવારે વખોડ્યા હતા. સેમ અલ્ટમેને ટિ્‌વટર પર પોતાના પરિવારનો પત્ર રજૂ કરતાં તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. જેમાં તેની માતા કોની અને ભાઈ જેક તથા મેક્સના હસ્તાક્ષર પણ છે. પત્રમાં લખ્યું છે કે, એની (એન)એ અમારા પરિવારને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. આ તદ્દન ખોટા દાવાઓ છે. અમે એનની ગોપનીયતા અને માનને ધ્યાનમાં રાખી ક્યારેય જાહેરમાં તેના આવા વ્યવહારનો જવાબ આપવા માગતા ન હતા. પરંતુ તેણે કેસ કરતાં હવે અમારે મૌન તોડવુ પડ્યું છે.તે ઘણા વર્ષોથી માનસિક રીતે અસ્વસ્થ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution