ઓ.પી.જૈશાઃ તકલીફો જ ‘ટ્રેનિંગ’ બની ગઈ

ઇતિહાસકાર અને અમેરિકન મૂળની લેખિકા બેરનીસ જ્હોન્સન રેગને લખ્યું હતું કે 'બાળપણમાં આવેલી તકલીફો તમને પંગુ નથી બનાવતી પણ તે તમારું ઘડતર કરે છે, તમારામાંથી જે શ્રેષ્ઠ હશે તે સામે લાવીને મૂકી દે છે.’

ભારતની સફળ મેરેથોન રનર ઓ.પી. જૈશાના બાળપણમાં આવેલી અનેક તકલીફોએ તેમનું તે રીતે જ ઘડતર કર્યું છે. કેરળના વાયનાડમાં ચાર પુર્ત્રીઓ ધરાવતા અત્યંત ગરીબ પરિવારમાં ઓ.પી. જૈશાનો જન્મ થયો.તેમનું પુરૂ નામ જૈશા ઓરચેટ્ટેરી પુઠીયા વિટીલ છે. તેઓ માત્ર પાંચ વર્ષના હતાં ત્યારે તેમના પિતાને ગંભીર અકસ્માત નડ્યો. તેઓ આજીવન પથારીવશ થઇ ગયાં. ચાર પુત્રીઓ ધરાવતા જૈશા પરિવારને ગુજરાન ચલાવવા રોજ સંઘર્ષ કરવો પડતો. એક સમય તો એવો આવી ગયો કે ઘરમાં અનાજનો એક દાણો ના હોવાને કારણે પેટની આગ ઠારવા આખો પરિવાર ભીની માટી ખાઈને રહેતો હતો.

પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઓ.પી. જૈશાની માતા સરકારી લોન ઉપર એક ગાય લાવ્યાં. તે ગાયનું દૂધ દોઢ કિલોમિટર દૂર આવેલી ડેરીમાં ભરવું પડતું હતું. માત્ર પાંચ વર્ષની ઉંમરમાં ઓ.પી. જૈશાને ડેરીમાં જઈને દૂધ ભરવાનું કામ સોંપવામાં આવ્યું. વાયનાડના પહાડી વિસ્તારમાં સવાર સાંજ રોજ ઓ.પી. જૈશા દૂધ ભરવા દોઢ કિલોમીટરની દોડ લગાવતાં હતાં. સવારે ડેરીમાં દૂધ ભરીને ઘરે આવ્યા પછી બીજી બે કિેલોમીટરની દોડ સ્કૂલ જવા માટે લગાવવી પડતી હતી. સ્કૂલની રિસેસ દરમ્યાનના સમયમાં ઓ.પી. જૈશા દોડીને ઘરે જમવા માટે આવતાં અને પાછા જતાં. બાળપણમાં વર્ષો સુધી રોજેરોજ કરેલા આ સંઘર્ષમાં ઓ.પી.નું એક એથ્લેટ તરીકે આપોઆપ ઘડતર થઇ રહ્યું હતું.

શેક્સપિયરનું પણ એક વિધાન છે કે 'આપણને એ ખબર હોય છે કે આપણે શું છીએ, પણ એ ખબર નથી હોતી કે આપણે શું બની શકીયે છીએ..’ તે રીતે જ ઓ.પી.ને પોતાની ક્ષમતાઓની ખબર નહતી. વાયનાડ નજીક આવેલા થ્રિસરેલી ખાતે આદિવાસી રમતગમત અને સાંસ્કૃતિક મેળાનું આયોજન કરાયું હતું. ઓ.પી. તેમની માતાની ઈચ્છા વિરુદ્ધ જઈને તે મેળો જાેવા ગયાં. જેમાં ટ્રેક એન્ડ ફિલ્ડ શ્રેણીમાં બે ટીમ વચ્ચે ૮૦૦ મીટરની દોડની સ્પર્ધા હતી. પરંતુ એક સ્પર્ધક છોકરી અંતિમ સમયે જ સ્પર્ધામાંથી ખસી ગઈ. છેલ્લી ક્ષણે સ્પર્ધક ખૂટતા ટીમના કોચ માટે વિકટ પરિસ્થિતિ ઉભી થઇ. તેમણે સંખ્યા પુરી કરવા માત્ર માટે ઓ.પી.ને દોડવા માટે ટ્રેક ઉપર ઉભી કરી દીધી.

સાંસ્કૃતિક મેળો જાેવા અને માત્ર ફરવા માટે ગયેલા ઓ.પી.ના પગમાં જૂતા પણ નહતાં. ખુલ્લા પગે જ રેસના ટ્રેક ઉપર ઉભા કરી દેવામાં આવ્યાં હતાં. આ રેસના ટ્રેક ઉપર તે વખતની નેશનલ ચેમ્પિયન સ્પર્ધક પણ ભાગ લઇ રહી હતી. વ્હીસલ વાગી અને રેસ શરુ થઇ. ઓ.પી.એ ખુલ્લા પગે દોડીને તે સમયની રાષ્ટ્રીય ચેમ્પિયનને ૧૦૦ મીટર પાછળ છોડી દીધી. ઓે.પી. જૈશા રેસમાં પ્રથમ ક્રમે આવ્યાં. બિનઅનુભવી ઓ.પી.એ નેશનલ ચેમ્પિયનને આટલી પાછળ છોડીને રેસ જીતી લેતા સૌને આશ્ચર્ય થયું હતું. અહીંથી ઓ.પી.એ ટ્રેક એન્ડ ફિલ્ડના ખેલાડી તરીકે પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.

ઓે.પી. જૈશાએ એક એથ્લેટ તરીકે ભારતના તમામ રેકોર્ડ તોડ્યાં. ઓ.પી. જૈશાને વર્ષ ૨૦૦૫માં બેંગકોક એશિયન ઇન્ડોર ગેમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો. જેમાં તેમણે ૧૫૦૦ મીટર અને ૩૦૦૦ મીટરની રેસમાં ગોલ્ડ મેડલ જીત્યાં. તે બાદ વર્ષ ૨૦૦૬માં પતાયા ખાતે યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સની ટ્રેક એન્ડ ફિલ્ડમાં ૧૫૦૦ મીટરમાં સિલ્વર અને ૩૦૦૦ મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તે વર્ષે જ દોહા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં ઓ.પી.એ ૫૦૦૦ મીટરની દોડમાં ભારતને બ્રોન્ઝ અપાવ્યો.

ઓે.પી.નું એક રમતવીર તરીકે ઉજ્જવળ જારકિર્દી બની રહી હતી. ઓ.પી. જૈશાએ દોહા એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો તે બદલ સરકાર તરફથી મળેલા ઈનામની રકમથી તે પોતાના પરિવારને સારું જીવન આપવા માંગતા હતાં. વર્ષોથી ગરીબીમાં જીવતા પરિવારને સુખ આપવા જૈશાએ વર્ષો જુના દેવા ચૂકતે કર્યા. તેમની નાની બહેનના લગ્ન કરાવ્યાં. પરંતુ ઓ.પી.નું નસીબ કંઈક અલગ જ યોજના બનાવીને બેઠું હતું. ઓ.પી. જૈશાના જીવન સંઘર્ષની કહાણી ચાલી રહી હતી. તે હજુ પૂરી નહતી થઈ. વર્ષોથી પથારીવશ અવસ્થામાં જીવી રહેલા ઓ.પી.ના પિતા ગંભીર રીતે બીમાર પડ્યાં. તમામ બચત પિતાની સારવાર પાછળ ખર્ચાઈ ગઈ. પરિવાર ઉપર આવી ગયેલી આફતને કારણે ટ્રેક ઉપર પ્રેક્ટિસ છોડીને ઓ.પી. પૈસા કમાવા અલગ અલગ પ્રકારના કામ કરવા મજબુર બન્યાં. પોતાનું ધ્યાન રાખ્યા વગર દિવસમાં ૨૦ કલાક કામ કરવાના કારણે જૈશા પોતે ગંભીર રીતે બીમાર થઈ ગયાં.

ઓ.પી. જૈશાએ પ્રેક્ટિસ છોડવાની કિંમત ચૂકવવી પડી. તે બેઇજિંગ ઓલિમ્પિક માટે ક્વોલિફાય ન થઇ શક્યાં. તે દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ-૨૦૧૦માં ૧૫૦૦ મીટરની રેસની ફાઇનલમાં પણ આવી ન શક્યાં. પરંતુ તેમણે હિંમત હાર્યા વગર સતત પ્રયત્ન ચાલુ રાખ્યો. લંડન સમર ઓલિમ્પિક ૨૦૧૨માં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું તેમનું લક્ષ્ય હતું. પરંતુ જૈશાની કમનસીબી કે ઓલિમ્પિક અગાઉ જ પગમાં ફ્રેક્ચર થવાને કારણે તેમણે લંડન ઓલિમ્પિકમાંથી ખસી જવું પડ્યું.

કારકિર્દીમાં વારંવાર આવતા પડકારોને કારણે નિરાશ થયેલા જૈશા નિવૃત્ત થવા વિચારી રહ્ય હલિં. પરંતુ તેમના કોચ ગુરમીત સિંહે તેમને ફરીથી પ્રેરણા આપી. ૨૦૧૪માં ઇંચિયોન એશિયન ગેમ્સમાં ઓ.પી. ફરી ટ્રેક ઉપર ઉતર્યા અને ભારતને બ્રોન્ઝ જીતી આપ્યો. તે ફરી એકવાર ઓલિમ્પિક માટે દાવેદાર બન્યાં.

વર્ષ ૨૦૧૬માં ૩૩ વર્ષની ઉંમરમાં ઓ.પી. જૈશા રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા પહોંચ્યાં. તેમણે ૪૨ કિલોમીટરની મેરેથોન દોડવાની હતી. રેસ સવારે સાત કલાકે શરુ થઇ. અનેક દેશના સ્પર્ધકો મેરેથોન દોડી રહ્યાં હતાં. દર બે કિલોમીટર ઉપર ઓલિમ્પિક કમિટીએ દરેક દેશના ઓલિમ્પિક સ્ટાફને જગ્યા ફાળવી આપી હતી. જ્યાંથી તે પોતાના દેશના દોડવીરને પાણી તેમજ એનર્જી ડ્રિન્ક આપી શકે. તમામ દેશના ખેલાડીઓને તેમનો સ્ટાફ પાણી તેમજ એનર્જી ડ્રિન્ક આપી ઉત્સાહ વધારી રહ્યો હતો. પરંતુ ભારતને ફાળવવામાં આવેલી જગ્યા ઉપર કોઈ નહતું. ઓ.પી. જૈશા પાણી માટે તરસતા રહ્યાં અને દોડતા રહ્યાં. આઠ કિલોમીટર બાદ ઓલિમ્પિક કમિટીએ મુકેલા પાણીમાંથી બે ઘૂંટ પાણી પી શકાયું. રેસ આગળ વધતી રહી પરંતુ ઓ.પી. તરસ્યા જ દોડતા રહ્યાં. ભારતના ખેલાડીને પાણી આપવા માટે ઓલિમ્પિક કમિટીએ ભારતના સપોર્ટ સ્ટાફને ૨૦ કાઉન્ટર આપ્યાં હતાં. પરંતુ તે તમામ ખાલી હતાં. તમામ રેસ દરમ્યાન ઓ.પી.ને પાણીનું એક ટીપું પણ ન મળ્યું. છતાં પુરા ૪૨ કિલોમીટરની મેરેથોન ઓ.પી.એ પુરી કરી. ફિનિશિંગ લાઈન ઉપર પહોંચીને તે ફસડાઇ પડ્યાં. એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં. ડોક્ટરોએ બચવાની આશા છોડી દીધી હતી. અતિશય ડીહાઇડ્રેશનને કારણે શરીરે જવાબ આપી દીધો હતો. પરંતુ બાળપણથી જિંદગી સામે ઝઝૂમતા આવેલા ઓપી જૈશાએ ત્યાં પણ સંઘર્ષ કર્યો અને મોતના મુખમાંથી પરત ફરવામાં સફળતા મેળવી.

ઓ.પી. આજના યુવાન ખેલાડીઓને સંદેશો આપતા કહે છે કે અમારા સમયમાં ખેલાડીઓને આજના જેવી સુવિધાઓ મળતી નહતી. છતાં મેં સંઘર્ષ કર્યો અને આ સ્થાન પર પહોંચી છું. આજે તો ખેલાડીઓને ઘણી સુવિધા મળે છે. તેમણે ખુબ મહેનત કરવી જાેઈએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution