માતરના વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય બંને હાર્યાં! : સંજય પટેલનો ભવ્ય વિજય

ખેડા : ધી ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની નિયામક મંડળની ચૂંટણીમાં માતર બ્લોક બેઠક પરથી સંજયભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો. ખેડા, માતર, વસો બ્લોક ૧૦ વિભાગમાં ત્રિપાંખીયો જંગ હતો, જેમાં માતરના ભાજપના વર્તમાન ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને સહકારી ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતાં અને પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ચાવડાને હરાવીને સંજય પટેલે પોતાની બેઠક જાળવી રાખી હતી. સંજયભાઈ પટેલને ૪૭ મત, કેસરીસિંહ સોલંકીને ૨૬ મત અને ધીરુભાઈ ચાવડાને માત્ર ૧૪ મત મળ્યાં હતાં. ૧ મત રદ થયો હતો. સંજય પેટેલે બંને મહારથીઓ ધોબીપછડાટ આપીને ખુરશી જાળવી રાખી હતી. એક સમયે સંજય પટેલ ધીરુભાઈ ચાવડા પાસેથી જ રાજકીય પાઠ શીખ્યાં હતાં.

માતરના ભાજપના વર્તમાન ધારાસભ્ય કેસરીસિંહ અને માતરના પૂર્વ ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રે ખૂબ નામના મેળવનાર ધીરુભાઈ ચાવડાની પણ હાર થતાં બંનેના કાર્યકરોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. સંજયભાઈની જીત બદલ મોટી સંખ્યામાં શુભેચ્છકો શુભેચ્છા આપવા માટે દોડી આવ્યાં હતાં. સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ મારી જીત નથી, કાર્યકરોની જીત છે. માતર તાલુકામાં મારી પાસે કોઈ સત્તા ન હોવા છતાં પણ મને અમૂલની ચૂંટણીમાં જીત અપાવવામાં કાર્યકર્તાઓએ મહેનત કરી તેનું આ પરિણામ છે.

અમૂલ ડેરીની ચૂંટણીમાં માતર બ્લોકનું વાતાવરણ ભારે રસાકસીભર્યું રહ્યું હતું. અમૂલ ડરી માતર બ્લોકમાં રાજકીય ગરમાગરમી વ્યાપી હતી. ચૂંટણી ઉમેદવારોમાં પૂર્વ ધારાસભ્ય અને કેડીસીસી બેંક અને જિલ્લા સહકારી સંઘના ચેરમેન અગ્રણી સહકારી આગેવાન ધીરુભાઈ ચાવડા, વર્તમાન ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને ૨૦૧૭માં વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. મહત્વનું એ છે કે, ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણી હારી ગયેલાં સંજય પટેલે ભાજપના વર્તમાન ધારાસભ્ય કેસરીસિંહ અને ધીરુભાઈ ચાવડાને હરાવ્યાં છે. ધીરુભાઈ ચાવડાની હારથી કોંગ્રેસમાં અને કેસરીસિંહની હારથી ભાજપ કેમ્પમાં સોંપો પડી ગયો હતો. માતરના બદલાતાં સહકારી સમીકરણો ૨૦૨૨ના રાજકીય સમીકરણો પણ બદલશે, તેવી ગણતરીઓ મંડાઈ રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution