ડુંગળીના ભાવમાં વર્તમાન મહિનાના પ્રારંભથી ૩૫થી ૪૦ ટકાનો વધારો જાેવા મળ્યો


મુંબઈ,તા.૧૯

 લોકસભાની ચૂંટણી તથા નીચા ભાવની ઓફરને પરિણામે કેન્દ્ર સરકાર દ્વારા બફર સ્ટોક માટે ડુંગળીની ખરીદી વર્તમાન નાણાં વર્ષના ટાર્ગેટ કરતા ઘણી જ નીચી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે સરકારે પાંચ લાખ ટન ડુંગળી ખરીદીનો ટાર્ગેટ રાખ્યો છે, પરંતુ ટાર્ગેટના દસ ટકા જેટલી ખરીદી પણ હજુ થઈ શકી નહીં હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ગયા નાણાં વર્ષમાં સરકારી એજન્સીઓએ ૬.૪૦ લાખ ટન ડુંગળીની ખરીદી કરી હતી જેમાંથી એક લાખ ટન હજુપણ સ્ટોકમાં હોવાનો દાવો કરાયો હતો.વર્તમાન વર્ષમાં બે મહિના લાંબી ચાલેલી લોકસભાની ચૂંટણી ઉપરાંત ખેડૂતોને ઓફર કરાતા નીચા ભાવને પરિણામે બફર સ્ટોકનો ટાર્ગેટ જૂનમાં અપેક્ષા પ્રમાણે સિદ્ધ થઈ શકયો નથી. નીચા ભાવને કારણે ખેડૂતો સરકારી એજન્સીઓને માલ વેચવા ઉત્સાહ ધરાવતા નથી.

ડુંગળીના ભાવમાં સ્થિરતા રાખવા સરકાર ૨૦૧૬-૧૭થી બફર સ્ટોક ઊભો કરે છે. તે અગાઉ સરકાર ભાવ ઘટાડાની સ્થિતિમાં ખેડૂતોને ટેકો આપવા જ ડુંગળીની ખરીદી કરતી હતી. નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (નાફેડ) અને નેશનલ કોઓપરેટિવ કન્ઝયૂમર્સ' ફેડરશેન (એનસીસીએફ) મારફત સરકાર ડુંગળીની ખરીદી કરે છે. આવક નીચી રહેતા અને માગમાં વધારો થવાને પરિણામે ડુંગળીના ભાવમાં વર્તમાન મહિનાના પ્રારંભથી ૩૫થી ૪૦ ટકાનો વધારો જાેવા મળ્યો છે. માગ તથા પૂરવઠા વચ્ચેની અસમતુલાને કારણે ભાવ ઊંચકાયા હોવાનું સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું. હાલમાં બજારમાં જે પૂરવઠો થઈ રહ્યો છે તે ખેડૂતો તથા ટ્રેડરો પાસે રહેલા સ્ટોકસમાંથી આવી રહ્યો છે. હીટવેવ તથા કમોસમી વરસાદને કારણે ડુંગળીના પૂરવઠા પર અસર પડી હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution