ભરૂચ, તા.૧૧
ભરૂચની સિવિલ હોસ્પિટલની વેન્ટીલેશનની બારીમાંથી ફરાર થઇ ગયેલાં બે પૈકી એક કાચા કામના કેદીને પોલીસે હાંસોટ ખાતેથી ઝડપી પાડયો છે. ઝડપાયેલાં આકાશ વસાવાએ જેલમાંથી બહાર આવવા માટે સાબુ ખાઇ લીધો હતો જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયો હતો. જયાંથી તે તથા અન્ય એક કેદી ફરાર થઇ ગયાં હતાં.
ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં કાચા કામના બે કેદી ફરાર થઇ ગયાં હોવાની ઘટના સામે આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આથાડુંગરી ગામના નિશાળ ફળિયામાં રહેતો ૨૨ વર્ષીય અર્જુન ઉર્ફે અજ્જુ જયંતિ પરમાર ૩ મહિનાથી ભરૂચ સબ જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતો. તેને ૩ સપ્ટેમ્બરના રોજ સતત તાવ રહેતો હોવાથી તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભરૂચના તાડીયા ગામના મંદિરવાળા ફળીયામાં રહેતો આકાશ સંજય વસાવા છેલ્લા ૪ મહિનાથી કાચા કામના કેદી તરીકે ભરૂચ સબ જેલમાં બંધ હતો. ૫ સપ્ટેમ્બરના રોજ તે સાબુ ખાઇ જતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.