શહેરમાં માત્ર એક કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકતાં વિવિધ વિસ્તારોમાં પાણી-પાણી 

વડોદરા, તા. ૧૦

શહેર – જીલ્લામાં અષાઢ અનરાધાર થતા માત્ર એક કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે ઉપરવાસમાં વરસાદ વરસતા કરજણ ડેમના ચાર દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. તે સિવાય એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. તે સિવાય આજવા ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો હતો.

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્ર અનેે વલસાડ ખાતે ભારે વરસાદને પગલે વડોદરાની એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી હતી. જ્યારે શહેર – જીલ્લામાં પણ અષાઢ અનરાધાર થતા વિવિધ સ્થળોએ પાણી ભરાયા હતા. છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદ વરસતા નિચાણ વાળા વિસ્તારોેમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા અનેક રાહદારીઓને તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મુશળધાર વરસાદને પગલે રોડ રસ્તા ચીકણાં બનતા અનેક વાહનચાલકોના અકસ્માત સર્જાયા હતા. તો બીજી તરફ મહાકાય વૃક્ષો પણ ધરાશયી થતા અનેક લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. ભારે પવન સાથે વરસાદ ખાબકતા વિવિધ વિસ્તારોમાં વિજળી ગૂલ થઈ હતી. સમગ્ર દિવસ દરમ્યાન ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસતા મહત્તમ તાપમાનમાં બે ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલો ધટાડો નોંધાયો હતો. ઠંડા વાતાવરણ સાથે મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રી સેન્ટીગ્રેડની સાથે લધુત્તમ તાપમાન ૨૫ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સિવાય વહેલી સવારે ભેજનું પ્રમાણ ૯૨ ટકા અને સાંંજે ૯૭ ટકા જાેવા મળ્યું હતું. જ્યારે હવાનું દબાણ ૧૦૦૦.૩ મીલીબાર્સ સાથે પશ્ચિમ દિશા તરફથી ચૌદ કી.મી.ની ઝડપે વરસાદી પવન ફૂકાયા હતા.

ક્યાં કેટલો વરસાદ

શહેર-જિલ્લાના વિવિધ તાલુકાઓ પૈકી કરજણ ખાતે ૧૪ એમ.એમ. , ડભોઈ ખાતે ૮૬ એમ.એમ. , ડેસર ખાતે ૧૪ એમ.એમ. , પાદરા ખાતે ૫૦ એમ.એમ. વડોદરા ખાતે ૨૫ એમ.એમ. , વાધોડીયા ખાતે ૪૨ એમ.એમ. , સાવલી ખાતે ૨૬ એમ.એમ. અને શિનોર ખાતે ૨૧ એમ.એમ. વરસાદ વરસ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution