ન્યુયોર્ક-
ન્યુ યોર્ક સિટીના સબવેમાં ચાકુબાજી બનાવોથી શહેરમાં સનસનાટી મચી ગઈ છે. આ હુમલાઓમાં બે લોકોનાં મોત નીપજ્યાં અને બે લોકો ઘાયલ થયા. લોકોમાં ફક્ત ભય જ નથી, પરંતુ ન્યૂયોર્ક પોલીસ વિભાગે પણ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 500 પોલીસકર્મીઓ તૈનાત કર્યા છે. વિભાગના અધિકારીઓએ પત્રકારોને જણાવ્યું હતું કે, શુક્રવારે વહેલી સવારથી શનિવારની વચ્ચે હુમલો થયો હતો.
અધિકારીઓનું માનવું છે કે જે લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો તે લોકો બેઘર હતા. પોલીસને શંકા છે કે આ હુમલા એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા છે અને તે તેની શોધ કરી રહી છે. પોલીસ કર્મચારી આ ઘટનાની તપાસ માટે સબવેમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કરી રહ્યા છે. શુક્રવારે મધ્યરાત્રિએ ક્વીન્સમાં ટ્રેનમાં એક લાશ મળી હતી. તેના ગળા અને શરીર પર છરીના નિશાન હતા.
બે કલાક પછી, મેનહટનમાં એક સબવેમાંથી એક મહિલાની લાશ મળી. તેના પર છરીના નિશાન પણ હતા. મેનહટન વિસ્તારમાં બે 67 વર્ષિય અને 43 વર્ષીય શખ્સો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ, તેઓ આખા સબવે સિસ્ટમમાં 500 વધારાના અધિકારીઓને તૈનાત કરશે.