આણંદ : વડોદરામાં યુવક સાથે લગ્ન કર્યાં બાદ આણંદની દુલ્હન દોઢ લાખ રૂપિયા રોકડા, સોના ચાંદીના દાગીના અને મોબાઇલ ફોન સહિતની મત્તા લૂંટીને ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતા. પોલીસે આણંદની યુવતી સહિત ૬ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
પોલાીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, છૂટક મજૂરી કરીને પેટીયું રળતાં અને વડોદરા શહેર નજીક કરચિયા ગામની બળદેવનગર ઝૂંપડપટ્ટીમાં રહેતાં આકાશ કોળીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારાં ઘરે કલર કામ માટે આવેલી અકબર નામની વ્યક્તિને મારે લગ્ન કરવા છે, કોઇ છોકરી હોય તો બતાવજાે, એવું કહ્યું હતું, જેથી અકબરે રામપાલ રાજપૂત (રહે, ઇન્દિરાનગર, કરચિયા ગામ)નો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ રામપાલે અન્ય મણિલાલ નામની વ્યક્તિ સાથે સંપર્ક કરાવતાં તેણે લગ્ન પેટે ૫૦ હજાર રૂપિયાની માગણી કરં હતી. આ પૈસાની મેં ચુકવણી કરી હતી. ત્યારબાદ આણંદ ખાતે રહેતાં પરેશ પંચાલને મળીને છોકરી જાેવાં માટે રાસ ગામમાં આવેલાં એકલવ્ય એપાર્ટમેન્ટમાં ગયાં હતાં. જ્યાં સોનલ નામની છોકરી તથા છોકરીના મામા તરીકે અરવિંદ સોલંકી સાથે મુલાકાત કરાવી હતી.
છોકરી જાેઈને લગ્ન નક્કી કર્યાં બાદ ફૂલહારની વાતચીત કરીને અરવિંદે જણાવ્યું હતું કે, સોનલનાં પિતાની જમીન ગીરવે છે, તે છોડાવવા માટે એક લાખ રૂપિયાની જરૂર છે. આ પૈસા આપવાની હાં પાડ્યાં બાદ ગણતરીના દિવસોમાં ફુલહારની વિધિ પૂરી કરવામાં આવી હતી. ફુલહારના બીજા દિવસે સોનલના મામા અરવિંદે ફોન કરીને તાત્કાલિક એક લાખ રૂપિયાની માગણી કરતાં મેં એક લાખની ચૂકવણી કરી હતી, જેનું કાચું લખાણ આપ્યું હતું.
વધુમાં ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, લગ્નના એક માસ બાદ અરવિંદ સોલંકીએ બાધા પુરી કરવા માટે સોનલને તેડી જવાની હોવાનું કહ્યું હતું. આ દરમિયાન સોનલ સોનાની બુટ્ટી, સોનાની ચેન, સોનાનું મંગળસૂત્ર, ચાંદીની ઝાંઝરી, ચાંદીના વિટલા અને સોનાની નથડી સાથે લઈ ગઈ હતી. ત્યારબાદ સોનલ પરત ન ફરતાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, સોનલનો પરિવાર અન્ય લોકો સાથે પણ આ પ્રમાણે નાટક રચીને સોનલનાં લગ્ન અન્ય લોકો સાથે કરાવીને પૈસા પડાવવાનો ધંધો કરે છે. આ ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે આણંદના નકલી પરિવાર પરેશ પંચાલ, અરવિંદ સોલંકી, પારૂલ, ધર્મેન્દ્ર, મણિલાલ સોલંકી અને સોનલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતા.