વડોદરા : વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં બે દિવસ મેઘરાજાએ વિરામ પાળ્યા બાદ આજે સવારથી વાદળિયા માહોલ વચ્ચે બપોરના સમયે કાળાડિબાંગ વાદળો ઘેરાયાં હતાં અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ થતાં શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જેના પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રાત્રે ૮ વાગ્યા સુધીમાં વડોદરા, સાવલી અને કરજણમાં દોઢ ઈંચ જ્યારે ડભોઈમાં ૩ ઈંચ વરસાદ થયો હતો. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી છે, જેના પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં શ્રાવણ મહિના સુધી છૂટાછવાયા વરસાદને બાદ કરતાં મેઘરાજાએ જમાવટ કરી ન હતી. જાે કે, ભાદરવો શરૂ થતાં જ મેઘરાજાએ બરાબર જમાવટ કરતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા હતા. જ્યારે નદી-તળાવો, સરોવરોમાં પણ નવા નીર આવતાં તંત્રે રાહત અનુભવી હતી. જાે કે, બે દિવસના વિરામ બાદ આજે સવારથી વાદળિયા માહોલ વચ્ચે બપોર સુધી ઉકળાટ અનુભવાયો હતો. પરંતુ બપોરે એકાએક વાદળાં ઘેરાયાં હતાં અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં રવિવારની રજામાં બપોરના સમયે ખરીદી માટે નીકળેલા લોકો અટવાઈ ગયા હતા.
મોડી સાંજ સુધી ધોધમાર વરસાદ જારી રહેતાં નીચાણવાળા વિસ્તારોમાં અનેક સ્થળે પાણી ભરાતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જિલ્લા પૂર નિયંત્રણકક્ષના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સવારે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુધી ડભોઈ તાલુકામાં સર્વાધિક ૭૮ મિ.મી. એટલે કે ૩ ઈંચ વરસાદ થયો હતો. જ્યારે સાવલી તાલુકામાં ૩૩ મિ.મી., કરજણમાં ૩૧ મિ.મી., વડોદરામાં ૩૦ મિ.મી., પાદરા તાલુકામાં ૧૮ મિ.મી. તેમજ અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ભારથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેના પગલે તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. આમ, પાછોતરો વરસાદ સારો રહેતાં પીવાના પાણી તેમજ સિંચાઈના પાણીની સમસ્યાનું મહદ અંશે હલ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
વીજવાયર પર વીજળી પડતાં દશરથ ગામમાં અનેક લોકોના ઘરોમાં ઈલે. ઉપકરણોને નુકસાન
વડોદરા શહેર તેમજ આસપાસના તાલુકાઓમાં બપોરથી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. દરમિયાન બપોરના સમયે વીજળીના કડાકા સાથે થઈ રહેલા વરસાદમાં દશરથ ગામમાં વીજવાયર પર વીજળી પડતાં ગામના અનેક ઘરોમાં ૧૦૦ થી ૧૫૦ જેટલા ટીવી, ફ્રીજ સહિતના ઈલેકટ્રોનિક ઉપકરણોને નુકસાન થયું હતું. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના બ્રાહ્મણ ફળિયા, પટેલ ફળિયા, હરિજન વાસ, ઈન્દિરાનગર વગેરે વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં ઈલેકટ્રોનિક ઉપકરણો વીજળી પડવાથી ફૂંકાઈ જતાં ભારે નુકસાન થયું હતું.
આજવા સરોવરની સપાટી વધીને ર૧૦ ફૂટ થઈ
વડોદરામાં બપોર બાદ થયેલ ધોધમાર વરસાદની સાથે શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવર અને તેના સ્ત્રાવ વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ થતાં બપોરે આજવા સરોવરની સપાટી ૨૦૯.૮૦ ફૂટ થઈ હતી. તે વધીને રાત્રે ૮ વાગે ૨૧૦.૦૫ ફૂટ થઈ હતી. જ્યારે વિશ્વામિત્રીની સપાટી પણ વધીને ૮.૫૦ ફૂટ થઈ હતી. આમ આજવાના સ્ત્રાવ વિસ્તારો એટલે કે આજવા, પ્રતાપપુરા, હાલોલ, ધનસરવાવ, ધનોરા, પિલ્લોલ વગેરે સ્થળે બપોર બાદ એકથી અઢી ઈંચ જેટલો વરસાદ થતાં આજવા સરોવરની સપાટીમાં નોંધપાત્ર વધારો થવાથી પાણીના પ્રશ્ને થોડી ઘણી રાહત થઈ છે.