વડોદરા, તા.૬
એમ.એસ. યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં હિન્દુ દેવી-દેવતાઓના વાંધાજનક આર્ટવર્ક અને મહિલાઓના ન્યુડ ચિત્રોના વિવાદને લઈને માહોલ તંગ બન્યો છે. જાે કે, આ વિવાદ બાદ ફાઈન આર્ટસ ફેકલ્ટીના મેઈન ગેટને તાળાં મારીને ફેકલ્ટી બંધ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ આ સંદર્ભે ફરી એકવાર ભાજપા સંકલન અને ટીમ એમએસયુ સામ-સામે આવી ગયા હોવાનું જાણવા મળે છે. વાંધાજનક આર્ટવર્કને લઈને ગુરુવારે વિવાદ વકર્યો હતો. ત્યારે બુધવારે રાત્રે ફેકલ્ટીના દરવાજા ખોલીને ફોટા કોણે વાયરલ કર્યા? તે અંગે પણ ચર્ચા યુનિ. વર્તુળોમાં થઈ રહી છે.
વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં હિન્દુ દેવી-દેવતાઓના વાંધાજનક આર્ટવર્કના વિવાદને લઈ વિદ્યાર્થીઓ અન્ય સંગઠનો વિરોધ પ્રદર્શનો ન કરે અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના મેઇન ગેટને તાળાં મારી ફેકલ્ટી બંધ કરી દેવામાં આવી છે.
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં આવેલી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં એક વિદ્યાર્થીએ પરીક્ષાના એન્યુઅલ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં પેપર કટિંગ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના આર્ટ તૈયાર કર્યાં હતા. પેપર કટિંગમાંથી હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો બનાવવામાં આવ્યા હતા, જેને લઇને વિવાદ સર્જાયો છે. હિન્દુ દેવી-દેવતાઓના પેપર કટિંગમાંથી બનાવેલા ચિત્રો દુષ્કર્મના સમાચારોને લઈને વિવાદ સર્જાયો છે અને હિન્દુઓની લાગણી દુભાઈ હોવાની વાતને લઇને હોબાળો મચ્યો હતો. આ ઉપરાંત મહિલાઓના ન્યૂડ ચિત્રો પણ બનાવ્યા છે, વિવાદ વધતાં સમગ્ર આર્ટ એક્ઝિબિશન બંધ કરી દેવાયું હતું.
જાે કે, આ વિવાદમાં ફરી એક વખત ભાજપ સંકલન સમિતિ અને ટીમ એમએસયુ સામ-સામે આવી ગયા છે. જ્યારે આ વિવાદ બાદ ડીનના રાજીનામાની માગણી કરાઈ રહી છે અને ડીન ટીમ એમએસયુના નિકટના હોવાનું કહેવાય છે. જાે કે, વિવાદ વધુ વકરે તે પૂર્વે યુનિ.સત્તાઘીશો દ્વારા કમિટી બનાવી ફેકલ્ટી બે દિવસ માટે બંઘ કરી દેવાઈ છે.
જે પ્રદર્શનમાં ફોટા નથી છતાં પ્રદર્શનના નામે વિવાદ કોણે ઊભો કર્યો?
ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં સર્જાયેલા વિવાદ અંગે ફોટા વાયરલ થયા અને તેને લઈને વિવાદ સર્જાયો તે આર્ટવર્ક ફાઈનલ યરના કોઈ વિદ્યાર્થીએ બનાવ્યું ન હોવાનું તેમજ આ આર્ટવર્ક એક્ઝિબિશનમાં મુકાયા ન હતા તેવું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જે પ્રદર્શનમાં વિવાદીત આર્ટવર્ક નથી છતાં પ્રદર્શનના નામે વિવાદ ઊભો કોણે કર્યો? તેવી ચર્ચા પણ યુનિ. વર્તુળોમાં થઈ રહી છે.
સમગ્ર ઘટનાની તપાસ માટે ફેક્ટ ફાઇડિંગ કમિટીની રચના કરાઇ
વડોદરામાં ફાઇન આર્ટસ્ ફેકલ્ટીના વિદ્યાર્થી દ્વારા પેપર કટિંગમાંથી દુષ્કર્મના સમાચારો કટિંગ કરી તેનાથી બનાવવામાં આવેલ હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રોનો વિવાદ વકર્યા બાદ એમ.એસ. યુનિવર્સિટી દ્વારા એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવવામાં આવી છે. જેમાં યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના ડીન અને સિન્ડિકેટ મેમ્બરને સામેલ કરવામાં આવ્યા છે. આ કમિટી સમગ્ર મામલે તપાસ કરી પોતાનો રિપોર્ટ વાઇસ ચાન્સેલરને સબમિટ કરશે.
ફરિયાદ કરવાની મંજૂરી વી.સી.એ કેમ ના આપી?
ફાઈન આર્ટસમાં એક્ઝિબિશનમાં હિન્દુ દેવી-દેવતાઓના વાંધાજનક આર્ટવર્કને લઈને વિવાદ ઊભો થયો હતો. જાે કે, આ આર્ટવર્કના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ વિવાદ સર્જાયો હોવાનું કહેવાય છે. સમગ્ર વિવાદની તપાસ માટે સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ કરવાની મંજૂરી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે કેમ ના આપી? તેને લઈને પણ અનેક તર્કવિતક સર્જાયા છે.
કોણ કોણ છે સમિતિમાં?
પ્રો. સી.એન.મૂર્તિ ટેકનોલોજી ફેકલ્ટીના ડીન, કન્વીનર પ્રો. કેતન ઉપાધ્યાય, કોમર્સ ફેક્લટીના ડીન, પ્રો.ભાવના મહેતા, સોશિયલ વર્ક ફેકલ્ટીના ડીન, પ્રો. હરિ કટારિયા, સાયન્સ ફેકલ્ટીના ડીન, ડૉ.વી.એચ. ખેર, સિન્ડિકેટ મેમ્બર, ડૉ. ચેતન સોમાણી, સિન્ડિકેટ મેમ્બર, જિગ્નેશ શાહ, સેનેટ મેમ્બર, પ્રો. અંબિકા પટેલ, ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ, ડૉ. મયંક વ્યાસ, જાેઇન્ટ રજિસ્ટ્રાર.