અમદાવાદ-
નવરાત્રિમાં ત્રીજા દિવસની પૂજા અને ભક્તિ કરવાનું વિશેષ મહત્વ છે. આમ તો નવ દિવસ શક્તિની આરાધના કરવાના દિવસ છે. માં શક્તિનું ત્રીજુ રૂપ છે ચંદ્રઘંટા. આ દિવસે માંના વિગ્રહનું પૂજન કરવામાં આવે છે અને સાધક જો ધ્યાન કરે તો તેનું મન મણિપુર ચક્રમાં પ્રવેશ કરે છે. માં ચંદ્રઘંટાની ભક્તિથી અને તેની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે, અને દિવ્ય સુંગધનો અનુભવ થાય છે. વિવિધ પ્રકારની ધ્વનિ સંભળાય છે. ચંદ્રઘંટા માંનું સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. માં શક્તિના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્ર ધારણ કરેલ હોય છે, જેથી તેમને ચંદ્રઘંટા દેવી કહેવાય છે. ચંદ્ર હમેંશા શીતળતા પ્રદાન કરે છે, તેની રીતે ચંદ્રઘંટા માંના શરીરનો રંગ ચંદ્રની જેમ ચમકીલો હોય છે, તેમના દસ હાથ છે, અને તેમના દસેય હાથમાં તલવાર, શસ્ત્ર, કમંડળ, પુષ્પ, ત્રિશુળ, ગદા સહિતના અસ્ત્ર હોય છે. તેઓ સિંહ પર બિરાજમાન છે. માં ચંદ્રઘંટાના સ્વરૂપના દર્શન કરવાથી માનવનું મન શીતળતાનો અનુભવ કરે છે.
"ऐश्वर्य यत्प्रसादेन सौभाग्य-आरोग्य सम्पदः। शत्रु हानि परो मोक्षः स्तुयते सान किं जनै॥"
રૂદ્રાક્ષની માળા અથવા લાલ ચંદનની માળાથી આ મંત્રનો જાપ કરવો.
માં ચંદ્રઘંટાના દર્શન કરવાથી ભક્તના બધા પાપ અને આફત દૂર થયા છે. કષ્ટ નિવારણ દેવી છે. નવરાત્રિના ત્રીજા દિવસે શક્તિની આરાધનાની સાથે માં ચંદ્રઘંટાના સ્વરૂપનું ધ્યાન કરવાથી માં રક્ષા કરે છે, અને વીરતા અને વિનમ્રતા બક્ષે છે. ભુતપ્રેતથી રક્ષા થાય છે. ભક્તમાં નિર્ભરયતા આવે છે. આવે આપણે આજના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાના સ્વરૂપને મનમા ઉતારીને માતાજીની ભક્તિમાં લીન બની જઈએ. અને માં ચંદ્રઘંટાને કોટીકોટી વંદન કરીએ..