સંદેશખાલી મુદ્દે અદાલતે સીબીઆઈને પીડિતોની સુરક્ષા અને ગુપ્તતા માટે પધ્ધતિ વિકસાવવા કરેલો નિર્દેશ

સંદેશખાલી મુદ્દે સીબીઆઈ તપાસના હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દેતા સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી હતી. આ ઘટનાક્રમમાં કોલકાતા હાઈકોર્ટે કરેલો એક મહત્વનો નિર્દેશ ધ્યાન ખેંચનારો છે. આ નિર્દેશ માત્ર સંદેશખાલીના બનાવ માટે નહીં પરંતુ દેશમાં બનતા આ પ્રકારના તમામ બનાવો માટે લાગુ કરવો જાેઈએ. હાઈ કોર્ટે પીડિત મહિલાઓને મળી રહેલી ધમકીઓના સંદર્ભમાં સીબીઆઈને જણાવ્યું હતું કે આ પ્રકારની પીડિત મહિલાઓમાં હિંમત આવે અને તેમનામાં આત્મવિશ્વાસ આવે તે માટે તેમની સલામતી તેમજ ઓળખ ગુપ્ત રાખવા માટેની ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવી જાેઈએ. કોલકાતા હાઈકોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સંદેશાખાલીની સ્થાનિક મહિલાઓમાં આત્મવિશ્વાસ નિર્માણની પદ્ધતિઓ વિકસાવવા નિર્દેશ આપ્યો હતો જેઓ જાતીય શોષણનો ભોગ બનેલી મહિલાઓને તેમના અવાજ ઉઠાવવા સામે ધમકીઓ આપવામાં આવી રહી હોવાના આક્ષેપો વચ્ચે તેમની ફરિયાદો નોંધાવા માટે આગળ આવી હતી.

સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસની ભલામણ કરતા કલકત્તા હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો. હાઈ કોર્ટ દ્વારા સંદેશખાલીના તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા શેખ શાહજહાં સામે જમીન હડપ અને જાતીય સતામણીના આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

જસ્ટિસ બીઆર ગવઇ અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે પશ્ચિમ બંગાળ સરકારની અરજી સાંભળી અને રાજ્ય સરકાર પર આકરા સવાલો કર્યા હતા. શેખ શાહજહાંનો ઉલ્લેખ કરી કોર્ટે પૂછ્યું હતું કે તે શા માટે વ્યક્તિની સુરક્ષામાં રસ ધરાવે છે. તેમણે કહ્યું કે સુનાવણીની અગાઉની તારીખે, રાજ્ય તરફથી હાજર રહેલા વકીલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા આ ચોક્કસ પ્રશ્ન પૂછવામાં આવ્યા પછી કેસને મુલતવી રાખવો જાેઈએ.

પશ્ચિમ બંગાળ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે સંદેશખાલી મુદ્દાને રાજકીય કારણોસર પ્રમાણની બહાર ઉછાળવો જાેઈએ નહીં. તેમણે કહ્યું કે કલકત્તા હાઈકોર્ટના આદેશમાં માત્ર જાતીય સતામણી અને જમીન પચાવી પાડવાની ઘટનાઓ જ નહીં, પરંતુ રાશન વિતરણ કૌભાંડ જેવા અન્ય કેસોને પણ આવરી લેવામાં આવ્યા છે. તેના પર જસ્ટિસ ગવઈએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજ્ય સરકારે મહિનાઓ સુધી કંઈ કર્યું નથી.

એડવોકેટ મેનકા ગુરુસ્વામીએ દલીલ કરી હતી કે રાશન વિતરણ કૌભાંડના સંબંધમાં શેખ શાહજહાંના પરિસરમાં દરોડો પાડવા જઈ રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ પર ૫ જાન્યુઆરીનો હુમલો પૂર્વ આયોજિત હતો.

અગાઉ, ૧૦ એપ્રિલના રોજના તેના આદેશમાં, કોલકાતા હાઈકોર્ટે એમ કહીને સંદેશખાલી કેસમાં કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની સીબીઆઈ તપાસની માંગ કરી હતી કે નિષ્પક્ષ તપાસ જરૂરી છે.

ડિવિઝન બેન્ચે એજન્સીને એક 'સમર્પિત પોર્ટલ’ બનાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો જ્યાં પીડિત અને સાક્ષીઓની ગુપ્તતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા ફરિયાદો દાખલ કરી શકાય.

અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને પૂછ્યું કે રાજ્યએ કેટલાક ખાનગી વ્યક્તિઓના હિતોનું રક્ષણ કરવા માટે અરજીકર્તા તરીકે કેમ આગળ આવવું જાેઈએ. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી તેની અરજીમાં હાઈકોર્ટના આદેશને વિકૃત, ગેરકાયદેસર અને મનસ્વી ગણાવ્યો હતો, જેને રદ કરવો જાેઈએ.

હાઇકોર્ટનો આદેશ સંદેશખાલીની મહિલાઓ દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી દરમિયાન આવ્યો હતો, જેમણે પક્ષના સસ્પેન્ડેડ નેતા શેખ શાહજહાંની નજીકના સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ સામે જાતીય સતામણીનો આક્ષેપ કર્યો હતો, ઉપરાંત જમીન પચાવી પાડવા અને હિંસાની ફરિયાદો પણ કરી હતી.

સીબીઆઈ પહેલાથી જ સંદેશખાલીમાં ઈડી અધિકારીઓ પર હુમલાના કેસની તપાસ કરી રહી છે અને ૫ જાન્યુઆરીની ઘટનાઓ સંબંધિત ત્રણ એફઆરઆઈ નોંધી છે.

દેશભરમાં અનેક જગ્યાએ આ પ્રકારના બનાવો બનતા હોય છે જેમાં ફરિયાદ કરવા જતાં પીડિતોને ધમકીઓ અને હુમલાઓનો સામનો કરવો પડતો હોય છે. આવા સંજાેગોમાં તંત્રએ વિશેષ વ્યવસ્થા કરવી જરૂરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution