પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી

નવીદિલ્હી :પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે ૩૩મી પુણ્યતિથિ પ્રસંગે દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ રાજીવ ગાંધીના સ્મારક સ્થળ વીર ભૂમિની મુલાકાત લીધી હતી અને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે સવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ સહિત ઘણા નેતાઓએ રાજીવ ગાંધીના સ્મારક સ્થળની મુલાકાત લીધી હતી અને શ્રદ્ધાંજલિ આપી હતી.આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પુત્ર રાહુલ ગાંધી,કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી ‘વીર ભૂમિ’ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની યાદમાં સમાધિ સ્થળ વીર ભૂમિ ખાતે પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા કોંગ્રેસે તેના એકસ હેન્ડલ પર લખ્યું, “શાંતિ, સંવાદિતા અને પ્રગતિના પ્રણેતા શ્રી રાજીવ ગાંધીને સલામ.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. “આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજીને તેમની પુણ્યતિથિ પર મારી શ્રદ્ધાંજલિ,” પીએમએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું. રાજીવ ગાંધી ૧૯૮૪ થી ૧૯૮૯ દરમિયાન દેશના વડાપ્રધાન હતા. ૧૯૯૧ માં, તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમના સભ્યો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution