વલસાડ-
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો દિવાળી બાદ ખૂબ જ વધ્યા છે. તેથી કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને અન્ય રાજયોમાંથી ગુજરાતમાં આવતા લોકોનો RT-PCR અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. તપાસ દરમિયાન જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત જણાય તો તેને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવે છે અથવા તો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ત્યારે વલસાડમાં લગ્નના દિવસે જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એક દુલ્હનને તેના પિતાના ઘરે જ હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવી હતી અને લગ્નમાં આવેલા મહેમાનોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
કોરોના જેટલો ઘાતક છે તેટલો રમૂજ પણ ફેલાવી રહ્યો છે. લોકો કોરોના મામલે એવી એવી વાતો અને સોશિયલ મીડિયા પર એવા એવા મીમ્સ બનાવી પોસ્ટ કરતા હોય છે કે, એક ક્ષણ આપને એવુ થઇ જાય કે, આ શું. જો કે, હકીકત તો એ છે કે, કોરોનાએ વિશ્વભરને બાનમાં તો લીધુ જ લીધુ છે, પરંતુ કોરોનાનાં કારણે અનેક વખત એવુ પણ જોવામાં આવ્યું છે કે આ કામ પૂર્વે અસંભવ લાગતું કે કોઇ ન કરતા તે પણ લોકોને કરવા પડ્યા છે. આવો જ એક કિસ્સો વલસાડમાંથી સામે આવ્યો છે. વલસાડ લગ્નના દિવસે જ કન્યાને કોરોના પોઝિટિવ ડિટેક્ટ થયો છે. યુવતીના લગ્ન યોજાયા હતા. અને યુવતી 10 તારીખે લગ્નની ખરીદી માટે મુંબઈ ગઇ હતી. જોકે યુવતીની મુંબઇ મુલાકાત અને લગ્ન પ્રસંગનાં મેળાવડાની તંત્રને જાણ થતા. આરોગ્ય વિભાગ ની ટીમ લગ્ન સ્થળ પર પહોંચી હતી. ટીમ દ્વારા વર – વધુ સહિત મહારાષ્ટ્ર થી આવેલ જાનૈયાઓના કોરોના રેપિડ ટેસ્ટ કરાયા હતા. તમામ ટેસ્ટ બાદ માલુમ થયુ કે, માત્ર કન્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, બાકીના તમામનાં કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આમ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કન્યાને તેના પિતાના ઘરેજ હોમ કવોરેનટીન કરી દેવામાં આવી છે.