જન્માષ્ટમીએ ગોપાલકૃષ્ણને યાદ કરીએ છીએ પણ તેની વહાલી ગૌમાતાની દુર્દશા તરફ દુર્લક્ષ

જન્માષ્ટમીના પર્વનો આપણા દેશમાં ઘણો મહિમા છે. આ દિવસે આપણે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા અવતાર ધારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણની પુજાભક્તિમાં ડુબી જઈએ છીએ. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલા જેના વિના અધુરી કહેવાય અને જેમના નામ ગોપાલ સાથે જ જેનું નામ જાેડાયેલું છે તેવી ગૌમાતાની આપણા જ દેશમાં જે દુર્દશા થઈ રહી છે તેની સામે પ્રજાથી માંડીને સરકાર સુધીનો સમગ્ર સમાજ આંખ આડા કાન કરીને જીવે છે.

જે દેશમાં ગાયને માતાનો દરજ્જાે અપાયો છે તે દેશમાં ગૌહત્યા એટલા મોટા પ્રમાણમાં થાય છે કે ગૌમાંસની નિકાસમાં આપણો દેશ સૌથી આગળ છે. ગૌહત્યા પર પ્રતિબંધ માટે સ્વતંત્રતા પછી અનેક આંદોલનો થયા છે. ઈન્દિરા ગાંધીના શાસનકાળમાં કરપાત્રી મહારાજની આગેવાનીમાં થયેલા પ્રચંડ આંદોલનને નિર્દયી રીતે કચડી નાંખવામાં આવ્યું હતું તે ઈતિહાસના પાને નોંધાયેલું છે. વર્તમાનમાં ભાજપ સરકાર છે જે હિન્દુત્વના માન પર ચૂંટાઈને આવી છએ પરંતુ ગૌહત્યા પર પ્રતિબંધ મુકવાની તેની પણ હિંમત ચાલતી નથી.

આ તો રાજકારણ અને સરકારની વાત થઈ પરંતુ એક પ્રજા તરીકે આપણે પણ ગૌમાતાનો સાચો આદર કરવામાં ઉણા ઉતર્યા છીએ. કચરાના ઢગલાઓ પર ખોરાક શોધતી ગાયોને જાેઈ આપણા મનમાં અરેરાટી થતી નથી અને ગાયોને કચરો ખાવા મજબુર કરનાર ગોપાલકોને પણ તેમાં કોઈ ખોટું કર્યાનો અહેસાસ નથી.

તેની સામે ઘણા ગૌપ્રેમી સેવાભાવી લોકો ગૌસેવાના કાર્યમાં જાેડાયેલા છે અને કાળજીપુર્વક સમર્પણભાવથી ગાયોની સેવા કરે છે. એટલું નહીં, પરંતુ ગો-ઉત્પાદનો વડે સાત્વિક અને પર્યાવરણલક્ષી અર્થતંત્ર વિકસાવવા માટે પ્રયાસશીલ છે. પરંતુ તેમનું સંખ્યાબળ અલ્પ છે અને સમાજની મુખ્ય ધારામાં પરિવર્તન લાવવામાં હજી સુધી તે સંઘર્ષના તબક્કામાં જ છે.

આપણા ધર્મગ્રંથોમાં તો ગાયને પવિત્ર માનવામાં આવી છે પરંતુ આરોગ્યની દ્રષ્ટિથી પણ આપણાં પ્રાચીન આરોગ્યશાસ્ત્ર આયુર્વેદમાં ગાયનું ખુબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.ગાય દ્વારા મળતા પાંચ ઉત્પાદનો દુધ, ઘી, દહીં, ગૌમુત્ર અને ગોબરને પંચગવ્ય કહેવામાં આવે છે અને તેના રોગનિવારણ તત્વોનું આયુર્વેદમાં વિશદ વર્ણન છે.

સંશોધન મુજબ, એવું જાણવા મળ્યું છે કે પંચગવ્ય પ્રાણીઓમાં એન્ટિબોડીઝના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે, આમ રોગપ્રતિકારક શક્તિનું નિર્માણ કરે છે.

યુકેના જર્નલ મિરરમાં ગૌમૂત્રના ફાયદાઓ પર એક લેખ પ્રસિધ્ધ થયો છે. તેમાં જણાવાયુ છે કે કેન્સર, ડાયાબિટીસ, ક્ષય રોગ, પેટની સમસ્યાઓ જેવા ઘણા રોગોની સારવાર માટે ગૌમૂત્રનો સફળતાપૂર્વક ઉપયોગ કરી શકાય છે.

ગાયના છાણમાં એન્ટિસેપ્ટિક, એન્ટિ-રેડિયોએક્ટિવ અને એન્ટિ-થર્મલ ગુણ હોય છે. ૧૯૮૪માં ભોપાલમાં ગેસ દુર્ઘટના ળખતે ગાયના છાણની દિવાલોવાળા મકાનોમાં રહેતા લોકોને અસર થઈ ન હતી તેવું નોંધાયેલું છે.

  એરિક કોટ્‌સ, યુનિવર્સિટી ઓફ ઇડાહો સિવિલ એન્જિનિયરિંગના એસોસિયેટ પ્રોફેસર, અને તેમની વૈજ્ઞાનિકોની ટીમ વીજળી ઉત્પન્ન કરવા તેમજ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકના ઉત્પાદન માટે ગાયના છાણના સંભવિત ઉપયોગ પર સંશોધન કરી રહી છે. તેમના સંશોધનના આધારે, તેઓ નિષ્કર્ષ પર આવ્યા કે એનારોબિક પાચન નામની પ્રક્રિયા દ્વારા, બેક્ટેરિયા ખાતરને મિથેન-સમૃદ્ધ બાયોગેસમાં રૂપાંતરિત કરી શકે છે, જેને વીજળી ઉત્પન્ન કરવા માટે એન્જિન જનરેટરમાં બાળી શકાય છે. તેવી જ રીતે, આ સંશોધન જૂથ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવાની તકનીક વિકસાવી રહ્યું છે.

ગાયનું આટલું મહત્વ હોવા છતાં અફસોસની વાત એ છે કે ગાયની સુરક્ષા અને સંવર્ધન પ્રત્યે આપણે સદંતર બેદરકાર છીએ. કૃષ્ણ ભગવાનની પુજા કરીએ તેની સાથે તેમના જેવો ગૌપ્રેમ ધારણ કરીએ તો સાચી જન્માષ્ટમી ઉજવાશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution