રહેવું ગમે એવો દેશ ઓમાન, તેમાં મસ્કત એટલે ‘મસ્ત મસ્ત’

ઓમાન દેશની રાજધાની મસ્કત શહેરમાં એક ટૂંક સમયના રહેવાસી તરીકે ત્રીજી વખત ગયો. આ શહેરની અને ઓમાનની ખાસિયત એ જાેઈ કે અહીં મૂળ નાગરિકો કરતાં બહારથી આવેલા વસાહતીઓ જ વધી જાય છે. ભારતીય, પાકિસ્તાની, બાંગ્લાદેશી, ફિલિપિનો, ઈરાની, આફ્રિકન અને છેક દૂરના કહી શકાય તેવા થાઈ અને ચાઈનીઝ લોકો ઘણા જાેવા મળે.ભારતીયો તો ૨૦૦ વર્ષથી વધું સમયથી આ દેશ સાથે જાેડાયેલા છે પણ એ વખતે કહે છે ગુજરાતીઓ મહત્તમ હતાં. લગભગ ૧૯૮૫ સુધી. ગુજરાતી મીડિયમ સ્કૂલો પણ હતી. આજે જ્યાં જાેઈએ ત્યાં કેરળના લોકો જ દેખાય છે. મોલના મેનેજર, બીલિંગવાળા, પ્યુન અને સ્વીપર બધા જ કેરાલીઓ. આપણું કામ હિંદીમાં ચાલી જાય. બધે જ.

એક વખત એવો હતો કે વસાહતીઓ ૬૬ ટકા અને ૩૪ ટકા ઓમાનીઓ કુલ વસતીમાં હતા. ગર્વની વાત છે કે ૨૦૧૫ પછી ભારતમાં એટલી પ્રગતિ થઈ છે કે અહીંની ઊંચી લાગતી કમાણીમાંથી બચત થાય તેની નજીકની બચત ભારતમાં આર્થિક પ્રગતિએ શક્ય બનાવી હોઈ સાગમટે સ્વદેશ પરત ફરતા ભારતીયોને કારણે આજે ૪૪ ટકા જેવા વસાહતીઓ રહ્યા છે.

અહીં દર ત્રણ વિદેશીને નોકરીએ રાખો તો એક ઓમાનીને ફરજીયાત નોકરીએ રાખવો પડે. એટલે એ લોકોમાં બેકારીનો દર ઓછો છે.

ઓમાની લોકો દેખીતી રીતે ૩ રંગના દેખાઈ આવે. એકદમ ગુલાબી ગોરા, આપણા જેવા પીળા કે ઘઉંવર્ણી અને એકદમ કાળા. ઈરાન કે અફઘાનિસ્તાન જેવા દેશથી આવી વસેલા ગુલાબી, કચ્છ કે કરાચી તરફથી આવેલા આપણા વર્ણના, અને પૂર્વે આફ્રિકાથી આવી વસેલ શ્યામરંગી. અહીં શ્યામ શું, બધા રંગની સમીપે જવાય. એ લોકો ખૂબ મદદગાર અને મળતાવડા હોય છે. કેમ ન હોય? એ ઓમાની લોકો મધપૂડાની રાણી મધમાખી, આપણે લોકો બહારથી આવી મહેનત મજૂરી કરતા કામદાર મધમાખી. તો પણ, પ્રજા આપણને તેમનામાં ભેળવી દે તેવી છે. સિવાય કે નાગરિકત્વ અને સ્થાવર મિલ્કત વસાવવા.

રાજ્યને કટોકટીમાંથી ઉગારનાર ખીમજી રામદાસ ત્યાં શેખની માનભરી ઉપાધિ ધરાવે છે પણ ૧૯૭૪થી વસેલા ગુજરાતીને કે અન્ય ભારતીયોને ત્યાનું નાગરિકત્વ નથી મળ્યું. તેઓ પોતાના નામે મિલકત વસાવી શકતા નથી.

ઓમાની ડ્રેસકોડ બેજાેડ છે. પુરુષો સફેદ દિસાદાસ કહેવાતો છેક પાની સુધીનો ઝબ્બો પહેરે છે. તેમાં ગળા પાસે ઝૂલતાં બે ફુમતાં સુગંધી અત્તર લગાવેલાં જ હોય છે. માથે ટોપીમાં ફુલવેલ જેવી ભાત ચોક્કસ ડિઝાઇન સોનેરી, લીલા, લાલ કે ભૂરા રૂપેરી રંગમાં હોય. અમુક લોકો ખાસ રીતે માથે ટોપીને બદલે ભૂરું, સોનેરી લાઈનો વાળું ફાળિયું વીંટે. આ ભાત, કહે છે વ્યક્તિ મૂળ ક્યાં વિસ્તારની રહેવાસી છે એ સૂચવે છે. જાે કે મને લાગ્યું કે આપણા ચાર વર્ણની જેમ અમુક ધંધો કરતા વર્ગને અમુક ડિઝાઈનની ટોપી હોવી જાેઈએ.

સ્ત્રીઓ અહીં કાળા અબાયા નામે ઓળખાતા ઝબ્બા પહેરે પણ મોં ખુલ્લું. બુરખો નહીં. ઊલટું કોઈ મોલ જેવી જગ્યાએ કાર પાર્ક કરી ઉતરતાં પહેલાં લીપસ્ટિક લગાવી મેકઅપ ઠીક કરતી સુંદર સ્ત્રીઓ દેખાય. અબાયામાં પણ આગળ ભરત કે એમ્બ્રોઇડરી કરી આપતાં બ્યુટીક ધ્યાન ખેંચે.

અંતરિયાળ જગ્યાએ ચા ને ‘કરક’ કહે છે. કડક ચા? છાશ માટે લબાન શબ્દ છે. દહીંને યોઘર્ટ કહેવાય જે અનેક ફ્લેવરમાં, અનેક રંગમાં મળે. એ મસાલેદાર થી માંડી મીઠું કે ચેરી કે ફ્રૂટના કટકા નાખેલું પણ હોય. ક્રીમ જેવું. સ્મૂધ.

અહીંની ભાષામાં પ નથી. પ ને બદલે બ જ હોય. એટકે જ પાર્ક ને બદલે બાર્ક કહેતા ઓમાની ની જાેક પ્રચલિત છે. ટ્યુલીપ હોટેલ ને બદલે ટ્યુલિબ લખ્યું હોય.

લગભગ દરેક પાસે કાર, એ પણ આપણે મોંઘી અને ભવ્ય કહીએ તેવી હોય છે. હમણાં સુધી તો યુ.એસ. જેવા દેશોની આયાત કરેલી કાર ખૂબ ચાલતી. હવે તેના રજિસ્ટ્રેશન આકરાં કર્યાં હોઈ લોકો મુશ્કેલી અનુભવે છે. મજૂર બાંગ્લાદેશીઓ કે ભારતીયો સાઇકલ વાપરે છે અને સાઇકલ ચલાવનારે ફલ્યુરોસંટ જેકેટ દિવસે પણ પહેરવાં પડે છે. પેટ્રોલ ઉત્પાદક દેશ હોવા છતાં સાઇકલ ચલાવવા પ્રેરણા આપતી જાહેરખબરો જાેવા મળે છે.

ભારતીય સંતાનોને ભણવા મસ્કતમાં જ ૧૭ ઇન્ડિયન સ્કૂલ છે. ત્યાં પણ વાદી કબીર વિસ્તારની શાળાએ ફી ખૂબ વધારી એ સામે ભારતીય વાલીઓએ દેખાવ કરેલા.

મસ્કતમાં ખૂબ જુનાં શિવમંદિર અને હવેલી એટલે કે કૃષ્ણમંદિર છે. કહે છે ઓમાનમાં માત્ર મસ્કતમાં જ આ બે હિંદુ મંદિર છે. શિવરાત્રીના દૂરના શહેરોમાંથી ચારેક કલાક ડ્રાઇવ કરી લોકો લાંબી લાઈનમાં ઉભી દર્શન કરવા આવેલા. કાર દોઢ કીમી દૂર ઉભાડી મંદિરની ફ્રી બસ લઈ જાય. તે દિવસ પુરતી.

હિંદુ સ્મશાન મસ્કતથી બે કલાકના રસ્તે સોહારમાં બનાવ્યું છે. તે ઓમાનમાં એક માત્ર સ્મશાન છે.

મેં જાેયું કે ત્યાં ઠેકઠેકાણે રસ્તાની બાજુઓએ લીલોતરી અને ઋતુ મુજબ ફૂલો ઉગાડેલાં. રિસાઈકલડ જળથી સ્પ્રીંકલિંગ એટલે ગોળ ઘૂમતા ફુવારા દ્વારા પાણી છાંટી એ બાગ જીવાડતા સરકારી માળીઓ જાેયા. એવા મજૂરીના અને નીચા પ્રકારના જાેબ માં ભારતીયો અને પાકિસ્તાની, બાંગ્લાદેશીઓ જ વધુ જાેયા.

સમગ્રપણે રહેવું ગમે એવો દેશ ઓમાન અને એવું મઝાનું શહેર મસ્કત.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution