ઇલેક્ટ્રોનિક્સ ભંગારમાંથી ઓલિમ્પિક મેડલ!

હાલ ફ્રાન્સના પેરિસ ખાતે ઓલિમ્પિક યોજાયો છે અને તેની વિવિધ રમતો રોજબરોજ રમાય છે. આ વખતે ઓલિમ્પિકમાં કુલ ૩૨૯ ગોલ્ડ મેડલ અપાનાર છે. આપણે મેડલોનો ઇતિહાસ આ તબક્કે જાણીશું. વાત શરૂઆતથી કરીએ તો વર્ષ ૧૮૯૬માં એથેન્સમાં યોજાયેલી પ્રથમ આધુનિક ઓલિમ્પિક ગેમ્સ, હાલના સ્વરૂપની એટલે કે આધુનિક ઓલિમ્પિક યોજવાનો પ્રારંભ થયો હતો. કેટલાક વર્ષોમાં કેટલાક કારણોસર નિયમિત સમય ઓલમ્પિક યોજાઈ નહતી. પરંતુ અત્યાર સુધીમાં ૩૦ ઓલિમ્પિક યોજાઈ ચૂકી છે. જેમાં કુલ ૩૬,૬૦૦ મેડલો આપવામાં આવ્યા છે.

રસપ્રદ વાત એ છે કે ઓલિમ્પિકનું આયોજન ભલે વર્ષો પહેલાથી થયું હોય પરંતુ જે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અપાય છે તેની શરૂઆત વર્ષ ૧૯૦૦માં કરવામાં આવી હતી. તે પછી ઓલિમ્પિકમાં મેડલ આપવાની પરંપરા શરૂ થઈ છે. જાે કે તે સમયે માત્ર સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યા હતાં. પરંતુ વર્ષ ૧૯૦૪માં અમેરિકાના સેન્ટ લુઈસ ખાતે સૌપ્રથમ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો. ત્યારથી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ આપવાની શરૂઆત થઈ હતી.

મેડલો વિશે વાત કરીએ ત્યારે હંમેશા કંઈક નવું કરવા માટે વિશ્વવિખ્યાત તેવા જાપાનમાં ૧૯૨૦માં જ્યારે ટોકિયો ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો અને આ પ્રયોગથી વિશ્વના દેશો અચંબામાં મુકાઈ ગયા હતાં. હાલ આધુનિક યુગ છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોનિક સાધનોનો યુગ છે. હવે તે એઆઈ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સુધી પહોંચી ગયો છે. સમગ્ર વિશ્વમાં ભરપૂર પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. પછી તેમાં કોમ્પ્યુટર હોય, સર્વર હોય, કરોડોની સંખ્યામાં બનતા મોબાઈલ ફોન હોય , રોબોટ હોય, અનેક ઇલેક્ટ્રોનિક સંચાલિત સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે તેની એક સાઇડ ઇફેક્ટ એ પણ છે કે ઇલેક્ટ્રોનિક સાધનોનો ભંગાર પુષ્કર મોટા પ્રમાણમાં દરેક દેશમાં એકત્રિત થતું હોય છે. હજારો ટન ભંગાર હોય છે. આ ભંગારનો નિકાલ કેવી રીતે કરવો? આ એક મોટી સમસ્યા છે. ત્યારે વિશ્વમાં સૌપ્રથમવાર જાપાને એક નવતર પ્રયોગ કર્યો. તેણે ૨૦૨૦માં યોજાયેલ ઓલિમ્પિકમાં અપાયેલા ૧૦૦૦ કરતા વધુ મેડલો આ ઇલેક્ટ્રોનિક ભંગારમાંથી બનાવ્યા હતા. તેઓએ આ ભંગારનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કર્યો. એટલે કે એ ભંગારને ક્રશ કરીને તેમાંથી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓમાં વાપરવામાં આવતી વિવિધ ધાતુઓને અલગ કરી. તમારી જાણ માટે કહીએ તો ઇલેક્ટ્રોનિક સાધનોમાં શુદ્ધ સોનું અને શુદ્ધ ચાંદીનો, જસતનો, તાંબાનો વગેરે અનેક પ્રકારની ધાતુઓનો ઉપયોગ થતો હોય છે. એટલે જાપાને આ ક્રશ કરેલા મટીરીયલમાંથી વિવિધ ધાતુઓ અલગ કર્યા બાદ તે ધાતુઓમાં મિશ્રણ કરીને ઓલમ્પિકના ૧૦૦૦થી વધુ મેડલો બનાવ્યા હતાં. એટલે કે ઇલેક્ટ્રોનિક સાધનોમાંથી સોનું,ચાંદી ઉપરાંત વિવિધ ધાતુઓ કાઢી લઈને સંપૂર્ણપણે ચાંદીના સિલ્વર મેડલો,ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલો બનાવવામાં આવ્યા હતાં. બાકીના ભંગારનો ઉપયોગ કેટલીક મશિનરીઓ બનાવવામાં કરાયો હતો.એ જ રીતે તાંબા, જસત અને અન્ય ધાતુનો ઉપયોગ કરીને બ્રોન્ઝ મેડલ બનાવવામાં આવ્યા હતાં.

 ગોલ્ડ મેડલ સંપૂર્ણપણે સોનાનો બનાવવામાં આવતો નથી. તેનું પ્રથમ કારણ એ છે કે સોનું ખૂબ મોંઘુ છે. એટલે જાે સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવે તો એક ગોલ્ડ મેડલની કિંમત આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ મુજબ રૂપિયા ૩૫ લાખ થાય. એટલે ગોલ્ડ મેડલમાં ૯૨.૫ ટકા ચાંદી હોય છે અને ફક્ત ૬ ગ્રામ જ સોનું હોય છે. જાપાને ઇલેક્ટ્રોનિક વેસ્ટમાંથી આ રીતે સોનું,ચાંદી,તાંબુ, જસત,નિકલ વિગેરે અને પ્રકારની ધાતુઓ કાઢી લીધી અને તેના મેડલ વિજેતાઓને આપીને એક નવો પ્રયોગ કર્યો જેનાથી સમગ્ર વિશ્વ અચંબામાં મુકાઈ ગયો હતો. કારણકે ઓલિમ્પિકમાં મેડલ જીતવો એક યાદગાર ઘટના હોય છે. પરંતુ તેમાં ઇલેક્ટ્રોનિક વેસ્ટમાંથી બનાવવામાં આવેલ ભંગારમાંથી મેડલો બનાવીને જાપાને ઓલિમ્પિક નું આયોજન કરનાર દેશોને સંદેશો આપી દીધો કે તેઓ હજારો અને લાખો રૂપિયાનો ખર્ચ મેડલ બનાવવા માટે ન કરીને જાે ઇલેક્ટ્રોનિક ભંગારનો ઉપયોગ કરવામાં આવે તો આ મેડલો ઘણી ઓછી કિંમતે બની શકે છે. અને તે એક યાદગાર પણ હોઈ શકે છે. તે સમયે જાપાનની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

હવે જ્યારે ફ્રાન્સમાં ઓલિમ્પિક રમાઈ રહી છે, ત્યારે ત્યાં પણ જાપાનની જેમ, પરંતુ એક્ઝેટલી જાપાન જેવો નહીં પરંતુ પોતાની રીતે એક અનોખો પ્રયોગ કર્યો છે. ફ્રાન્સ ઓલિમ્પિકમાં આપવા માટે જે મેડલો બનાવ્યા છે તેમાં ફ્રાન્સના પેરિસના વિશ્વવિખ્યાત એફિલ ટાવરના લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વખતના મેડલમાં એફિલ ટાવરના લોખંડના ટુકડાનો ઉપયોગ કરાયો છે. એટલે કે મેડલમાં ૧૮ ગ્રામ એફિલ ટાવરના લોખંડનો ઉમેરો કરવામાં આવ્યો છે.

જાે વજનની વાત કરીએ તો એકના મેડલનું વજન ૫૩૦ ગ્રામ હોય છે. પેરિસ ઓલિમ્પિકના એફિલ ટાવરમાંથી ૧૮ ગ્રામ લોખંડનો ઉપયોગ કર્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ યજમાન દેશે રાષ્ટ્રીય સ્મારકના ટુકડાને ચંદ્રકોમાં સામેલ કર્યો હોય. પેરિસ ઓલિમ્પિકમાં આપવામાં આવેલ ગોલ્ડ મેડલની કિંમત રૂ. ૮૦,૦૦૦ છે, સિલ્વર મેડલની કિંમત રૂ. ૪૫,૦૦૦ છે અને બ્રોન્ઝ મેડલની કિંમત રૂ. ૧૦૦૦ છે.

વાચકોને એ પણ જણાવી દઈએ કે ઓલિમ્પિકના યજમાન દેશે મેડલો બનાવવાના હોય છે. આ મેડલની ડિઝાઇન દરેક ઓલિમ્પિકમાં બદલાય છે. પરંતુ મેડલ કેવા હોવા જાેઈએ, તેનો આકાર કેવો હોવો જાેઈએ, તેનું વજન કેટલું હોવું જાેઈએ તે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલું હોય છે. આ કમિટીએ જે નિયમો બનાવ્યા છે તે નિયમોને વળગીને આયોજક દેશે મેડલો બનાવવાના હોય છે. પછી આયોજન દેશ પોતાની રીતે ડિઝાઇન બનાવી શકે છે. પરંતુ વજન, એનું કદ,એનું માપ વિગેરે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ આપેલા નિયમો મુજબ જ રાખવાનું હોય છે. જેમ કે મેડલ ઓછામાં ઓછા ૬૦ મીલીમીટર વ્યાસ અને ત્રણ મીલીમીટર જાડો હોવા જાેઈએ. મેડલ પર રમતનું નામ લખેલું હોવું જાેઈએ. મેડલની ડિઝાઇનમાં ફેરફાર કરવા માટે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની લેખિતમાં મંજૂરી મેળવવી ફરજીયાત છે.

 ૧૯૧૨ ઓલિમ્પિક ગેમ્સ સુધી ગોલ્ડ મેડલ બનાવવામાં સો ટકા સોનાનો ઉપયોગ થતો હતો. કારણકે તે સમયે સોનું સસ્તું હતું. એટલે કે પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલા સોનાની કિંમત ઘણી ઓછી હતી. પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ સમગ્ર વિશ્વ મંદીમાં ધકેલાઈ ગયું. ઘણા બધા દેશોની ચલણી નોટો કિંમત વગરની થઈ માત્ર કાગળના ટુકડા સાબિત થયા. ત્યારે વિશ્વભરના લોકો સોના અને ચાંદીની ખરીદી તરફ વળ્યા અને ત્યારથી સોના અને ચાંદીનું મહત્વ વધી ગયું. એટલે સોનાનો ભાવ એટલો બધો વધી ગયો કે ૧૯૧૨ બાદ જે કંઈ સોનાના મેડલ બનાવવામાં આવ્યા તે સંપૂર્ણ સોનાને બદલે ચાંદી ઉમેરીને બનાવવામાં આવતા હતાં. ચોક્કસ કેટલા પ્રમાણમાં ચાંદી ઉમેરવી ગોલ્ડ મેડલમાં તે નક્કી નહતું એટલે યજમાન દેશ પોતાની અનુકૂળતા અને પોતાને પોસાય એટલા પ્રમાણમાં સોનાનો ઉપયોગ કરીને બાકીનો ચાંદીનો ઉપયોગ કરતા હતાં. પરંતુ તે બાદ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી નિયમ નક્કી કર્યો કે ગોલ્ડ મેડલમાં વધુમાં વધુ ૯૨.૫% ચાંદી હોવી જાેઈએ, તેથી વધુ નહીં. અને ઓછામાં ઓછું છ ગ્રામ સોનું હોવું જાેઈએ.

ઓલિમ્પિક જેટલી રસપ્રદ છે એટલો જ રસપ્રદ તેના મેડલનો ઇતિહાસ છે, મેડલો જીતનાર ખેલાડીઓનો પણ અનોખો ઇતિહાસ છે. પેરિસ ઓલિમ્પિકમાં રોજ નવા વિક્રમો નોંધાતા જાય છે. જે ખેલાડીઓની વર્ષોની મહેનતનું પરિણામ હોય છે. બદલામાં તેઓને જે મેડલ મળે છે એ મેડલની નાણાકીય સ્વરૂપમાં કેટલી કિંમત છે તે મહત્વનું નથી પણ ઓલિમ્પિક જેવી વૈશ્વિક રમતમાં મેડલ જીતવો એ ઘણું મહત્વનું હોય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution