સુરત, ઓડિશાનાં ગંજામ જિલ્લાનાં ડેન્ગાપાદર ગામનો વતની હીના ઉર્ફે રવિ હરિ પ્રધાન વર્ષ ૨૦૦૫-૦૬માં સુરતમાં ઉમરા વિસ્તારમાં રહેતો હતો. એ સમયે હીનાને તેના ઘર નજીક રહેતી સોની નામની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. ઓગસ્ટ ૨૦૦૬માં હીના પ્રધાન તેની પ્રેમિકા સોનીને લઇ ડુમસ ફરવા ગયો હતો. મોટર સાયકલ પર ફરતાં આ પ્રેમી પંખીડાને પાડોશી પ્રશાંત વાસુદેવ દાસ જાેઇ ગયો હતો. ત્યારબાદ સોનીનાં પરિજનોએ તેને બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેથી પ્રશાંત દાસે સોનીનાં પરિવારની ચઢામણી કરી હોવાની વાત હીના ઉર્ફે રવિના મનમાં ઘર કરી ગઇ હતી. પ્રેમ સંબંધમાં આડખીલીરૂપ બન્યાની અદાવત રાખી રવિએ બદલો લેવાનું નક્કી કર્યું હતું. તે ૧૨મી ઓગસ્ટે તેના મિત્રો સાથે પ્રશાંતના ઘરે પહોંચી ગયો હતો. હથિયારો સાથે આવેલી ટોળકીએ પ્રશાંત અને તેના રૂમ પાર્ટનર ઉપર હુમલો કરી દીધો હતો. હીના ઉર્ફે રવિએ ચંદન કોડીને પેટના ભાગે ચપ્પુનો ઘા તથા શ્રીનિવાસને પગમાં તથા કમરના ભાગે ઘા ઝીંકવામા આવ્યા હતા, જ્યારે પ્રશાંતના ભાઈ સુકાંત ઉપર રવિ સાથે આવેલા યુવકોએ હુમલો કર્યો હતો. તેને પંજા તથા ડાબા હાથે તથા ડાબા કુલ્લાના ભાગે ચાપ્પુના બે ત્રણ ઘા મરાયા હતાં. આ ઉપરાંત પ્રશાંતને પણ માથામાં ચાકુનો ઘા મારવામાં આવ્યો હતો. જેમાં ચંદન કોડીનું મોત નીપજ્યું હતું. એક યુવકની હત્યા અને બે યુવકની હત્યાનો પ્રયાસ કરવા અંગે હીના ઉર્ફે રવિ તથા તેના સાગરિતો સામે ગુનો નોંધાયો હતો. જાે કે, તેઓ ફરાર થઇ ગયા હતાં. ૧૯ વર્ષથી નાસતા ફરતા હીના ઉર્ફે રવિને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી. જેમાં મળેલી માહિતીના આધારે ઓરિસ્સાના ભુવનેશ્વરથી હીના પ્રધાનને ઝડપી લેવાયો હતો. હીના પ્રધાનની પુછપરછ કરતા જણાવેલ કે આ હત્યામાં તેની સાથે વિજય ઉદય મહારાણા તથા રમેશ નામનો વ્યક્તિ હતો.આ બે પૈકી વિજય મહરાણાનું વર્ષ ૨૦૨૨માં ઇંજની ઇન્ડસ્ટ્રીઝમાં હત્યા કરાઇ હોવાનું પણ તપાસ દરમિયાન બહાર આવ્યું છે.