સામાન્ય રીતે લોકોને આ વાત ગળે ઉતારતા તકલીફ પડશે કે સ્થૂળ હોવું એ ખરેખર રોગ છે. આમ તો લોકો આને રોગ ગણતાં નથી અથવા ખાસ ગંભીર લેતા પણ નથી , અને સહજ રીતે સ્વીકારી લે છે કે પોતે સ્થૂળ છે. ભારત દેશમાં સ્થૂળતા એટ્લે કે મેદસ્વી પણું હવે ઘર કરતું જાય છે. ઘર ઘર માં આ રોગ જાણે કોઈ વાઇરસ ફેલાઈ તેમ ફેલાઈ રહ્યો છે. એમાં પણ સ્ત્રીઓમાં વિશેષ રીતે આ રોગ જાેવા મળી રહ્યો છે. તો શું આપ એવું માનો છો કે આપનું શરીર સુડોળ હોય તો જ ગર્ભધારણ કરી શકાય અથવા ગર્ભ ધારણ કરવા માટે શરીર કેવું છે એનું મહત્વ ખરું ? તો આ નો જવાબ છે હા. ગર્ભ ધારણ કરવા માટે આપનો બાંધો સુડોળ હોય તે ઇચ્છનિય છે , કારણકે ગર્ભાવસ્થામાં વધતાં વજનને રોકી શકાતું નથી અને તેના લીધે ગર્ભાવસ્થા નોર્મલ ના રહેતા કંઈક ને કંઈક મુશ્કેલીઓ લઈને આવે છે. સ્થૂળ માતાઓના બાળકોને ઘણા ગંભીર રોગો થવાની શક્યતાઓ રહે છે.
આયુર્વેદ શું કહે છે સ્થૂળતા વિષે ? આવો જાણીએ
આયુર્વેદમાં સ્થૂળતાનું વર્ણન મળે છે.આચાર્ય ચરક કહે છે કે શરીરની સાત ધાતુ (રસ ,રક્ત ,માંસ ,મેદ, અસ્થિ, મજ્જા ,શુક્ર )ઓમાંની એક મેદ ધાતુનો માર્ગ શરીરમાં વધેલો વાયુ ઘેરી લે છે તેથી અન્ય ધાતુઓનું પોષણ થતું નથી અને ખાલી મેદ ધાતુ જ બન્યા કરે છે , કોઈ વાર મેદની સાથે સાથે માંસ ધાતુ પણ વધતાં વધતાં પેટ, સાથળ , ગુદા,સ્તનની આસપાસનો ભાગ વધતો જાય છે આને સ્થૂળતા કહે છે. આયુર્વેદમાં કહ્યું છે કે સ્થૂળ કરતાં પાતળો મનુષ્ય વધુ સુખી છે.
આખા વિશ્વ માં સ્થૂળતા હવે કોરોનાની જેમ એપીડેમીક બનવા તરફ જઈ રહી છે. ખોરાકની અયોગ્ય પદ્ધતિઓ , આળસુ જીવન શૈલી , તણાવ- ચિંતા વગેરે પાશ્ચાત્ય જીવન શૈલીની ભેટ છે જે સ્થૂળતા વધારવાના અગત્યના કારણો છે. સ્થૂળતા આમ તો વર્તણૂક આધારિત રોગ છે .વ્યક્તિ સ્થૂળ ત્યારે બને છે જ્યારે તેની શારીરિક ક્રિયાઓ ઓછી થાય છે, સેક્સ્યુયલ લાઈફ ઓછી માણે છે,અતિશય આળસમાં રહે છે, આ બધા કારણોસર સ્થૂળતા આવીને અનેક ગંભીર રોગોનું ઘર બને છે .
સ્ત્રીઓમાં સ્થૂળતાની આજે આપણે વિશેષ વાત કરી રહ્યા છીયે ત્યારે સ્ત્રીઓમાં સ્થૂળતા દરેક અવસ્થામાં નડે જ છે પણ ગર્ભાવસ્થામાં ખાસ નડે છે, સ્થૂળતાથી ગર્ભાવસ્થાનો ડાયાબિટીસ , હ્રદયની તકલીફો , ધમનીઓમાં લોહી જાડું થઈ જવું , પિતાશયની પથરી , બ્લડ પ્રેશર , સ્ટ્રોક વગેરે થઈ શકે છે.
સ્થૂળતા ના કારણો –
*પચવામાં ભારે ભોજન વારંવાર લેવું,ગળ્યો ,ચીકણો ,આહાર વધુ લેવો, વધુ ભોજન લેવું,જમ્યા પછી પણ વારંવાર જમવું ,પિષ્ટ અન્ન ( ખૂબ જીણો લોટ જેમકે ચણા નો લોટ ,મેંદો વગેરે )નું સેવન વારંવાર કરવું.
*દિવસે સૂઈ જવું, વ્યાયામ ના કરવો, શરીરના કુદરતી વેગો જેવા કે મળમૂત્ર વગેરેને રોકવા , વધુ પડતો વ્યાયામ કરવો
*ચિંતા, ભય , શોક, ક્રોધ , લજ્જા વગેરે માનસિક ભાવો ના લીધે વધુ પ્રમાણમાં હોવા
* વારસાગત રીતે
વંધ્યત્વ અને સ્થૂળતા ને ખરેખર લેવા દેવા છે ખરું ?
હા , બિલકુલ છે. ૫૦-૬૦ ટકા જેટલી સ્થૂળ સ્ત્રીઓમાં વંધ્યત્વ જાેવા મળે છે. વધતાં વજન સાથે બીજ છૂટું પડવાની કુદરતી પ્રક્રિયા ખોરવાય છે. સ્થૂળતા બાળપણથી જ મોટી સમસ્યા હોય છે , મોટા ભાગના સ્થૂળ બાળકો મોટા થઈને સ્થૂળ જ રહે છે અને તે વારસાગત ચાલ્યા કરે છે આથી સ્થૂળતા ને અટકાવવી જરૂરી છે.
શરીરમાં ઇન્સ્યુલીન ( જે ડાયાબિટીસ માટે જવાબદાર છે તે ) નામના હોર્મોનનું પ્રમાણ વધારે હોવાથી પણ સ્ત્રીઓમાં સ્થૂળતા થઈ શકે. ઇન્સ્યુલીનના વધુ પ્રમાણને કારણે એંડ્રોજન નામના હોર્મોન શરીરમાં વધે છે અને તેનાથી બીજ બનવાની અને માસિક ચક્રની પ્રક્રિયા ખોરવાય છે , પીસીઓડી (પોલી સિસટીક ઓવરીયન ડીસીસ ) નામનો રોગ પણ થાય છે અને અંતે ગર્ભ રહેવામાં મુશ્કેલી સર્જાય છે .
ટૂંકમાં સ્થૂળતાના લીધે માસિક ચક્ર ખોરવાય છે માસિક ઓછું આવે- વધુ આવે – કસમયે આવે અથવા તો આવતું જ નથી અને સ્ત્રી બીજ બનતા નથી, સારી ગુણવત્તાના બીજ બનતા નથી , જેના લીધે પહેલા તો ગર્ભ રહેતો જ નથી અને જાે રહે તો પણ ગર્ભ સ્ત્રાવ એટલે કે મિસકેરેજ થવાની શક્યતાઓ વધી જાય છે અને ગર્ભાવસ્થામાં બીજી પણ ઘણી તકલીફો આવી શકે છે .
સ્થૂળતા થી બચવા શું કરવું ?
નિયમિત વ્યાયામ (ઓછા માં ઓછી ૩૦ મીનિટ )
ભોજનની પદ્ધતિમાં ફેરફાર
યોગ પ્રાણાયામ ધ્યાન આસન સૂર્યનમસ્કાર
કોઈ પણ પ્રકારના વ્યસનનો ત્યાગ