નૂતન : સહજ અભિનય અને સાદગીભર્યું સાૈંદર્ય

લેખકઃ સમીર પંચોલી | 

નૂતનને ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે. લગભગ ચાર દાયકા સુધીની કારકિર્દીમાં તેમણે ૭૦થી વધુ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. જેમાંની ઘણી ફિલ્મોમાં તેમની મુખ્ય ભૂમિકા રહી હતી.

૪ જૂન ૧૯૩૬ના રોજ નૂતનનો જન્મ એક મરાઠી ચંદ્રસેનિયા કાયસ્થ પ્રભુ પરિવારમાં થયો હતો. તેઓ ફિલ્મ નિર્દેશક અને કવિ એવા કુમારસેન સમર્થ અને અભિનેત્રી શોભના સમર્થના પુત્રી હતા. ચાર ભાઈબહેનોમાં તે સૌથી મોટા હતાં. બાળપણમાં તે પાતળા અને કદરૂપા હોવાથી અળખામણાં હતા. અભિનેત્રી તનુજા તેમની બહેન હતી તે ઉપરાંત બીજી એક બહેન ચતુરા તથા એક ભાઈ જયદીપ હતો. જયદીપના જન્મ પહેલાં જ તેમના માતા-પિતા છૂટા પડ્યા હતા. નૂતન પંચગીનીની સેન્ટ જાેસેફ કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યા પછી ૧૯૫૩માં વધુ અભ્યાસ માટે સ્વિટ્‌ઝર્લેન્ડ ગયા હતા.

૧૧ ઓક્ટોબર ૧૯૫૯ ના દિવસે ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર રજનીશ બહલ સાથે નૂતને લગ્ન કર્યાં હતાં. તેમના પુત્ર મોહનીશ અને પુત્રી પ્રનૂતન બહલ પણ અભિનય ક્ષેત્રમાં છે.

નૂતને ૧૯૫૦માં ‘હમારી બેટી’ માં ૧૪ વર્ષની વયે અભિનેત્રી તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ તેમની માતા શોભનાએ નિર્માણ કરી હતી. ત્યારબાદ ૧૯૫૧માં તેમણે ‘નગીના’ અને ‘હમલોગ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. ૧૯૫૫માં આવેલી ‘સીમા’ ફિલ્મમાં તેમની ભૂમિકાએ વ્યાપક ઓળખ આપી અને શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો પહેલો ફિલ્મફેર એવોર્ડ તેમને મળ્યો. ત્યારબાદ તેમણે રોમેન્ટિક કૉમેડી ‘પેઈંગ ગેસ્ટ’માં દેવ આનંદ સાથે અભિનય કર્યો હતો.

૧૯૫૯માં તેમણે રાજ કપૂર સાથે ‘અનાડી’ અને સુનીલ દત્ત સાથે બિમલ રોયની ‘સુજાતા’ જેવી બે સફળ ફિલ્મોમાં અભિનય કર્યો. ૧૯૬૦થી ૧૯૭૦ના દાયકાના અંત સુધી તેમને ફિલ્મોમાં અગ્રણી ભૂમિકાઓ ભજવી હતી. સુજાતા, બંદિની, મિલન અને મૈં તુલસી તેરે આંગન કી ફિલ્મમાં ભૂમિકા માટે તેમને અન્ય ચાર એવોર્ડ મળ્યા. આ સમયગાળાની તેમની અન્ય કેટલીક ફિલ્મોમાં તેરે ઘર કે સામને, સરસ્વતીચંદ્ર , અનુરાગ અને સૌદાગરનો સમાવેશ થાય છે.૧૯૬૦માં તેમણે ફરી એક વાર મનમોહન દેસાઈની ફિલ્મ ‘છલિયા’માં રાજ કપૂર વિરુદ્ધ ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા માટે તેમને બીજી વખત ફિલ્મફૅર નોમિનેશન મળ્યું.૧૯૮૦ના દાયકામાં નૂતને ચરિત્ર ભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યુ અને તેમના મૃત્યુના થોડા સમય પહેલા સુધી તેમણે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે સાજન કી સહેલી, મેરી જંગ અને નામ જેવી ફિલ્મોમાં મોટે ભાગે માતાની ભૂમિકાઓ ભજવી હતી. ‘મેરી જંગ’માં તેમના અભિનયથી તેમને તે વખતે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીની શ્રેણીમાં છઠ્ઠો અને છેલ્લો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો હતો.

એમ કહેવાય છે કે એકવાર નૂતને જાહેરમાં સંજીવ કુમારને થપ્પડ મારી હતી. જેનું કારણ પાછળથી એ જાણવા મળ્યું કે અભિનેતા સંજીવ કુમારે ક્યાંક એવી ટિપ્પણી કરી હતી કે અભિનેત્રી નૂતન તેમના પ્રત્યે થોડીક પ્રેમની લાગણી ધરાવતા હતા પણ એમની લાગણીનો તે સ્વીકાર ના કરી શક્યા.તે સમયે પરણિત નૂતનને લાગ્યું હતું કે સંજીવ કુમાર પોતાની કારકીર્દિ આગળ વધારવા માટે જાણી જાેઈને તેને બદનામ કરી રહ્યો છે અને આ ખોટા પ્રચારથી તેના લગ્ન જીવનને નુકસાન થઈ રહ્યું છે.

ફિલ્મફેરમાં શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ પાંચ વખત જીતવાનો રેકોર્ડ નૂતન પાસે હતો. ૩૦ વર્ષો સુધી આ રેકોર્ડ તેમની પાસે જ રહ્યોે. તે પછી તેમની ભત્રીજી કાજાેલ દ્વારા ૨૦૧૧માં તેની બરાબરી કરવામાં આવી હતી. ઈ. સ. ૧૯૭૪માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

તેમના પતિનું ૨૦૦૪માં તેમના જ એપાર્ટમેન્ટમાં આગના અકસ્માતમાં મૃત્યુ થયું હતું.ઈ. સ. ૧૯૯૦માં તેમને સ્તન કેન્સરનું નિદાન થયું અને તેની સારવાર શરૂ કરાઈ હતી. ફેબ્રુઆરી ૧૯૯૧માં, બીમાર પડ્યા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેઓ ‘ગર્જના’ અને ‘ઇન્સાનિયત’નું શૂટિંગ કરી રહ્યાં હતાં. ૨૧ ફેબ્રુઆરીના દિવસે બપોરે બાર સવાબારની આસપાસ તેમનું અવસાન થયું હતું. આજે પણ તેમના ચાહકો તેમને એટલા જ પ્રેમથી યાદ કરે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution