વોશિંગ્ટન-
જૉ બાઈડેન એડમિનિસ્ટ્રેશન વિશ્ર્વના તે દેશોને ફરી મદદ કરવા જઈ રહ્યું છે જ્યાં કોરોના વાઇરસથી વધુ પરિસ્થિતિ ખરાબ છે અને ત્યાંની સરકારો વેક્સિન ખરીદી શકતી નથી. અમેરિકાના પ્રમુખ જૉ બાઈડેને કહ્યું હતું કે અમેરિકા જૂનમાં બે કરોડ વેક્સિનના ડોઝ ડોનેટ કરશે. આ પહેલા પણ અમેરિકા છ કરોડ વેક્સિનના ડોઝ આપવાનું વચન આપી ચૂક્યું છે. બાઈડેનની આ જાહેરાતના એક દિવસ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હુ)ના ચીફ ટેડ્રોસ ઘેબ્રિસિયસે સમૃદ્ધ દેશોની ટીકા કરતા કહ્યું હતું કે તેઓ પોતાને ત્યાં બાળકો અને યુવાનોને વેક્સિન આપી રહ્યા છે, જ્યારે તેઓને તેની જરૂર નથી. હુના વડાએ કહ્યું હતું કે સમૃદ્ધ દેશોએ તેમની જવાબદારી સમજવી જાેઈએ અને તે દેશોમાં વેક્સિન આપવી વધુ સારું રહેશે જ્યાં ફ્રન્ટલાઈન કામદારોને પણ હજી વેક્સિન મળી શકી નથી. ત્યાર બાદ ન્યૂ યોર્ક ટાઇમ્સે પણ તેના સંપાદકીયમાં બાઇડેન એડમિનિસ્ટ્રેશનને તે જ સલાહ આપી હતી.
ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ અમેરિકન સરકારે છ કરોડ વેક્સિન ડોનેટ કરવાની જાહેરાત કરી હતી. હવે પ્રમુખે ર્નિણય લીધો છે કે વધુ બે કરોડ વેક્સિનના ડોઝ દાન કરવામાં આવશે. આ વેક્સિન તે દેશોને આપવામાં આવશે, જે ગરીબ છે અને વેક્સિન ખરીદી શકતા નથી અથવા તે દેશોમાં જ્યાં સંક્રમણ અને મૃત્યુ સૌથી વધુ થઇ રહ્યાં છે. જાે કે અહેવાલમાં કોઈ દેશનું નામ લેવામાં આવ્યું નથી. તેમાં એસ્ટ્રાઝેનેકા વેક્સિન પણ સામેલ છે. તેને જાે કે એફડીએની મંજૂરી મળી નથી.વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જૉ બાઈડેને કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે અમેરિકા મહામારીની અસરથી ત્યાં સુધી સુરક્ષિત નહીં રહી શકે જ્યાં સુધી દુનિયામાં તેના પર કાબૂ મેળવવામાં આવશે નહીં. સંપાદકીય બોર્ડે કહ્યું હતું કે આ તે સમય છે જ્યારે બાઇડેન વહીવટીતંત્રે મજબૂત અને કઠોર ર્નિણયો લેવા જાેઈએ. તેણે આ અંગે પણ ચિંતા કરવી જાેઈએ, પગલાં ભરવા જાેઈએ કે વિશ્ર્વના બાકીના દેશોને કેવી રીતે વેક્સિન મળશે. જાે વેક્સિન અંગે કોઈ નક્કર વ્યૂહરચના ન બનાવવામાં આવે તો તેની વિશ્ર્વ પર ગંભીર આર્થિક અસરો પડશે અને તે વેક્સિન બનાવવાના ખર્ચ કરતા વધુ ખર્ચાળ સાબિત થશે.