મુંબઈ:
બોલિવુડના જાણીતા લેખક જાવેદ અખ્તરે એક્ટ્રેસ કંગના રનૌત પર માનહાનિનો કેસ કરી દીધો છે. મામલો રિતિક રોશન સાથે જોડાયેલો છે. કંગનાએ જાવેદ અખ્તર પર આરોપ લગાવ્યો હતો કે, તેમણે તેને રિતિક રોશન સામે કંઈ ન બોલવા માટે કહ્યું અને ધમકી આપી.
મીડિયા રિપોર્ટસ મુજબ, એક સૂત્રએ જણાવ્યું કે, 'જાવેદ અખ્તર ઘણા સહનશીલ સ્વભાવના છે, પરંતુ આ બધી બાબતો ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી. તેની સામે પગલાં લેવા જરૂરી થઈ ગયા હતા. જાવેદ સાહેબે કંગના સામે માનહાનિનો કેસ કર્યો છે.' સૂત્ર મુજબ, 'મામલો હવે, કોર્ટમાં છે. જાવેદ સાહેબ આ લાંબી લડાઈ માટે તૈયાર છે. કોર્ટની બહાર કોઈપણ સમજૂતી માટે જાવેદ સાહેબ તૈયાર નથી. કંગના રનોતની સામે કાયદાકીય મુશ્કેલી વધશે.'
બોલિવુડ એક્ટર રિતિક રોશનની સાથે રિલેશનશિપ પર વાત કરતા કંગનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'જાવેદ અખ્તરે મને પોતાના ઘરે બોલાવી અને કહ્યું કે, રાકેશ રોશન અને પરિવાર મોટા લોકો છે. જો તું તેમની માફી નહીં માગે તો તું ક્યાંય જઈ શકીશ નહીં. તેઓ તને જેલમાં પુરાવી દેશે અને તારી પાસે પોતાને નુકસાન પહોંચાડવા ઉપરાંત કોઈ વિકલ્પ નહીં રહે. તું આત્મહત્યાનું પણ વિચારી શકે છે. આ બધી વાતો તેમણે મને કરી. તેમણે એવું કેમ વિચાર્યું કે, જો હું રિતિક રોશનની માફી નહીં માગું તો આત્મહત્યા કરી લઈશ? તે મારા પર ગુસ્સે પણ થયા. હું તેમના કાંપી રહી હતી.'
જાવેદ અખ્તર સામે આ આરોપોનું કંગના ઘણી વખત પુનરોચ્ચાર કરી ચૂકી છે. એટલું જ નહીં, કંગનાની બહેન અને તેની મેનેજર રંગોલી ચંદેલ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાવેદ અખ્તર પર આ પ્રકારનો આરોપ લગાવી ચૂકી છે.