મુંબઇ
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ગયા વર્ષની પ્રથમ લહેર કરતા વધારે ખતરનાક અને ઘાતક સાબિત થઈ રહી છે. બોલિવૂડના અનેક સેલેબ્સ કોરોનાથી સંક્રમિત થયા હતા, જેમાંથી ઘણાં રિકવર થઈ ગયા છે અને ઘણાં હજી પણ ક્વોરન્ટાઈન છે. કોરોનાથી સંક્રમિત સેલેબ્સની યાદીમાં એક નામ આશુતોષ રાણાનું પણ જોડાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે આશુતોષ અને તેમના પત્ની રેણુકા શહાણેએ ગત સપ્તાહમાં જ કોરોનાની રસી લીધી હતી.
આશુતોષ રાણાએ જણાવ્યું કે, તેમણે ગયા અઠવાડિયે 6 એપ્રિલ, 2021ના રોજ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. તેમ છતા તેઓ કોરોના સંક્રમિત થયા છે. આશુતોષની સાથે તેમના પત્ની રેણુકાએ પણ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. રેણુકા અને આશુતોષનો રસી લેતો ફોટો પણ સામે આવ્યો હતો. જો કે આશુતોષના સ્વાસ્થ્યને લઈને વધારે જાણકારી હજી સામે નથી આવી.