લોકસત્તા ડેસ્ક
હોળી-ધૂળેટીના તહેવારોમાં ગુજરાતના મોટી સંખ્યામાં પ્રવાસીઓ રાજસ્થાન પ્રવાસે જતા હોય છે. જેમાં ગુજરાતી પ્રવાસીઓ ખાસ કરીને માઉન્ટ આબુ, જેસલમેર, ઉદયપુર, કુંભલગઢ, જોધપુર જેવા વિવિધ સ્થળોએ પ્રવાસ કરે છે. પરંતુ, કોરોના મહામારીને પગલે રાજસ્થાન સરકારે ગુજરાતી પ્રવાસી માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યો છે. આ રિપોર્ટ ફરજિયાત કરાતાં 10 ટકાથી વધુ લોકોએ બુકિંગ કેન્સલ કર્યું છે. જેથી ગુજરાતના ટૂર ઓપરેટરોને નુકસાની થઇ રહી છે.
અહીં નોંધનીય છેકે દેશભરમાંથી રાજસ્થાન જતા તમામ પર્યટકોમાં 35થી 40 ટકા ગુજરાતમાંથી જાય છે. હોળીના તહેવારોમાં મોટી સંખ્યામાં ગુજરાતી પર્યટકોએ બુકિંગ કરાવ્યું છે. રાજસ્થાનના મોટાભાગના સ્થળોએ બુકિંગ ફુલ થઈ ગયું હતું. જોકે રાજસ્થાન સરકારના આદેશ બાદ પર્યટકો દુવિધામાં છે. અને, 10 ટકા પ્રવાસીઓએ બુકિંગ કેન્સલ પણ કરાવ્યા છે. જેથી પ્રવાસન ઉદ્યોગને નુકસાન વેઠવું પડી રહ્યું છે. અને, કોરોના ટેસ્ટ અંગે નિર્ણય નહીં બદલાય તો વધુ બુકિંગ પણ કેન્સલ થવાની સંભાવના છે.