છોટાઉદેપુર લોકસભાની ટિકિટ હવે નારણ રાઠવા કે અન્ય કોઈને અપાશે ?

વડોદરા, તા.૨૭

પૂર્વ રેલ રાજ્ય મંત્રી અને તાજેતરમાંજ રાજ્ય સભાની ટર્મ પૂરી થઈ છે તેવા કોંગ્રેસના મધ્ય ગુજરાતના દિગ્ગજ નેતા નારણ રાઠવાએ આજે કોંગ્રસ છોડીને પ્રદેશ ભાજપા કાર્યાલય ખાતે આયોજીત કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ભગવો ખેસ ધારણ કરીને ભાજપામાં જાેડાતા કોંગ્રેસમાં વધુ એક મોટુ ગાબડું પડ્યું છે.નારણ રાઠવા સાથે તેમના પુત્ર બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા પણ ભાજપામાં જાેડાયા હતા.ત્યારે હવે છોટાઉદેપુર લોકસભાની ટીકીટ ભાજપા નારણ રાઠવાને આપશે કે અન્ય કોઈને? તેવી ચર્ચા રાજકિય મોરચે શરૂ થઈ છે. તો બીજી તરફ આગામી ચૂંટણીમાં સંગ્રામસિંહ રાઠવાને વિધાનસભાની ટિકિટ અપાય તેવી ચર્ચા પણ રાજકિય વર્તુળોમાં થઈ રહી છે.

વડોદરા શહેર બાદ જિલ્લા કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપામાં જાેડાઈ રહ્યા છે.ત્યારે કોંગ્રેસ તેના નેતાઓને સાચવવામાં નિષ્ફળ રહી છે.પૂર્વે રેલવે રાજ્ય મંત્રી અને હાલમાંજ રાજ્ય સભાની ટર્મ પૂર્ણ થઈ છે તેવા મધ્ય ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવાએ પણ કોંગ્રેસનો હાથ છોડતા કોંગી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

આજે પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણ રાઠવા પ્રદેશ ભાજપા કાર્યાલય કમલમ ખાતે આયોજીત કાર્યક્રમમાં તેમના સમર્થકોની સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખેસ ધારણ કરીને ભાજપામાં જાેડાયા હતા. તેની સાથે તેમના પૂત્ર તેમજ બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા પણ ભાજપામાં જાેડાયા હતા.તેમની સાથે વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અભિષેક ઉપાધ્યાય પણ ભાજપામાં જાેડાયા હતા.

આમ ભાજપા મધ્ય ગુજરાતમાં વધુ એક કોંગ્રેસના દિગ્ગજ નેતાને ભાજપામાં સામેલ કરવામાં સફળ રહ્યુ છે. ત્યારે હવે છોટાઉદેપુર બેઠક પર ભાજપા ટિકિટ નારણ રાઠવાને આપશે કે અન્ય કોઈને? તેવી ચર્ચા પર્શરૂ થઈ છે. તો બીજી તરફ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ સંગ્રામસિંહ રાઠવાને અપાય તેવી ચર્ચા પણ થઈ રહી છે.

જિ. પં.માં અભિષેક ઉપાધ્યાય સામે થયેલા લાંચ કેસનું શું?

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તેમના પૂત્ર સાથે જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અભીષેક ઉપાધ્યાય પણ ભાજપામાં જાેડાયા હતા અને પ્રદેશ ભાજપા કાર્યાલય ખાતે આયોજીત કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખના હસ્તે ભગવો ખેસ ધારણ કર્યો હતો.અભીષેક ઉપાધ્યાયના માતા વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય હતા.અગાઉ અભીષેક ઉપાધ્યાય અને સતીષ ઉપાધ્યાય જિલ્લા પંચાયતના કોઈ કામે લાંચ કેસમાં ઝડપાયા હતા.હવે તે ભાજપામાં જાેડાયા છે. ત્યારે જિલ્લા પંચાયતના લાંચ કેસનુ હવે શુ? તેવી ચર્ચા જિલ્લાના રાજકિય વર્તુળોમાં થઈ રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution