મુંબઇ
ગયા અઠવાડિયે 'ડાન્સ દીવાને 3'ના આશરે 18 જેટલા ક્રૂ મેમ્બર્સનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને હવે સેલિબ્રિટી જજ ધર્મેશ યેલાંડે કોરોનાથી સંક્રમિત થયો છે. ધર્મેશ હાલ ગોવામાં છે અને પોતાના ઘરમાં ક્વોરન્ટિન થયો છે. ધર્મેશને કોરોના થતાં કોરિયોગ્રાફર પુનિત જે પાઠક અને શક્તિ મોહન તેની જગ્યા લેશે.
'ડાન્સ દીવાને 3'ના પ્રોડ્યૂસર અરવિંદ રાવ, જેઓ હાલ કોવિડ-19થી રિકવર થઈ રહ્યા છે તેમણે ન્યૂઝની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, 'ગયા અઠવાડિયે ધર્મેશ જ્યારે ગોવામાં તેના રિનોવેટ કરેલા ઘરે ગયો ત્યારે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તે 5મી એપ્રિલથી શૂટિંગ કરવાનો હતો. પરંતુ, અમે શૂટિંગ કરીએ તે પહેલા દરેકનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ધર્મેશે ગોવામાં બીજીવાર ટેસ્ટ કરાવ્યો હતો અને તેનામાં લક્ષણો દેખાયા હતા. બાદમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેથી અપકમિંગ એપિસોડ માટે અમે શક્તિ મોહન અને પુનિત જે પાઠકને લાવવાનું નક્કી કર્યું હતું. તેમણે માધુરી દીક્ષિત અને તુષાર કાલિયા સાથે શૂટિંગ કરી લીધું છે'.
જ્યારે અરવિંદને તેમની તબિયત વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, 'હું રિકવર થઈ રહ્યો છું અને ત્રણ દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરાવાનો છું. જો તે નેગેટિવ આવશો તો હું સેટ પર પાછો જઈ શકીશ. ગયા અઠવાડિયે જે ક્રૂ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમની સારવાર ચાલી રહી છે અને તેઓ પણ અઠવાડિયામાં ઠીક થઈ જશે. અમે તમામ સખત મહેનત કરી રહ્યા છીએ અને સેફ્ટી પ્રોટોકોલનું પાલન પણ કરીએ છીએ. અમે સેટ પર કોઈને પણ કોવિડ-19 ટેસ્ટ વગર જવા દેતા નથી. અમે નવી ગાઈડલાઈન પ્રમાણે ઓછા લોકોની હાજરીમાં શો ચલાવી રહ્યા છીએ'.
માધુરી દીક્ષિત પણ માલદીવ્સ વેકેશન માટે ગઈ હતી અને 5મી એપ્રિલથી શૂટિંગ શરુ કર્યું હતું. રાવે કહ્યું કે, 'નિયમ પ્રમાણે તેમનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. આશા છે કે, ધર્મેશ જલ્દી સ્વસ્થ થઈ જશે અને શોમાં પાછો આવશે'.