વડોદરા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ ૧૮ થી ૪૫ વર્ષના ૧૦૦ લોકોને દરેક સેન્ટર પર રસી આપવામાં આવે છે. હવે આવતીકાલથી ૩૮ સેન્ટર પર રજિસ્ટ્રેશન કરાવનાર ૧૪૦ નાગરિકોને રસી આપવામાં આવશે, જ્યારે વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરવાનો સ્લોટ સાંજે પ.૩૦ થી ૬ દરમિયાન ખૂલશે. આ ઉપરાંત આગામી દિવસોમાં ખાનગી હોસ્પિટલો અને ઈન્ડસ્ટ્રીય એસ્ટાબ્લિસ્ટમેન્ટ માટેની હોસ્પિટલો દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે.
કોરોનાકવચ માટે શરૂ કરાયેલા રસીકરણ અભિયાન અંતર્ગત લોકોને રસી લેવા માટે રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી થતી હોવાની અનેક ફરિયાદો ઊઠી હતી ત્યારે આજે સયાજીનગર ગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં હાલ રોજ ૧૮ થી ૪૫ વર્ષના નાગરિકો કે જેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેમને નિર્ધારિત દરેક ૩૮ સેન્ટરો પર ૧૦૦ નાગરિકોને રસી આપવામાં આવે છે તેના બદલે હવે રોજ ૧૪૦ નાગરિકોને રસી અપાશે. જેનાથી રોજ ૫૧૦૦ નાગરિકોનું વેક્સિનેશન થઈ શકશે. આ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો સ્લોટ સાંજે પ.૩૦ થી ૬ દરમિયાન ખૂલશે જેની પર વેક્સિનેશન માટેની એપોઈન્મેન્ટ મેળવી શકાશે.
આ ઉપરાંત વડોદરા શહેરમાં ૪૫ થી વધુ વયના અને ૧૮થી ૪૫ વયજૂથના ૩૮ સેન્ટરોની નવી યાદી જાહેર કરવામાં આવી છે તે સેન્ટરો પર ૧૮થી ૪૫ વર્ષના નાગરિકો સવારે ૯.૩૦થી બપોરે એક વાગ્યા સુધી અને ૪૫થી વધુ વયના નાગરિકોને સવારે ૯.૩૦થી સાંજે ૪ વાગ્યા સુધી રસી લઈ શકાશે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલો અને ઈન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિસ્ટમેન્ટ ખાતેની હોસ્પ્ટિલો દ્વારા રસીકરણ અભિયાન આગામી દિવસોમાં શરૂ કરવામાં આવનાર છે. તે માટેની જરૂરી પરવાનગી કોર્પોરેશન દ્વારા ત્વરિત આપવામાં આવશે. મેયરે વધુમાં એમ પણ જણાવ્યું કે, હાલ પાલિકાની પાસે ૧૮ થી ૪૫ વર્ષના નાગરિકો માટે ૬૬,૮૨૦ અને ૪૫ વર્ષથી ઉપરના નાગરિકો માટે ૩૬,૬૫૦ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે.
૪૨ દિવસનો નિયમ કરાતાં રસીકરણમાં ઘટાડો
વડોદરા. કેન્દ્ર સરકારે ૪૫થી વધુ વર્ષની ઉંમરના લોકો માટે કે જેમને રસીનો બીજાે ડોઝ લેવાનો છે તેમને રસી લેવાની સમયમર્યાદા વધારીને ૪ર દિવસની કરાતાં રસીકરણની ટકાવારી ઘટી છે. શહેરમાં મંગળવારે ૪પથી વધુ વયના ૫૮૯૧ નાગરિકોએ રસીનો બીજાે ડોઝ લીધો હતો જેની ટકાવારી ૮.૩૦ ટકા હતી. બુધવારે સરકારે બીજા ડોઝની સમયમર્યાદા વધારતાં અનેકને રસી લીધા સિવાય પાછા જવું પડયું હતંુ. આમ બુધવારે ર૯૯પ લોકોએ રસીનો બીજાે ડોઝ લીધો હતો. જ્યારે આજે ૩૨૦૩ લોકોએ રસીનો બીજાે ડોઝ લીધો હતો. આમ સમયમર્યાદા વધારાતાં બીજાે ડોઝ લેનાર લોકોની સંખ્યા ઘટી છે.