અમદાવાદ-
મ્યુનિસિપલ તંત્ર દ્વારા નવી પાર્કીંગ પોલીસીનો અમલ શરૃ કરવામાં આવ્યા બાદ વાહનો આડેધડ પાર્ક થતા અટકે એ માટે એક ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવશે એમ જાણવા મળ્યું છે. આ ઉપરાંત રાજય સરકારની આ પોલીસી અંગે મંજુરી મળ્યા બાદ દિવસના સમયે કરવામાં આવતા અને રાત્રીના સમયે કરવામાં આવતા વાહન પાર્કીંગના દરો પણ નકકી કરાશે એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત કમિટીમાં કાંકરીયા લેકફ્રન્ટ ખાતે રાઈડ ચલાવતી અલગ અલગ કંપનીઓની સમય મર્યાદા વધારી આપવાની દરખાસ્તને મંજુરી અપાઈ નથી.સભ્યોએ વિરોધ કરતા કહ્યુ,આ કંપનીઓ નિયમ મુજબ જે વીસ ટકા આવકનો હીસ્સો મ્યુનિસિપલ તંત્રને આપવો જાેઈએ એના કરતા ઓછો હીસ્સો આપે છે.આ કારણથી આ કંપનીઓને સમય વધારી આપવાના બદલે નવેસરથી ટેન્ડર બહાર પાડવા એવો ર્નિણય લેવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે અગાઉ જાહેર કરવામાં આવેલી પાર્કીંગ પોલીસીને આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મંજુરી આપવામાં આવી છે.આ પોલીસીના અમલ અગાઉ રાજય સરકારમાં મોકલવામાં આવશે.સરકારની મંજુરી મળ્યા બાદ એનો અમલ શરુ કરવામાં આવશે.આ ઉપરાંત આજની બેઠકમાં કાંકરીયા લેકફ્રન્ટ ખાતે અલગ અલગ રાઈડની મુદત વધારવા અંગેની મંજુરી માંગતી દરખાસ્તો પરત કરાઈ છે.નવા ટેન્ડર બહાર પાડવા અંગે પણ તંત્રના અધિકારીઓને સુચના આપવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ,સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તાકીદની દરખાસ્તના રૃપમાં અમદાવાદ શહેરની ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે નવી પાર્કીંગ પોલીસીને મંજુરી માટે મુકવામાં આવી હતી.અગાઉ ૨૨ એપ્રિલના રોજ જાહેર કરવામાં આવેલી પાર્કીંગ પોલીસી બાદ લોકો પાસેથી વાંધા-સુચનો મંગાવવામાં આવ્યા હતા.જે સમયે આ નવી પાર્કીંગ પોલીસી જાહેર કરવામાં આવી હતી એ સમયે શહેરીજનો પાસે વાહન પાર્ક કરવાની જગ્યા હશે તો જ કાર ખરીદી શકશે એ વિવાદાસ્પદ મુદ્દાને સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રદ કરવામાં આવ્યો છે.નવી પાર્કીંગ પોલીસીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનોના આડેધડ કરવામાં આવતા પાર્કીંગને સુઆયોજિત રીતે કરાવવા ઉપરાંત વાહન ચાલકો પાર્કીંગ માટે નિયત કરવામાં આવેલી જગ્યાએ જ તેમના વાહન પાર્ક કરે એ પ્રમાણેના આયોજન ઉપર અમલ કરાવવામાં આવશે.