મુંબઇ
બોલિવૂડ અભિનેત્રી અને રાજકારણી ઉર્મિલા માતોંડકરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે. ઉર્મિલાએ પોતે આ અંગે માહિતી આપી છે. એકાઉન્ટ હેક થયા પછી ઉર્મિલાએ મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. ઉર્મિલાએ તેના એકાઉન્ટ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરી તેનું ઇન્સ્ટાગ્રામ હેક થઇ ગયું હોવાની માહિતી આપી હતી.
ઉર્મિલા માતોંડકરએ ટ્વિટ કરતાં લખ્યું કે, મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે. ઇન્સ્ટાગ્રામ, પ્રથમ તેઓ તમને સીધો સંદેશ મોકલે છે અને સ્ટેપ્સને અનુસરવાનું કહેશે, જેથી તમારું એકાઉન્ટ ચકાસી શકાય અને પછી એકાઉન્ટ હેક થઈ જાય છે. ખરેખર?
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયા પછી ઉર્મિલાની તમામ પોસ્ટ્સ કાઢી નાખવામાં આવી છે. જો તમે પહેલા ઉર્મિલાનું ઇન્સ્ટા એકાઉન્ટ જોયું હશે, તો તેના પર ઘણા ફોટોઝ અને વીડિયો હતા. અભિનેત્રીએ તેના અંગત જીવનથી લઈને વ્યાવસાયિક જીવન સુધીના તેના તમામ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. પરંતુ હવે ઉર્મિલાના ઇન્સ્ટાગ્રામ પર એક પણ ફોટો નથી.
જણાવી દઈએ કે, ઉર્મિલા તાજેતરમાં જ ફરીથી રાજકારણમાં ઉતરી છે. ઉર્મિલા 1 ડિસેમ્બરે શિવસેના પાર્ટીમાં જોડાઈ હતી. ઉર્મિલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં પાર્ટીમાં જોડાઈ હતી. આ પહેલા અભિનેત્રી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી. વર્ષ 2019માં તેણે કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી.