હવે ક્રિકેટરની સુરક્ષા માટે ક્યૂ કોલર ડિવાઇસ

ક્રિકેટ હવે નવા યુગમાં પ્રવેશી રહ્યું હોય એમ લાગે છે. અત્યાર સુધી ક્રિકેટની રમતમાં નવા સંશોધનોનો ઉપયોગ ક્રિકેટ મેચના પ્રસારણ માટે અને મેદાન પર હાજર અમ્પાયર સચોટ ર્નિણય લઇ શકે તે માટે કરવામાં આવતો હતો. પરંતુ વાસ્તવમાં ખરેખર જે ક્રિકેટ રમે છે એ ક્રિકેટરોની સુરક્ષા માટે કોઈ ખાસ સંશોધન થયું ન હતું અને તેનો ઉપયોગ પણ થયો ન હતો. ક્રિકેટમાં સૌથી ગંભીર મુદ્દો જાે ક્રિકેટરો માટે હોય તો તે માથાની ઈજાનો છે. જ્યારે ફાસ્ટ બોલર ૧૩૦, ૧૫૦ કીમીની સ્પીડે બોલ ફેંકતો હોય છે ત્યારે મોટી સમસ્યા બેટ્‌સમેનને માથાની ઈજા ન થાય તે જાેવાની હોય છે. જેના માટે વર્ષોથી માત્ર હેલ્મેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હેલ્મેટની ગુણવત્તામાં દિન પ્રતિદિન સુધારા કરવામાં આવ્યા છે પરંતુ તે પરંપરાગત રીતે બેટ્‌સમેન જે કંઈ ગાર્ડનો ઉપયોગ કરે છે તેથી વધુ કંઈ નથી. સૌથી ગંભીર વાત માથાની ઈજા હોય છે. તેમાંથી બચવા માટે એકમાત્ર હેલ્મેટનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તે પણ સો ટકા સુરક્ષા આપે છે એમ કહી શકાય એવું નથી. ઘણીવાર હેલ્મેટ પહેરી હોય છતાં બોલની ઝડપ એટલી બધી હોય છે કે તેનો પ્રહાર જાે હેલ્મેટ પર થાય તો તેની અસર બેટરના માથા ઉપર ચોક્કસપણે થાય છે.

 હવે બેટર માટે આનંદની વાત એ છે કે તેમના માથાની સુરક્ષા માટે એક નવું ડિવાઇસ આવી ગયું છે. જેને કહેવામાં આવે છે ક્યુ કોલર ડીવાઈસ.તે રક્ષા તો કરે છે માથાની, પરંતુ તેને માથામાં પહેરવાનું હોતું નથી. તેને ખેલાડી એટલે કે બેટ્‌સમેન પોતાના ગળામાં પહેરે છે. અને તેના કારણે માથાની ગંભીર ઈજા ન થાય એવું માની લેવામાં આવ્યું છે.

ખરેખર તો રગબી તથા ફૂટબોલની મેચમાં તેનો ઉપયોગ ખેલાડીઓ કરતા હતા. પરંતુ હવે ભારતમાં તેની એન્ટ્રી થઈ છે. વાત એમ છે કે રાજસ્થાન રોયલ્સ તરફથી આઈપીએલની એક મેચમાં કોહલર કેદ મોરે નામના ખેલાડીએ આ ડિવાઇસના ઉપયોગની શરૂઆત કરી હતી. તે રમવા આવ્યો ત્યારે ગળામાં આ ડિવાઇસ પહેરીને આવ્યો હતો જે જાેઈને સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયાં હતાં કે આ શું છે અને તેણેે કેમ પહેર્યું છે.

કોલર ડિવાઇસ વિશે વાત કરીએ તો આ ડિવાઇસ એક નાનકડા ગળાના બેલ્ટ જેવું હોય છે. તે ગળા પર પહેરવામાં આવે છે અને જ્યારે તેને પહેરવામાં આવે છે ત્યારે તેનાથી ગળાના ભાગની એક ચોક્કસ નસ પર દબાણ આવે છે અને આ દબાણને કારણે માથામાં રક્તનો પ્રવાહ વધી જાય છે, એટલું જ નહીં પરંતુ માથામાં વધુ રક્ત રહે છે. માથામાં રક્ત રહેવાથી તેમાં એક પ્રકારની વધારાની સુરક્ષા સર્જાય છે. એટલે કે તેનાથી માથામાં એક્સ્ટ્રા પ્રોટેકટીવ સ્થિતિ સર્જાય છે અને તેના કારણે જાે માથા પર ઇજા થાય તો તેની અસરકારકતા ઓછી હોય છે. એટલે કે ઇજાનું પ્રમાણ નહિવત બની જાય છે.

એમ તો માથાને ઈજાથી બચાવવા માટે હેલ્મેટ પહેરવામાં આવે છે જ,પરંતુ ડિવાઇસ માથાની ઈજા થતી રોકતું નથી પરંતુ માથામાં થયેલ ઈજાની અસરને ઓછી કરે છે. હવે દરેકને વિચાર આવતો હશે કે ગળામાં પહેરેલો બેલ્ટ માથામાં લોહીનો પ્રવાહ વધારે તો તેનાથી માથાની ઈજાની અસર ઓછી કેવી રીતે થાય.

 તેના જવાબ માટે આ ડીવાઈસની શોધ કેવી રીતે થઈ તે જાણવું જાેઈએ.

 અમેરિકાના ડોક્ટર ડેવિડ સ્મિથ ઇન્ટર્નલ મેડિસિનના સ્પેશિયાલિસ્ટ છે. ક્યુ કોલર ડિવાઇસની શોધનો શ્રેય તેમને જાય છે. મજાની વાત એ છે કે તેમને એકવાર પક્ષી લક્કડખોદ, જેને અંગ્રેજીમાં વુડ પેકર કહેવામાં આવે છે વુડ પેકર જ્યારે પોતાની ચાંચથી થડમાં છેદ કરે છે અથવા તો પ્રહાર કરે છે ત્યારે તેનું ગળું કુદરતી રીતે સંકોચાઈ જાય છે. તેનાથી રક્તનો ગળામાં પ્રવાહ અટકી જાય છે, રક્તનો ભરાવો થાય છે અને તેના કારણે વુડ પેકરની ચાંચને લાગતા ઝટકાની અસર તેના માથા પર થતી નથી. આ જાણકારી મળતા ડોક્ટર ડેવિડ સ્મિથને વિચાર આવ્યો કે ખેલાડીના ગળા માટે કોઈ એવું ડિવાઇસ બનાવવું જાેઈએ કે જે વુડ પેકરના ગળા જેવી કામગીરી કરે એટલે કે ગળાની દબાવે અને તેના કારણે ગળામાં નહીં પરંતુ માથાના ભાગમાં લોહીનો પ્રવાહ વધી જાય, અને કેટલોક સમય તે પ્રવાહ માથામાં યથાવત રહે!

 જાે કે આ બાબત હજુ સો ટકા સલામત સાબિત થઈ નથી અને તેના વિશે અનેક મતમતાંતર છે. છતાં જેઓને આ ડિવાઇસમાં વિશ્વાસ છે તેઓ આનો ઉપયોગ કરે છે. અમેરિકા અને યુરોપના કેટલાક ફૂટબોલરો આ ડિવાઇસ પહેરે છે. તેને લઈને ક્રિકેટમાં પણ બેટ્‌સમેન દ્વારા તેનો પ્રયોગ શરૂ થયો છે .

 વિશ્વના જાણીતા મનોચિકિત્સક પ્રોફેસર માર્થા અને ફિઝિયોલોજીના પ્રોફેસર જેમ્સનું માનવું છે કે ક્યુ કોલર ડિવાઇસ માટે જે દાવાઓ કરવામાં આવે છે તે સત્ય નથી. આ એક પાત્ર ટેકનિકલ ગણતરી છે અને જેવું કહેવામાં આવે છે તેઓ ફાયદો થતો નથી. ક્યુ કોલર ડિવાઇસ બનાવનારો તેમના દાવાને સચોટ રીતે સાબિત કરી શકતા નથી. તેમણે તો એટલે સુધી કહ્યું છે ક્યુ કોલર પહેરવાથી માથામાં થયેલી ઇજા સામે સુરક્ષા મળે છે એ વાત ખોટી છે.

વાસ્તવમાં જ્યારે માથામાં લોહીનો ભરાવો થાય અને લોહી ત્યાં અટકી જાય તો મગજ પર તેની ખોટી અસરો પણ થઈ શકે છે .એટલે પહેલા તેની અસરોનો અભ્યાસ થવો જાેઈએ અને ત્યાર પછી તેના ઉપયોગનો વિચાર કરવો જાેઈએ. પરંતુ સુરક્ષાના નામે ડિવાઇસ બનાવનાર કંપનીએ નફો મેળવવાના હેતુથી આ ડિવાઇસ માર્કેટમાં મૂકી દીધું છે. તેઓ માને છે કે ખરેખર તેના પર પ્રતિબંધ મૂકવો જાેઈએ. પરંતુ તેઓની આ માંગણી સ્વીકારાઈ નથી. કારણકે અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ એડમીની સ્ટ્રેશન દ્વારા આ કોલર ડિવાઇસને મેડિકલ ડિવાઇસ તરીકે માન્યતા આપી દેવામાં આવી છે. એટલે તેના પર પ્રતિબંધ મૂકવો શક્ય નથી.

જાેકે એક વાત ચોક્કસપણે વિચારવા જેવી છે કે ક્રિકેટમાં ઇજાની શક્યતા ઘણી બધી રહેલી છે. આવા સમયે બેટરના માથાની સુરક્ષા માટે હેલ્મેટ ઉપરાંત પણ કંઈક હોવું જરૂરી છે. જાે આવી કંઈક શોધ થાય અને તે વાસ્તવમાં સાચી ઉપયોગી સાબિત થાય તો તેને આવકારવી જાેઈએ. જાે કે હજુ સુધી આ શોધ, તેનો ઉપયોગ પ્રાથમિક તબક્કે જે થયો છે. હજુ સુધી કોઈ એવો બનાવ બન્યો નથી કે ક્રિકેટરે ગળામાં કોલર ડિવાઇસ પહેર્યું હોય, તેના માથામાં ઇજા થઈ હોય અને આ કોલર ડિવાઇસના કારણે તેની ઈજાની અસરકારકતા ઓછી થઈ હોય. જ્યાં સુધી આવો કોઈ બનાવ સામે આવે નહીં, યોગ્ય પરીક્ષનો કરવામાં આવે નહીં ત્યાં સુધી આ ડિવાઇસ કેટલું ઉપયોગી છે એ કહી શકાય નહીં. પરંતુ એટલું ચોક્કસ કહી શકીએ કે હવે ટેકનોલોજીની સાથે વિજ્ઞાને પણ ક્રિકેટમાં પ્રવેશ કરી લીધો છે એ શુભ સંકેત છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution