દામ્પત્યમાં સુખ શોધવાનું નહીં, અનુભવવાનું!

લેખકઃ એકતા રવિ ભટ્ટ | 

સુકૃત અને રચના વચ્ચે ખાસ જામતું નહોતું. આમ તો તેમના લગ્નને દોઢ દાયકો પસાર થઈ ગયો હતો છતાં સતત કંઈક ખુટતું હોય તેવું લાગ્યા કરતું હતું. સુકૃતને થયા કરતું કે રચનાના વાણી અને વર્તન બદલાઈ ગયા છે. તે પહેલાં જેવી કેરિંગ અને લાગણીશીલ રહી નથી. નાની નાની વાતે અકળાઈ જાય છે. કોઈપણ સવાલ કરો તો ઝઘડવા માંડે છે. તેને ટકોર કરીએ તો રડવા લાગે છે અને પોતાની જિંદગી સુકૃતના પરિવારને સમર્પિત કરી દીધાની વાતો કરીને રડવાનું શરૂ કરી દે છે. રચનાને એવું થાય છે કે, તેણે કરેલા સમર્પણની સુકૃત કે તેના પરિવારના લોકોને અને સંતાનોને પણ કોઈ કદર નથી.

બીજી તરફ રચનાની પણ લાગણી કંઈક આવી જ હતી. તેને ફરિયાદ રહેતી કે સુકૃત હવે પહેલાં જેટલો સંવેદનશીલ નથી રહ્યો. દરેક વાત તેને કહેવી અને સમજાવવી પડે છે. પહેલાં તો માત્ર આંખોના ઈશારાથી કામ થઈ જતું હતું પણ હવે બધી ચોખવટ કરવી પડે છે. જાે સ્પષ્ટ રીતે કહેવામાં ન આવે તો કામ થતું નથી અથવા તો વાતનો બીજાે જ કોઈ અર્થ નીકળે છે અને ઝઘડો થાય છે. ઘરમાં પણ તે પૂરતો સમય આપતો નથી. રજામાં ટીવી જાેવાનું અથવા ઉંઘવાનું જ કામ કરતો હોય છે. દાંપત્યમાં હવે પહેલાં જેવી ઉષ્મા રહી જ નથી. તેમના દાંપત્યમાંથી સુખ ક્યાંક ખોવાઈ ગયું છે.

રચના અને સુકૃત પોતાની આ સમસ્યા અંગે પોતાના મિત્રો, સાથીઓ, પરિવારજનો, પાડોશીઓ સાથે ચર્ચા કરતાં હતાં. તેમની સમસ્યા એ હતી કે તેઓ ક્યારેય એકબીજા સાથે ચર્ચા કરતાં નહોતાં. એકબીજા સાથે વાત કરવા દરમિયાન તેઓ માત્ર ફરિયાદની જ ભાષાનો ઉપયોગ કરતાં હતાં. તેના કારણે જ વાતનું વતેસર થઈ જતું હતું. એક દિવસ એક મિત્રના ઘરે તેમની આ સમસ્યાની ચર્ચા કરતા હતાં. તેમના મિત્રના દાદાએ આ વાત સાંભળી. તેમણે બંનેને એક ઉપાય આપ્યો જે શોધવા માટે તેઓ ફર્યા અને પછી ઉકેલ મળ્યો તેણે તેમની જિંદગી સુધારી દીધી.

દાદાજીએ તેમને માત્ર એટલું જ કહ્યું કે, તમે લોકો ડોમેસ્ટિક અથવા તો ઈન્ટરનેશલ ટ્રાવેલિંગ શરૂ કરો. તમને પરવડે તે રીતે અને રજાઓ ગોઠવાય એ રીતે મહિનામાં એકાદ ટ્રીપ મારી આવવાની. જાે તમારી પાસે સમય હોય તો એક આખો મહિનો પ્રવાસ કરી આવો. આ પ્રવાસ દરમિયાન તમારે સુખી દંપતી શોધવાના. જે દંપતી સુખી હોય તેના પતિ પાસેથી કપડાનો એક ટુકડો લઈ આવવાનો અને સુકૃતે પોતાના પાકિટમાં મુકી રાખવાનો. તેમના ઝઘડા કાયમ માટે બંધ થઈ જશે. દાદાજીએ પોતાના જૂના પાકિટમાં પડેલો એક એવો ટુકડો બતાવ્યો. રચના અને સૃકૃત તૈયાર થઈ ગયાં.

સુકૃતે પોતાના પાર્ટનરને વાત કરી અને એક મહિનો ઈન્ડિયા ટૂર ઉપર નીકળી પડ્યા. વિવિધ શહેરો અને પર્યટન સ્થળોએ રચના અને સુકૃત ફર્યા. તેઓ રાજસ્થાનમાં એક યુગલને મળ્યાં. સુકૃતે તેમને પૂછ્યું કે, તમે બંને તમારા દાંપત્યજીવનથી સુખી છો? પેલા યુગલે હા પાડી પણ પછી ઉમેર્યું કે, અમને એક દુઃખ છે કે, અમારે સંતાન નથી. તેઓ ત્યાંથી ઉત્તરપ્રદેશ ગયા. ત્યાં એક યુગલ સાથે વાત થઈ. આ યુગલે કહ્યું કે, અમે સુખી છીએ પણ અમારે એક સમસ્યા છે, અમે ધ્યાન ન રાખ્યું અને અમારા ઘરે ચાર સંતાનો છે. હવે તેમને ઉછેરવા અને સારું જીવન આપવું અમારા માટે મુશ્કેલ થઈ ગયું છે. આ રીતે સુકૃત અને રચના વિવિધ રાજ્યોના હજારો યુગલને મળ્યાં અને તેમના જીવનમાં ક્યાંકને ક્યાંક કંઈક ખુટતું હોવાનું જાણવા મળ્યું.

ક્યારેક કોઈને સ્વભાવ નડતો હતો તો ક્યારેક કોઈ અભાવ નડતો હતો તો ક્યારેક કોઈનો પ્રભાવ નડતો હતો પણ દરેકનું દાંપત્ય સંપૂર્ણ નહોતું. આખરે રચના અને સુકૃત તેમના અંતિમ ડેસ્ટિનેશન કાશ્મીર ઘાટીમાં ગયાં. ત્યાં એક દિવસ બંને પહાડ ઉપર બકરા ચરાવતા દંપતીને જાેયું. તેઓ તેમની પાસે ગયા. બકરીઓ ચરતી હતી અને બંને એક ખૂણામાં વિશાળ પથ્થરના છાંયડે બેઠાં હતાં.

સુકૃતે તેમને પૂછ્યું કે, તેઓ લગ્નજીવનથી ખુશ છે. ત્યારે બંનેએ હકારમાં જવાબ આપ્યો. બંનેને દાંપત્યમાં કોઈ સમસ્યા નહોતી. સુકૃતે પુરુષને કહ્યું કે, મારે એક ઉપાય કરવાનો છે તેના માટે તમારા ખમીસનો કાપડનો ટુકડો જાેઈએ છે. પેલા બકરી ચરાવનારાએ કહ્યું કે, હું તમને ટુકડો આપી તો દઉં પણ મારી પાસે આ એક જ ખમીસ છે. જાે એ ફાટી જાય તો હું ઠંડીમાં શું કરું? સુકૃત અને રચના કપડાના ટુકડા વગર જ પોતાના ઘરે પરત આવ્યાં. ઘરે પરત આવતા સમયે બંનેને સમજાઈ ગયું કે, સુખની જે કલ્પના કરવામાં આવે છે તે વાસ્તવિકતાની ધરાતલ પર અસ્તિત્વ ધરાવતું જ નથી. સત્ય અને સુખ બંને વ્યક્તિ પ્રમાણે સાચા હોય છે.

દાંપત્ય હોય કે વ્યક્તિનું પોતાનું જીવન જ્યારે સુખની વાત આવે ત્યારે આપણે સરખામણી કરીએ છીએ. અન્ય વ્યક્તિ પાસે પૈસા છે, ગાડી છે, વૈભવી મકાન છે, દેશ-વિદેશના પ્રવાસો કરે છે અને તેના કારણે તે સુખી છે એ વાત માની લેવી ભુલભરેલી છે. દાંપત્યમાં પણ દરેક પ્રસંગે એકબીજાના હાથમાં હાથ રાખીને ફરતાં કે સતત હસતાં રહેતાં લોકો સુખી જ છે તે માની લેવું ખોટું છે.

દાંપત્યમાં સુખ જાતે અનુભવવાની બાબત છે. દાંપત્યમાં સુખ શોધવાનું હોતું જ નથી. આપણે જે જીવન પસાર કરીએ છીએ તેમાં જે નાની નાની મોમેન્ટ્‌સ આપણને જીવવા મળે છે તેને જ સુખ માનીને અનુભવવાની હોય છે. વ્યક્તિને જ્યારે એવો અનુભવ થાય કે, મારા સારા કે ખોટા સમયમાં મારે હાથ પકડનાર, મને ખભો આપનાર કે પછી મારી પડખે ઊભા રહેવા માટે એક વ્યક્તિ છે તો વ્યક્તિ સુખનો અનુભવ કરી છે. દાંપત્યમાં જ્યારે પતિ અને પત્ની આ ભૂમિકા ભજવે છે તો દાંપત્ય આપોઆપ સુખી થઈ જાય છે. તેનો અનુભવ જ ઉત્તમ અનુભવ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution