વડોદરા, તા.૧૮
વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા સંત સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભુમિ મંદિર માટે વધુમાં વધુ નિધી આપવા અપીલ કરાઇ હતી અને આ ફક્ત રામ મંદિર નહીં પરંતુ રાષ્ટ્રમંદિર હોવાનું વિ.એચ.પી.ના અગ્રણીએ કહ્યું હતું.
વિ.એચ.પી વડોદરા મહાનગર દ્વારા આજે માંજલપુર શરણમ પાર્ટીપ્લોટ ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂ.ગો. વ્રજરાજકુમારજી, પૂ.પૂ.નિત્યાનંદજી મહારાજ, પ.પૂ. દ્વારકેશલાલજી મહારાજ, કબિર મંદિર માંજલપુર, સ્વામીનારાયણ ગુરુકુલ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતાં. સંતસમાજ દ્વારા અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ખુલ્લા હાથે નિધી આપવા અને વડોદરા શહેરમાંથી વધુમાં વધુ નિધી રામ જન્મભુમિ તિર્થક્ષેત્ર ન્યાસને આપવા અપીલ કરી હતી. જ્યારે બેઠકમાં વી.એચ.પી. દક્ષિણ ગુજરાતના મંત્રી અજય વ્યાસે ઉત્બોધનમાં જણાવ્યું હતું કે, આ ફક્ત રામમંદિર નથી પરંતુ રાષ્ટ્રમંદિર છે તેમા દરેક રાષ્ટ્રભક્તોએ પોતાનો સહયોગ આપતા ગૌરવ અનુભવે છે તેમ કહ્યું હતું.