હોટલ કે મોલમાં ભાવતાલ નહીં, પણ શાકભાજીવાળા સાથે રકઝક!

આપણે જ્યારે હોટેલમાં જમવા જઈએ, ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવીએ, પીઝા ઓર્ડર કરીએ કે પછી મોટા શોપિંગ મોલમાં અથવા તો સ્ટોરમાં શોપિંગ કરવા જઈએ ત્યારે સૌથી વધારે દેખાડા કરતા હોઈએ છીએ. સૌથી પહેલું કામ તો આપણે ભાવ જાેવાનું કે પુછવાનું કરતા જ નથી. ઘરે ડિલિવરી બોય આવે એટલે જેટલી રકમ થઈ હોય તે આપી દઈએ. મોલમાં પ્રાઈસટેગ ઉપર ૪૯૯૯ લખ્યું હોય તો આપી દઈએ. હોટેલમાં પાંચ હજારનું બિલ થયું હોય તો આપી દઈએ છીએ. ક્યારેય તેમની સાથે તકરાર કરતા નથી અને ભાવતાલ પણ કરતા નથી. ત્યારે આપણા મગજમાં એક જ બાબત ચાલતી હોય છે કે, મારા સ્ટેટસને લાગુ પડે તેવું તો કરવું પડે ને! આવા જ લોકો જ્યારે સામાન્ય બજારમાં જાય છે, શાકભાજી અને ફળો લેવા જાય છે ત્યારે તેમની સામે જાેયું હોય તો ખબર પડે કે આનું સ્ટેટસ અને એજ્યુકેશન બધું જ ધૂળ ખાય છે.

શાકભાજીવાળા જાેડે પાંચ-દસ રૂપિયા માટે જીભાજાેડી કરવાની, મફતામાં કોથમીર-મરચા માંગી લેવાના. ઈશ્વર કરે અને તક મળી જાય તો લારીમાંથી જાંબુ, દ્રાક્ષ, મગફળી કે વટાણા અથવા તુવેર લેતા લેતા આઠ દસ તો ખાઈ જવાના. લારીમાં વસ્તુઓ લઈને ઠેરઠેર ફરનારો માણસ વધારે ભાવ કહીને લુંટી લેતો હોવાની બોદી માનસિકતામાં આપણે જીવતા થઈ ગયા છીએ. રદ્દી જેવો શર્ટ અને જાેવાય ન ગમે તેવા કપડાં આપણે બ્રાન્ડના નામે હજારો રૂપિયા આપીને ખરીદીએ છીએ. મેંદાના ડૂચા શરીરમાં આરોગી જઈએ છીએ ત્યારે એક પીઝાના ૫૦૦ કે ૭૦૦ રૂપિયા ન થાય તેવી દલીલ કરતા નથી. પીઝામાં વપરાતા ટામેટા કે કેપ્સિકમ લેવા જઈએ ત્યારે પાંચ રૂપિયા તો પાંચ રૂપિયા પણ ઓછા કરાવવા મથીએ છીએ. આવું આપણે કરીએ કે પછી આવા લોકોને જાેઈએ ત્યારે એમ થાય કે ખરેખર આપણામાં માનવતા છે કે નહીં? આપણે જાત તપાસ કરવી જાેઈએ કે આપણામાં માનવતા કેટલી છે અને તેનો દેખાડો કેટલો છે!

એક શાક માર્કેટ હતું ત્યારે પતિ અને પત્ની દરરોજ શાક લેવા જાય. ઓફિસથી ઘરે જતા સમયે બંને જણા શાક ખરીદે અને ઉપયોગમાં લે. તેમનો આ નિત્યક્રમ હતો જેથી શાક તાજુ મળે અને બંનેને સાથે ચાલવાનો અને વાતો કરવાનો પણ આનંદ મળી જાય. આ દરમિયાન પતિ દરરોજ એક વૃદ્ધ સ્ત્રીની લારી પાસે જઈને ઊભો રહે અને ફ્રૂટ માગે. એક દિવસ તેણે સફરજન માગ્યા. પેલા ડોશીએ ભાવ કહ્યો અને ભાઈએ કહ્યું કે, વાંધો નહીં, કિલો આપી દો. ડોશીમાએ કિલો સફરજન આપ્યા. પેલા ભાઈએ ડોશી પાસે ચપ્પુ માગ્યું અને એક સફરજન ત્યાં જ કાપ્યું અને ચાખ્યું. તેણે કહ્યું, માજી આ સફરજન તો મોળું છે. મારે નથી જાેઈતું. તે સફરજન ત્યાં જ મુકીને જતો રહ્યો. ડોશીમાએ તે સફરજન હાથમાં લીધું અને સમારીને ખાધું તો મીઠું જ હતું.

બીજા દિવસે પેલો માણસ આવ્યો તેણે નારંગી લીધી. એક નારંગી છોલી અને તે ખાટી હોવાની ફરિયાદ કરીને ત્યાં જ મુકીને જતો રહ્યો. ત્યારપછીના દિવસે નાસપતી લીધી. તેમાંથી એક મુકી દીધી. ક્યારેક કેળા લેતો તો કાચા હોવાનું કહીને એકાદ-બે મુકી દેતો. ક્યારેક ચુકી અને ક્યારેક સિતાફળ આ રીતે મુકી દેતો. તે દરરોજ એકાદ ફળ તો પાછું મુકીને જ જતો હતો. તેની આ ટેવ તેની પત્નીને ખુંચતી હતી પણ તે પુછી શકતી નહોતી. તેમ છતાં એક દિવસ હિંમત કરીને તેણે પુછી લીધું કે તમે દરરોજ એક ફ્રૂટ કેમ મુકીને આવો છો. પેલાએ માત્ર એટલો જ જવાબ આપ્યો કે, સેવા કરવા.

બીજી તરફ ફ્રૂટવાળા માજીની બાજુમાં બેસતા શાકવાળાએ કહ્યું કે, ડોશીમા, પેલા માણસને કેમ ફ્રૂટ આપો છો. એ બહુ કચકચ કરે છે. માજીએ કહ્યું કે, એ ભાઈ ખૂબ જ લાગણીવાળો છે. તે દરરોજ એક ફળ મારે ખાવા માટે રહેવા દે છે. મારા ફળોમાં કોઈ ખોટ નથી પણ તે નાટક કરીને મારા માટે તે રહેવા દે છે જેથી ખોલેલું કે સમારેલું ફળ મારે ખાઈ જવું પડે. તેને મારી ખાવા-પીવાની ચિંતા છે એટલા માટે તે દરરોજ આવું કરે છે. તેના કારણે જ હું તેને એકાદ ફળ વધારે જ આપી દઉં છું. આ રીતે અમારો સ્નેહનો સંબંધ સચવાઈ જાય છે.

આવા કર્મને સેવા કહેવાય છે. આવા કર્મોને સ્નેહ કહેવાય છે. આવા કર્મોને માનવતા કહેવાય છે. તમારે સારા કામ કરવા છે તો તમારી રીતે કરતા રહો. તેના માટે દાંડીઓ પીટવાની જરૂર જ નથી. તમે કોઈને સહાયરૂપ થાવ છો અથવા તો મદદ કરવા સજ્જ થયા છો તો તે તમારો અંગત વિષય છે. તમારે દુનિયાને તેની જાણ કરવાની જરૂર નથી. મદદ કરનાર અને મદદ લેનાર વચ્ચે સ્નેહના સંબંધ હશે તો બધું ગોઠવાઈ જવાનું છે અને કોઈને ખબર પણ પડવાની નથી. માનવતા દાખવવી હોય તો સૌથી પહેલાં તો તેના ઉપર સ્નેહ અને સદભાવનું આવરણ ઓઢાડવું પડે. આમ કરવાથી આપણા કર્મો ઢંકાયેલા રહે છે. ઢંકાયેલા કર્મો જ આપણા સાચા કર્મો છે. પક્ષીઓ માટે પચીસ કુંડા વહેંચીને પચાસ ફોટા પડાવવા તેને સેવા ન કહેવાય. ગાયોને દસ રૂપિયાનું ઘાસ નાખીને સેલ્ફિઓ લેવી તેને સેવા કે જીવદયા ન કહેવાય. ઘરમાં કુતરા બાંધી રાખ્યા હોય અને બહાર કુતરાને રોટલા નાંખવા જવા એ પણ માનવતા નથી. આપણને સોનાના પિંજરામાં બંદી થઈને રહેવાનું ન ગમે તો મુક પ્રાણીઓને કેવી રીતે બંદી બનીને રહેવાનું ગમે? તેમને મુક્ત કરવા અને પછી સેવા કરવી તે જ સારું અને સાચું કામ છે. આ કર્મો જ સાચી માનવતા છે. આવી માનવતા ધરાવતી વ્યક્તિ જ સાચો માણસ કહી શકાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution