દરેક મહાન કામ ટાઈ પહેરીને નથી કરવામાં આવતાં

લેખકઃ કેયુર જાની | 

વિલિયમ સોમરસેટ મૌઘમે લખ્યું હતું કે ‘પૈસા છઠ્ઠી ઈન્દ્રિય છે જે બાકીની પાંચ ઈન્દ્રિયોને મદદ કરી શકે છે.” વર્તમાન સમયમાં સોમરસેટની વાત વધુ પ્રસ્તુત લાગે છે. આ છઠ્ઠી ઈન્દ્રિયની મદદથી જ ડોક્ટર આપણી બાકીની પાંચ ઈન્દ્રિયોની મરામત કરી આપતા હોય છે. જીવનમાં પાંચ ઇન્દ્રિયો પૈકી કોઈકની મરામત માટે ક્યારેક તો છઠ્ઠી ઈન્દ્રિય અર્થાત પૈસાની જરૂર પડે જ છે.

પૈસો કઈ રીતે કમાઈ શકાય ? સફળ ગણાવા માટે જીવનમાં કેટલા પૈસા કમાવા જરૂરી હોય છે? જે વધુ પૈસા કમાઈ જાણે તે આજે વધુ સફળ અને પ્રતિષ્ઠિત છે તેવી ગ્રંથિ બંધાઈ ચુકી છે. તેમાં પણ વળી ઓછો શ્રમ કરી વધુ પૈસા કમાઈ જાણનાર વધુ બુદ્ધિશાળી હોવાની છાપ ઉભી થાય છે. વ્યક્તિએ જીવનમાં કેટલા પૈસા કમાવા જાેઈએ? તેટલા પૈસા કમાવા કેટલો સમય અને શ્રમ આપવો જાેઈએ? તેવા પ્રશ્નો ગૂંજ્યા કરે છે. તુંડે તુંડે મતિર્ભિન્ના પ્રમાણે આ સવાલ સામે જીવે- જીવે ભિન્ન જવાબ પડઘારૂપે મળે છે.

અહીં વધુ પૈસા કમાઈ સફળ થનારને નસીબનો બળિયો માનવામાં આવે છે. નસીબદાર કે ભાગ્યશાળી હોવું એટલે શું ! ભાગ્ય જન્મથી મળતું હોય છે? કુંડળીમાં પડેલા ગ્રહોથી કોઈ વ્યક્તિ ભાગ્યશાળી બને છે ? ભાગ્ય કોઈ ચાન્સ નથી કે કુંડળીમાં પડેલા ગ્રહોથી બાય-ચાન્સ મળી જાય. ભાગ્યને જાતે બનાવવું પડે છે. તેને ઘડવું પડે છે. તે માટે શ્રમ કરવો પડે છે. અવિરત શ્રમ જ ભાગ્ય ઘડવાનું એકમાત્ર સાધન છે. મહેનત કરવાથી મહેનતાણું મળે છે પરંતુ શ્રમથી વ્યક્તિ શીખે છે, તેનું ઘડતર થાય છે જે આજીવન મદદરૂપ બને છે. આપણે શ્રમને સાધનાની ઉપમા આપીએે છીએ. કોઈ પણ સાધના માટે ખંતની જરૂર હોય છે. ખંતપૂર્વક કરવામાં આવતા સતત શ્રમથી ભાગ્ય ઘડાય છે. શ્રમ માણસને મજબૂત બનાવે છે અને અવિરત શ્રમ તે મજબૂત માણસને વધુ મજબૂત બનાવતો જાય છે.

બીજા વિશ્વયુદ્ધમાં ખુવારી વેઠી રહેલાં બ્રિટને વિન્સ્ટન ચર્ચિલને સત્તાનું સુકાન સોંપ્યું. બ્રિટનની કોર કમિટી સમક્ષ અપાયેલા વક્તવ્યમાં વિન્સ્ટન ચર્ચિલ સૌથી પહેલા શબ્દો હતા કે “મારી પાસે તમને અર્પણ કરવા માટે હાલમાં બીજું કંઈ જ નથી.મારી પાસે છે તો લોહી, પરસેવો, આંસુ અને શ્રમ છે. તેના દ્વારા આપણે બ્રિટનનું રક્ષણ કરવાનું છે. તેને ફરી બેઠું કરવાનું છે.” તેમના આ શબ્દોએ ચર્ચિલને ગોરી પ્રજાના હીરો બનાવી દીધાં. યુરોપ અને અમેરિકાના સમાજમાં આજે પણ શારીરિક શ્રમ કરનાર કે માનસિક શ્રમ કરનાર વ્યક્તિ વચ્ચે ભેદ નથી.

 હિન્દુસ્તાનના સમાજમાં શારીરિક શ્રમને હજું એટલો આદર નથી મળ્યો. શારીરિક શ્રમના વ્યવસાયને માનસિક શ્રમના વ્યવસાય જેટલી સામાજિક સ્વીકૃતિ નથી મળી. પરંતુ શારીરિક શ્રમના વ્યવસાયનું મહત્વ તેનાથી ઘટી નથી જતું. કેમકે દરેક મહાન કામ ટાઈ પહેરીને નથી કરવામાં આવતાં. ભારતનો બહુજન સમાજ આજે પણ તેના વ્યવસાયથી ઓળખાય છે. તેઓ જે પ્રકારનું શ્રમ કરતાં તે શ્રમિક વ્યવસાય મુજબ તેમની સામાજિક ઓળખ બની છે. હિન્દુસ્તાનના ૭૦ ટકા લોકો સુથાર, કુંભાર, ધોબી, લુહાર, વાળંદ, મોચી, સોની જેવા તેમના વ્યવસાયથી તેમજ વડવાઓએ કરેલા શ્રમથી આજે પણ ઓળખાય છે. તેમણે સામાજિક ઓળખ ભાગ્યથી નહિ શ્રમથી બનાવેલી છે. બ્રિટનમાં ભેદ ન કરનાર તે અંગ્રેજાેએ ભારતમાં આધિપત્ય જમાવ્યું, તે અગાઉ શારીરિક શ્રમના આ તમામ વ્યવસાયનું ભારતમાં સામાજિક મહત્વ હતું.સામાજિક ઉત્સવો અને પારિવારીક પ્રસંગોમાં તેમનું વિશિષ્ટ અલાયદું સ્થાન હતું. અંગેજાે આવ્યાં અને ભારતના સમાજને શારીરિક કરતા બૌદ્ધિક શ્રમ કરનાર વધુ પ્રતિષ્ઠિત છે તેવું ભરમાવવામાં સફળ રહ્યાં.

શ્રમ દ્રશ્ય અને અદ્રશ્ય બંને રીતનો હોય છે. શ્રમ માત્ર શારીરિક નથી હોતો. તે શારીરિક તેમજ માનસિક બંને રીતનો હોય છે. જેમને માત્ર ગભરાટ અને ગરમીથી જ શરીરે પરસેવો વળે છે તેમને શ્રમથી વળતા પરસેવાની ખબર નથી હોતી. તેનો અનુભવ નથી હોતો. આળસ હંગામી શોખ માત્ર છે જયારે શ્રમ કાયમી સુખ. ક્યારેક ક્ષણિક આળસથી સર્જાયેલી ખોટને ભરપાઈ કરવા માટે પણ ઘણો પરિશ્રમ કરવો પડતો હોય છે. કેમકે સખ્ખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો. શ્રમની કિંમત ન કરનારની કિંમત શ્રમ પણ કરતો નથી

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution