કોરોનાના દર્દીઓના નામ જાહેર કરવાની માંગ સાથે HCમાં જાહેરહિતની અરજી

અમદાવાદ-

અરજદાર અતુલ રાજાણીએ એડવોકેટ બ્રીજ શેઠ મારફતે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરીને એવા મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે, ‘રાજકોટ મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા કોરોનાના દર્દીઓના નામ જાહેર કરવાની મનાઇ ફરમાવી છે અને દર્દીઓના રાઇટ ટૂ પ્રાઇવસીના રક્ષણ માટે નામ જાહેર ન કરતા હોવાનું જણાવ્યું છે. જાેકે, કોરોનાના દર્દીઓના નામ જાહેર થાય તો જ અન્ય લોકો એમના સંપર્કમાં આવવાથી બચી શકે છે અને તેઓ કોરોના સંક્રમિત થવાથી પણ બચી શકે. રાજકોટ કોર્પોરેશન કોરોનાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હોવાથી ડેટા જાહેર કરવાનો ઇન્કાર કરે છે. એટલું જ નહીં ૧લી ઓગસ્ટથી ૨૨મી ઓગસ્ટ સુધીના ડેટા જાેઇએ તો ગમે તેટલા ટેસ્ટ થયા હોય પરંતુ કોરોના પોઝિટિવ કેસો ૯૦થી ૯૯ની વચ્ચે જ દર્શાવ્યા છે. તેથી આ વલણ શંકાસ્પદ જણાય છે. રિટમાં એવા મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે,

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમો પણ કહે છે કે, ગંભીર મહામારી દરમિયાન દર્દીઓના નામ સહિતની માહિતીઓ છૂપી રાખી શકાય નહીં. રાઇટ ટૂ ઇન્ફોર્મેશન અને રાઇટ ટૂ હેલ્થના અધિકારો હેઠળ પણ નાગરિકોને આ માહિતી જાણવાનો અધિકાર છે. એટલું જ નહીં રાજ્ય સરકારે કયા કારણોસર અને કયા જાહેરનામા કે પરિપત્ર હેઠળ આ માહિતી આપવાની બંધ કરી છે એ પણ સ્પષ્ટ નથી. મહારાષ્ટ્ર કોર્ટનો પણ ચુકાદો છે કે, વ્યક્તિની નિજતાના અધિકાર અને વ્યક્તિના સ્વાસ્થ્યના હક જેવા બે હકો વચ્ચે ઘર્ષણ થતું હોય તો વ્યક્તિના સ્વાસ્થ્યના હકને પ્રાધાન્ય આપવું પડે.

તે દ્રષ્ટિએ પણ લોકોની સ્વાસ્થ્ય સુખાકારી અને સલામતીને સુનિશ્ચિત કરવા સરકારે દર્દીઓના નામ, સરનામા અને ઉંમર જાહેર કરવી જાેઇએ. અરજદારે રિટમાં એવો દાવો પણ કર્યો છે કે, કોરોનાના દર્દીઓમાં એક પ્રકારનો ભય અને સામાજિક તિરસ્કારનો ભય પણ છે. તેથી તેઓ પોતે કોરોના પોઝિટિવ હોવાની બાબત સ્વયં જાહેર કરતાં નથી અને આ રીતે અન્યો માટે જાેખમ ઊભું કરે છે. તેથી કોરોના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરવામાં આવે તો કોરોનાના કેસોને કાબૂમાં લેવામાં મોટી સફળતા મળી શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution