શાળામાં બાળકોની સુરક્ષા અને શિક્ષણ મામલે કોઇની લાલિયાવાડી નહીં ચાલે : શિક્ષણ મંત્રી

ગાંધીનગર, જૂનાગઢના ખજૂરી હડમતીયા ગામની પ્રાથમિક શાળાના સ્લેબની કામગીરી નબળી હોવાની ફરિયાદ મળતા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ તાત્કાલિક આ સ્લેબને તોડી પાડીને નવો સ્લેબ બાંધવા માટે આદેશો કરીને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહીની સૂચના આપી હતી. ગુજરાતમાં આજે બાળકો ભણી ગણીને આગળ વધી રહ્યા છે, ત્યારે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર હરહંમેશ એક્શન મોડમાં કામગીરી કરી રહી છે. ત્યારે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે શિક્ષણ આપવાનું કાર્ય રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે, ગુજરાતની કોઈ પણ શાળામાં બાળકોની સુરક્ષા અને શિક્ષણ બાબતે કોઈ પણ પ્રકારની લાપરવાહી કે લાલિયાવાડી ચલાવવામાં નહીં આવે તેમજ ગુજરાત રાજ્યની શિક્ષણની અંદર ગેરવહીવટ કે ગેરરીતિ ચલાવી લેવાશે નહિ. જાે કોઈ જિલ્લામાં ગેરવહીવટ કે ગેરરીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડકમાં કડક પગલાં લેશે તેમ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું.જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના નબળા બાંધકામના અનુસંધાને તા. ૧૯ માર્ચ ૨૦૨૫ના રોજ ગ્રાઉન્ડ ફલોરના સ્લેબનું કાસ્ટીંગના બીજા દિવસે બાંધકામની ગુણવત્તા વિશેની ફરિયાદ ગ્રામવાસીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાને કરાઇ હતી. આ ફરિયાદને ધ્યાને રાખીને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ તાત્કાલિક પગલાં લેવા સમગ્ર શિક્ષા કચેરી અને સંબધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. શિક્ષણ રાજ્ય મંત્રીના ટેલિફોનિક આદેશ પર જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર, થર્ડ પાર્ટી ઇજનેર, ટીઆરપી, એજન્સીના પ્રતિનિધિઓએ તેજ દિવસે રાત્રે ૮:૩૦ કલાકે સ્થાનિક આગેવાનો સાથે શાળાના વર્ગખંડની સ્થિતિની સમીક્ષા કરી હતી. તપાસ દરમિયાન બાંધકામ ની ગુણવત્તા અસંતોષકારક જણાઈ હતી. જે અંગેની જાણ શિક્ષણ રાજ્ય મંત્રીને કરાઇ હતી. જેથી શિક્ષણ રાજ્ય મંત્રીએ ઉક્ત શાળાના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટીંગ તોડી નાખવાનો અને નવું બાંધકામ શુરુ કરવા માટેનો આદેશ આપ્યો હતો. આ સાથે જ એજન્સી અને સંબધિત અધિકારીને નોટિસની સૂચના આપી હતી, જ્યારે ઇજનેરને બરતરફ કરવામાં આવ્યો છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના ત્વરિત અને કડક કાર્યવાહીને પગલે એજન્સીને ૭ દિવસની અંદર સ્લેબ તોડવાની પ્રક્રિયા શરૂ કરવા તેમજ તોડફોડ દરમિયાન સલામતીની સંપૂર્ણ તકેદારી રાખવા અને કામગીરીની ફોટોગ્રાફ્સ સાથે અહેવાલની નોંધ લઈ ગાંધીનગર કચેરીમાં રજૂ કરવા જણાવ્યું હતું.શિક્ષણ રાજ્ય મંત્રી પાનશેરિયાએ શિક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પારદર્શિતા અને જવાબદારી નો સંદેશો આપતા જણાવ્યું કે, રાજ્યમાં જે સ્થળોએ શાળાનું કામ નબળું થશે, ત્યાં આ જ પ્રકારે બાંધકામ તોડીને પાડવામાં આવશે તેમજ તે કિસ્સાઓમાં જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. આજે શિક્ષણ રાજ્ય મંત્રીની સૂચના પ્રમાણે જૂનાગઢની ખજુરી હડમતીયા શાળાના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટીંગ તોડી નવેસરથી બાંધવાનું કામ શાળા સંચાલન સમિતિ અને સ્થાનિક તંત્રની દેખરેખ હેઠળ આ કામગીરી ઝડપભેર શરૂ કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામની સરકારી પ્રાથમિક શાળા તેમજ કામરેજ વિધાનસભાના દેરોદ ગામે નવીન આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે બાંધકામ ની ગુણવત્તા નબળી જણાતા ત્વરિત એક્શન લઈને બાંધકામ તોડાવીને ગુણવત્તાસભર બાંધકામના આદેશ આપ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution