ગાંધીનગર, સતત વિવાદમાં રહેતું ગોંડલ વધુ એક વખત વિવાદમાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા દ્વારા નિવેદન કરાયું છે કે, ગોંડલ ની ટિકિટ માટે કોઈએ લાળ પાડવી નહીં. કારણ કે, ગોંડલ ની ટિકિટ ગણેશ ગોંડલ ઉર્ફે ગણેશ જયરાજસિંહ જાડેજા ને જ મળશે માટે કોઈએ ગોંડલની ટિકિટ માટે મહેનત કરવી નહીં. ગુજરાતના ગોંડલમાં પાટીદાર સમાજના સગીરને માર મારવાને લઈને મામલો ગરમાયો હતો. રાજકોટમાં ક્ષત્રિય અને પાટીદાર વચ્ચે તણાવ ઊભો થયો હતો. જાેકે, મામલો વકરતા બંને સમાજના આગેવાનોએ સર્વ સમાજની બેઠક યોજીને સમાધાન કર્યું હતું. આવા સંજાેગોમાં ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ મોટું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેમાં અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું છે કે, ‘કોઈએ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવવાની જરૂર નથી, ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે.’ અત્રે ઉલ્લેખનીય છે કે, ગણેશ ગોંડલ ઉર્ફે ગણેશ જયરાજસિંહ જાડેજા સામે અનેક આરોપો ગુના હોવા છતાં ભાજપ તેને ભવિષ્યમાં ધારાસભ્ય બનાવવા માગે છે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના આ નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે, ગુનાખોરી એ હવે નેતા બનવા માટેની એક લાયકાત બની ગઈ છે. આ મુદ્દે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, ‘પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સંબંધ છે. અહીં પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે કોઈ સમસ્યા નથી. જયરાજસિંહ અમારા બાપ સમાન છે. જે લોકો બહારના લુખ્ખાઓ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવી રહ્યા છે, એ લોકો જાણી લે કે, અહીંયા ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે. સૌરાષ્ટ્ર બહારના જે લોકો ગોંડલને અલગ નજરે જુએ છે અને ગોંડલને મિરઝાપુર કહે છે, તેવા ટપોરી અને લુખ્ખા તત્ત્વોને જવાબ આપવા માંગુ છું કે, ગોંડલ ગોકુળિયું ગોંડલ છે અને ભગવતસિંહનું ગોંડલ છે.’ અલ્પેશ ઢોલરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘ગોંડલમાં તમામ સમાજના લોકો એક થઈને રહે છે. ૫૦૦ કિલોમીટર દૂરથી અને ૨૦૦ કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજને અથડાવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને તેવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે, પાટીદાર અને ક્ષત્રિયોને અથડાવવાના તમારા જે સપના છે એ સપના પુરા નહીં થાય.’ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયા એ નિવેદન કરીને ગોંડલ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા તૈયારી કરવી રહેલા અનિરુદ્ધસિંહ રીબડાના પૌત્રને આડકતરો સંદેશો આપ્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે.