નીતિન ગડકરીએ ભાજપની વર્તમાન નીતિરીતિની ફરી એક વખત ટીકા કરી આયનો દેખાડ્યો

નીતિન ગડકરીએ ફરી એકવાર પોતાની જ સરકાર વિશે કડક શબ્દોમાં વાત કરી છે. તેમણે કહ્યું કે જ્યારે ભાજપ પણ કોંગ્રેસ જેવી જ ભૂલો કરશે તો ભાજપ આવવાનો કોઈ અર્થ નથી. ગડકરી કેન્દ્રીય મંત્રી છે અને તેઓ પોતાની જ પાર્ટીની સરકાર વિશે ટિપ્પણી કરી રહ્યાં હતાં. તે પણ તેમના જ પક્ષના કાર્યકરોની સામે.

ગડકરી પણજી નજીક તાલેગાવ ખાતે ગોવા ભાજપ કાર્યકારિણીની બેઠકને સંબોધિત કરી રહ્યાં હતાં. જેમાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સદાનંદ શેટ તનાવડે, પક્ષના ધારાસભ્યો, કાર્યકરો અને સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.

કોંગ્રેસ દ્વારા અગાઉ કરેલી ભૂલોનું પુનરાવર્તન કરવા સામે ચેતવણી આપતાં, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે કહ્યું કે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી કહેતા હતા, ભાજપ એક અલગ પ્રકારની પાર્ટી છે. તેમણે કહ્યું, કોંગ્રેસની ભૂલોના કારણે લોકોએ ભાજપને પસંદ કર્યો. જાે આપણે એ જ ભૂલો કરીએ તો સત્તામાંથી બહાર જવાનો અને આપણે સત્તામાં આવવાનો કોઈ અર્થ નથી.

અડવાણીજી કહેતા હતા કે અમે અલગ પ્રકારની પાર્ટી છીએ. આપણે સમજવું પડશે કે આપણે અન્ય પક્ષોથી કેટલા અલગ છીએ. આથી આવનારા દિવસોમાં પક્ષના કાર્યકરોએ જાણી લેવું જાેઈએ કે રાજકારણ એ સામાજિક અને આર્થિક સુધારા લાવવાનું એક માધ્યમ છે. ગડકરીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં જાતિના આધારે રાજનીતિ કરવાનો ટ્રેન્ડ છે. તેણે કહ્યું, 'મેં આ ટ્રેન્ડ નહીં અપનાવવાનો ર્નિણય કર્યો છે. મેં લોકોને સ્પષ્ટ કરી દીધું છે કે હું જાતિ આધારિત રાજકારણ નહીં કરું. જે કોઈ જાતિ વિશે વાત કરશે, હું તેને સખત માર મારીશ.

 ગડકરી ઘણીવાર ઘણા મુદ્દાઓ પર પોતાનો પ્રામાણિક અભિપ્રાય વ્યક્ત કરી ચૂક્યા છે અને તેના કારણે તેઓ હેડલાઇન્સમાં પણ રહ્યા છે. આ વર્ષે માર્ચ મહિનામાં, ગડકરીએ કહ્યું હતું કે ગામડાં, ગરીબો, મજૂરો અને ખેડૂતોની હાલત ખરાબ છે. એક મુલાકાતમાં, નીતિન ગડકરીએ કહ્યું હતું કે, '...તેનું કારણ પાણી, જંગલો છે. જમીન અને પ્રાણીઓ , ગ્રામીણ, ખેતી અને આદિવાસી, આ અર્થવ્યવસ્થા છે,પરંતુ અહીં કોઈ સારા રસ્તા નથી. પીવા માટે શુદ્ધ પાણી નથી. સારી શાળાઓ નથી. ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળતા નથી.

થોડા મહિનાઓ પહેલાં જ ગડકરીએ રમૂજી રીતે કહ્યું હતું કે ગમે તે રાજકીય પક્ષ સત્તામાં હોય, સારો દેખાવ કરનારાઓને ભાગ્યે જ એવી કીર્તિ મળે છે જેને તેઓ લાયક છે.

ગડકરીએ કહ્યું હતું કે, 'હું હંમેશા મજાકમાં કહું છું કે કોઈ પણ પક્ષ સરકારમાં હોય, એક વાત ચોક્કસ છે કે જે સારું કામ કરે છે તેને ક્યારેય સન્માન મળતું નથી અને જે ખરાબ કામ કરે છે તેને ક્યારેય સજા થતી નથી.

લગભગ એક વર્ષ પહેલા ગડકરીએ કહ્યું હતું કે દેશ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા શરૂ કરવામાં આવેલા આર્થિક સુધારા માટે તેમનો ઋણી રહેશે. નીતિન ગડકરી કોઈ પણ ખચકાટ વગર પોતાની વાત કહેવા માટે જાણીતા છે. ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મનમોહન સિંહ દ્વારા શરૂ કરવામાં આવેલા આર્થિક સુધારાને કારણે જ તેઓ મહારાષ્ટ્રમાં મંત્રી હતા ત્યારે જ તેઓ રસ્તાના નિર્માણ માટે ભંડોળ એકત્ર કરી શક્યાં હતાં.

ગડકરીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધીના સમયની રાજનીતિ અને આજની રાજનીતિમાં ઘણો બદલાવ આવ્યો છે. દેશ આઝાદ થયો ત્યારે તે સમયના રાજકારણમાં દેશ, વિકાસ અને સમાજની વાતો થતી હતી, પરંતુ આજના રાજકારણમાં માત્ર સત્તાની જ વાતો થાય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution