ન્યૂ દિલ્હી-
કેરળના આરોગ્ય વિભાગે ૨૫૧ વ્યક્તિઓની ઓળખ કરી છે જેઓ ૧૨ વર્ષના છોકરાના સંપર્કમાં આવ્યા હતા જેમણે નિપાહ વાયરસના ચેપને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમાંથી ૩૮ લોકો કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આઇસોલેશનમાં છે અને ૧૧ લોકોએ લક્ષણો દર્શાવ્યા છે. આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે સોમવારે આ વાત કરી હતી. આરોગ્ય પ્રધાને સોમવારે જણાવ્યું હતું કે સંપર્કમાં આવેલા ૨૫૧ લોકોમાંથી ૧૨૯ લોકો આરોગ્ય કર્મચારીઓ છે. તેમણે કહ્યું કે કોઝીકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ૩૮ લોકો આઇસોલેશનમાં છે, જેમાંથી ૧૧ લોકોએ ચેપના લક્ષણો દર્શાવ્યા છે. પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (દ્ગૈંફ) ને આઠ લોકોના નમૂના મોકલવામાં આવ્યા છે.
ચેપના લક્ષણો ધરાવતા તમામની સ્થિતિ સ્થિર છે. સંપર્કમાં આવેલા ૨૫૧ લોકોમાંથી ૫૪ ઉચ્ચ જોખમ વર્ગમાં છે અને તેમાંથી ૩૦ આરોગ્ય કર્મચારીઓ છે. તેમાંથી બાળકના વાલી સહિત કેટલાક સંબંધીઓ પણ છે. જ્યોર્જે કહ્યું કે એનઆઈવી, પુણેની ટીમે અહીં મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક ખાસ પ્રયોગશાળાની સ્થાપના કરી છે. જેમાં સોમવાર રાતથી નમૂનાઓની ચકાસણી કરવામાં આવશે. તબીબી નિષ્ણાતોની ટીમે બાળકના ઘર અને આસપાસના વિસ્તારનું પણ નિરીક્ષણ કર્યું હતું. પશુપાલન વિભાગની ટીમે પણ આ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
મંત્રીએ કહ્યું કે, બાળકના પરિવાર સાથે જોડાયેલા બે બકરાના લોહી અને સીરમના નમૂનાઓ પણ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હાઈ સિક્યુરિટી એનિમલ ડિસીઝ, ભોપાલમાં તપાસવામાં આવશે. જ્યોર્જે માહિતી આપી કે કોઝીકોડ તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ અભિયાન આગામી ૪૮ કલાક માટે સ્થગિત કરવામાં આવ્યું છે. જોકે, તપાસ અને અન્ય સંબંધિત પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. કેરળ સરકારે સોમવારે નિપાહ વાયરસના કેસો સાથે વ્યવહાર કરવા માટે એક મેનેજમેન્ટ પ્લાન બહાર પાડ્યો હતો જેમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો દ્વારા અનુસરવામાં આવતા આરોગ્ય પ્રોટોકોલની યાદી આપવામાં આવી હતી.