અરવિંદ કેજરીવાલે રાજીનામુ આપ્યા પછી આમ આદમી પાર્ટીના નેતા આતિશી દિલ્હીના નવા મુખ્યપ્રધાન બનવાના છે. પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં અરવિંદ કેજરીવાલે તેમના અનુગામી તરીકે તેમના નામની દરખાસ્ત કર્યા પછી પાર્ટીએ મંગળવારે સર્વસંમતિથી સંમતિ આપી હતી. ૪૩ વર્ષીય આતિશી કોંગ્રેસના શીલા દીક્ષિત અને ભાજપના સુષ્મા સ્વરાજ પછી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યપ્રધાન બનશે.
દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર વિજય સિંહ અને ત્રિપ્તા વાહીની પુત્રી, આતિશીએ સ્પ્રિંગડેલ્સ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું અને સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી સ્નાતક થયા. તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું છે.
આતિશીના રાજકીય ક્ષેત્રે ઉદય સાથે અનેક વિવાદો પણ જાેવા મળ્યા છે. આતિશીએ ૨૦૧૮માં 'માર્લેના’ અટક છોડી દીધી હતી. માર્લેના નામ માર્ક્સ અને લેનિનનું સંયોજન હતું, જે તેના માતાપિતાની ડાબેરી વિચારધારાને પ્રતિબિંબિત કરે છે. જાે કે, રાજકારણમાં તેના ઉદય દરમિયાન, ખાસ કરીને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા અટકળો મંડાવા માંડી હતી કે તેની અટક તેને સામ્યવાદી વિચારધારા સાથે જાેડે છે.
તેની રાજકીય માન્યતાઓના કોઈપણ ખોટા અર્થઘટનને ટાળવા માટે ‘માર્લેના’ અટકને છોડી દેવાનું અને તેના પ્રથમ નામ આતિશીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. “માર્લેના મારી અટક નથી. મારી અટક સિંઘ છે જેનો મેં ક્યારેય ઉપયોગ કર્યો નથી. બીજું નામ મારા માતાપિતા દ્વારા આપવામાં આવ્યું હતું. મેં મારા ચૂંટણી પ્રચાર માટે માત્ર આતિશીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે,” તેમ તેણે કહ્યું હતું.
આતિશીને ‘ડમી સીએમ’ ગણાવતા આપના વિદ્રોહી રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે કહ્યું કે આતિશીના માતા-પિતાએ અફઝલ ગુરુ માટે દયાની અરજીઓ લખી હતી.
“આજનો દિવસ દિલ્હી માટે ખૂબ જ દુઃખદ દિવસ છે. આજે એક મહિલાને દિલ્હીની મુખ્યમંત્રી બનાવવામાં આવી રહી છે, જેના પરિવારે આતંકવાદી અફઝલ ગુરુને ફાંસીથી બચાવવા માટે લાંબી લડાઈ લડી હતી. આતંકવાદી અફઝલ ગુરુને બચાવવા તેના માતા-પિતાએ માનનીય રાષ્ટ્રપતિને દયાની અરજી લખી હતી. તેમના મતે, અફઝલ ગુરુ નિર્દોષ હતો અને તેને રાજકીય ષડયંત્રના ભાગરૂપે બનાવવામાં આવ્યો હતો,”
માલીવાલે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું. આતિશીના માતા-પિતા ત્રિપતા વાહી અને વિજય સિંહ તે જૂથનો ભાગ હતા જેણે સંસદ હુમલાના દોષિત આતંકવાદી અફઝલ ગુરુ માટે દયાની અરજી દાખલ કરી હતી. આમ આદમી પાર્ટીના રાજકીય વિરોધીઓએ તેનો ઉપયોગ તેના માતા-પિતા પર રાષ્ટ્રવિરોધી તત્વોને સમર્થન કરવાનો આરોપ લગાવવા માટે કર્યો છે. ૨૦૧૬માં, દિલ્હી પોલીસે રાજદ્રોહ અને અન્ય આરોપો હેઠળ ધરપકડ કરાયેલા અલગતાવાદી નેતા ગિલાની સાથે મંચ શેર કરવા બદલ તૃપ્તિ વાહી સહિત ઘણા પ્રોફેસરોની પૂછપરછ કરી હતી. જાે કે, વાહી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
૨૦૧૯ની ચૂંટણીઓ પહેલા, પ્રચાર દરમિયાન, આતિશી પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેણે મતદારોને ભાજપને હરાવવા માટે વિપક્ષી ઉમેદવારોને મત આપવાનું કહ્યું, પછી ભલે તે વિરોધી ઉમેદવાર ગુંડા હોય. તેની ટિપ્પણીની ઘણી ટીકા થઈ હતી. “યુપીમાં માત્ર સપા અને બસપાનું ગઠબંધન જ ભાજપને હરાવી શકે છે. તેથી યુપીના મતદારોએ ગઠબંધનને મત આપવો જાેઈએ, પછી ભલે ઉમેદવાર કોઈપણ હોય. મેં યુપીના મારા એક પરિચિત સાથે વાત કરી, અને તેણે મને કહ્યું કે અમારા વિસ્તારનો ઉમેદવાર એક ગુંડો છે, તો મેં કહ્યું કે અંધ બનીને ગઠબંધનને મત આપો કારણ કે આ એવી ચૂંટણી છે જ્યાં આપણે ભાજપને હરાવવાની જરૂર છે.”તેમ તેમણે કહ્યું હતું.
દિલ્હીના ભુતપુર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જેમ આતિષી પણ આ રીતે અનેક રાજકીય વિવાદોથી ઘેરાયેલા છે. તેમના જ પક્ષના રાજ્યસભાના સભ્યએ કરેલા આક્ષેપો ગંભીર છે.