વડોદરા
વડોદરા શહેરની મધ્યમાં આવેલ ગોયાગેટ સોસાયટીની પાસે છેલ્લા ચાર માસમાં બબ્બે વખત માર્ગને ખોદી કાઢવામાં આવ્યો હતો.સૌ પ્રથમ ડ્રેનેજ લાઈનના ભંગાણને કારણે અને ત્યારબાદ પાણીની લાઈનની કામગીરીને માટે માર્ગને ખોદી કઢાયો હતો.પરંતુ આ બંને વખતની કામગીરી પછીથી ઇજારદારની લાપરવાહીના કારણે અને અધિકારીઓની મિલી ભગતમાં કોઈપણ પ્રકારની માર્ગને સમતલ બનાવવાની ઠોસ કામગીરી કરવામાં આવી નથી.
આના કારણે આ માર્ગ અનિયમન અને વાહન ચાલકોને માટે સમસ્યારૂપ બની જવા પામ્યો છે. એકજ માર્ગને અત્યંત ટૂંકા ગાળામાં બબ્બે વાર ખોદી કાઢવામાં આવ્યો હતો. આ ખોદેલા માર્ગોની બિસ્માર હાલતના કારણે રહીશો હેરાન પરેશાન થઇ ગયા છે.તેમ છતાં તંત્ર આ બાબત પ્રત્યે બેધ્યાન રહયાની ફરિયાદો ઉઠી છે. આ બાબતે તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં પણ એનો કોઈ ઉકેલ આવ્યો નથી.જેને કારણે પ્રજામાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. જાે આ માર્ગને સરળતાથી આવનજાવન કરી શકાય એવો બનાવવામાં આવશે નહિ તો આગામી દિવસોમાં રહીશો દ્વારા પાલિકાની મુખ્ય કચેરીએ અને સબંધિત વોર્ડની કચેરી સમક્ષ દેખાવો યોજવાની ચીમકી ઉચ્ચારાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોયાગેટ સોસાયટી પાસે યોગિની વસંતદેવી હોસ્પિટલ જવાના રોડ પર ત્રણ ચાર મહિના પહેલા રસ્તો ખોદીને ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ ફરીવાર પાણીની લાઈનની કામગીરી કરવામાં આવી હતી પરંતુ કામગીરી પૂર્ણ કર્યા બાદ હજી પણ આ રસ્તા ઉપર ઘણીવાર પાઇપ લાઇનમાં લીકેજ થાય છે. આ ઉપરાંત આ રસ્તા પર માત્ર કપચી નાંખી દેવામાં આવી છે. જેને કારણે રસ્તાની હાલત બિસ્માર બની છે નવો રોડ ન બનાવતા આ રોડ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકોને ઘણીવાર અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ઘણીવાર વાહન ચાલકોના વાહનો ખાડામાં ફસાઈ જાય છે. આ સાથે આ વિસ્તારના રહીશો પણ આ સમસ્યાથી પરેશાન થઈ ચૂક્યા છે. વડોદરા શહેરના નાગરિકો હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી હજુ પણ વંચિત છે. આમ તંત્ર અધુરી કામગીરી કરતુ હોય તેવુ આ વિસ્તારની પ્રજાને લાગી રહ્યુ છે જે સામે હવે ત્રસ્ત થયેલ પ્રજા તંત્ર સામે બાયો ચઢાવવાનું મન મનાવી લીધું છે.