વડોદરા, તા. ૧૧
દંતેશ્વર વિસ્તારમાં આવેલા વિજયવાડીમાં ગત રાત્રે સામે જોવાના મુદ્દે થયેલી તકરારમાં માથાભારે યુવક તેમજ તેના બે કિશોર વયના સાગરીતો સહિત ચાર હુમલાખોરોએ પાડોશમાં રહેતા પરિણીત આધેડને લાફા ઝીંક્યા બાદ તેના બગલના ભાગે ગુપ્તીના બે ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી હતી. આ બનાવની મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય હત્યારાઓને ઝડપી પાડી હત્યામાં વપરાયેલી ગુપ્તી કબજે કરી હતી.
દંતેશ્વર વિસ્તારમાં રેલવે કોલોની પાછળ આવેલા વિજયવાડી વસાહતમાં રહેતા ૪૨ વર્ષીય આરતીબેન પ્રકાશ શિર્કેએ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘ઘરકામ અને બંગલામાં છુટ્ટક કામ કરુ છું. મારુ સંજયભાઈ કાલગુડે સાથે લગ્ન થયું હતું પરંતું ગત ૨૦૧૧માં તેમનું અવસાન થતાં મે પ્રકાશ શિર્કે સાથે બીજુ લગ્ન કર્યું હતુ. મારા પ્રથમ પતિથી મને બે પુત્રો છે જે બંને અકોટામાં અલગ રહે છે અને નોકરી કરે છે. મારા પતિ કલરકામની મજુરી કરતા હતા અને તે મારી તેમજ તેમના અપંગ ભાઈ સાથે અત્રે રહેતા હતા. ગઈ કાલે ૧૦મી તારીખે મારા પતિને કલરકામની મજુરી નહી મળતાં તે મને મદદ કરવા માટે આવ્યા હતા અને અમે બંગલામાં છુટ્ટક કામ પતાવીને બાઈક પર ઘરે પરત ફર્યા હતા.
સાંજે સાતેક વાગે મારા પતિ પુજાપાઠ કરીને દુધ-બિસ્કીટ લેવા માટે ગયા હતા. આઠ વાગે તે ઘરે પરત ફરતા અમારા મોહલ્લામાં રહેતો નન્નુ ઉર્ફ રવિન્દ્ર વસાવા, સાગર રાઠવા તેમજ બે કિશોરોએ અમારા ઘરના બહારના ભાગે ઉભા રહીને ઝઘડો કર્યો હતો. હું ઝઘડાનો અવાજ સાંભળીને બહાર જતા જાેયું હતું કે નન્નુ વસાવાએ મારા પતિને ‘ તું મારી સામે કેમ જુએ છે’ તેમ કહીને ઝઘડો કરતો હતો અને તેની સાથે આવેલા ત્રણેય જણા પતિ સાથે ઝપાઝપી કરતા હતા. મે પતિને ઘરમાં આવી જવાનું કહેતા તે ઘરમાં આવતા હતા પરંતું ઉક્ત ચારેય જણાએ તેમને પકડી રાખતા નન્નુ વસાવાએ મારા પતિના ગાલ પર લાફા ઝીંક્યા હતા.
આ દરમિયાન પાડોશમાં રહેતા સંજયભાઈએ દરમિયાનગીરી કરીને પતિને છોડાવતા મારા પતિએ બાઈકની ડીકીમાંથી દુધ-બિસ્કીટ કાઢીને મને આપી તે ઘરમાં લઈ જવા કહ્યું હતું. હું દુધ મુકવા માટે ઘરમાં જતા ફરી બુમરાણ સંભળાઈ હતી જેથી હું બહાર દોડી જતા મે જાેયું હતું કે નન્નુ વસાવા મારા પતિના બગલના ભાગે ગુપ્તીના ઘા ઝીંકી તેમજ તેની સાથે આવેલા ત્રણેય સાગરીતોએ પતિને છુટ્ટા હાથે માર મારીને તમામ ફરાર થયા હતા. આ હુમલાના પગલે મારા પતિ ઓટલા પર ફસડાઈ પડતા ટોળું ભેગું થયું હતું. આ પૈકી કોઈએ પોલીસ કન્ટ્રોલ રૂમ અને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફોન કરતા પતિને ૧૦૮માં સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તેમને મૃત જાહેર કરાયા હતા.’ આ ફરિયાદના પગલે પોલીસે દંતેશ્વરના વિજયવાડી દશામાતાના મંદિર પાસે રહેતા ૨૮ વર્ષીય રવિન્દ્ર ઉર્ફ નન્નો મહેશ વસાવા , ૧૮ વર્ષીય સાગર રમેશ રાઠવા અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે હુમલાખોર કિશોર સહિત ચાર સામે હત્યાનો ગુનો નોંધી તે પૈકીના રવિન્દ્ર અને સાગરની ધરપકડ કરી હતી તેમજ હત્યામાં વપરાયેલી ગુપ્તી કબજે કરી હતી.
વધુ પડતા રક્તસ્ત્રાવના કારણે મોત
હત્યાના બનાવની તપાસ કરતા પીઆઈ જે.એન.પરમારે જણાવ્યું હતું કે પ્રકાશભાઈની હત્યામાં કયું હથિયાર વપરાયું તેની તેમના પત્નીને ખબર ન હોઈ તેમણે ફરિયાદમાં ધારદાર સળિયા જેવું હથિયારથી હુમલાની જાણ કરી હતી. જાેકે આરોપીઓ ગણતરીના સમયમાં ઝડપાઈ જતાં તેઓની પુછપછરમાં ગુપ્તીથી હુમલો કરાયાનું સપાટી પર આવ્યું છે. પ્રકાશભાઈના બગલના ભાગે બે ઘા ઝીંકવામાં આવ્યા હતા અને વધુ પડતું લોહી વહી જતાં તેમનું સારવાર મળે તે અગાઉ મોત નિપજ્યું હતું.