પ્લાસ્ટિકના ઉપયોગને નાબુદ કરવા ૧૭૫ દેશો વચ્ચે વૈશ્વિક પ્લાસ્ટિક સંધિ માટે વાટાઘાટોમાં વ્યવહારૂ મુદ્દાઓ સામે દુર્લક્ષ

તંત્રીલેખ


વિશ્વના પર્યાવરણ માટે ગંભીર ખતરારૂપ બની ગયેલા પ્લાસ્ટિકના ઉપયોગને કેવી રીતે દુર કરવો એ પ્રશ્ન પૃથ્વી પર પોતાને અતિ વિકસિત માનતા માનવસમાજ માટે કોયડો બની ગયો છે. પ્લાસ્ટિક ડિગ્રેડેબલ નહીં હોવાથી પર્યાવરણ માટે બહુ મોટુ જાેખમ ઉભું કરે છે. પરંતુ તે ઉપયોગ કરવામાં અતિ સરળ અને સસ્તુ હોવાના કારણે તેમજ અનેકવિધ રીતે સાનુકુળતા ધરાવતું હોવાથી તેને દુર કરી શકાતું નથી. તેના વિકલ્પરૂપ ઉત્પાદનો કિફાયતી અને ટકાઉ નહીં હોવાથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ અવ્યવહારૂ બની જાય છે.તેમ છતાં દુનિયાના દેશોની સરકારો આ સમસ્યાને દુર કરવા માટે સતત ચર્ચાવિચારણામાં વ્યસ્ત છે. જાેકે સૌથી મહત્વના પ્રશ્ન પ્લાસ્ટિકનો યોગ્ય વિકલ્પ ઉભો કરવાનો છે તેનો કોઈ હલ હજી સુધી મળ્યો નથી.


પ્લાસ્ટિકના ઉપયોગને નાબૂદ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના ઓછામાં ઓછા ૧૭૫ સભ્ય દેશોને સામેલ કરતી મહત્વાકાંક્ષી પહેલ વૈશ્વિક પ્લાસ્ટિક સંધિની વાટાઘાટોના ચોથા રાઉન્ડનું તાજેતરમાં સમાપન થયું હતું. તેનું ધ્યેય ૨૦૨૪ના અંત સુધીમાં કાનૂની દસ્તાવેજને અંતિમ સ્વરૂપ આપવાનો છે. આ દસ્તાવેજ વિશ્વના દેશોની પ્લાસ્ટિકના ઉત્પાદનને અંકુશમાં લેવા માટે સંમતી, તેના ઉત્પાદનમાં વપરાતા ચોક્કસ રસાયણો પર પ્રતિબંધ અને રિસાયક્લિંગ માટેના લક્ષ્યો સાથે સંબંધિત છે. કમનસીબે,કરારમાં તટસ્થતા જણાતી નથી. આ નવેમ્બરમાં દક્ષિણ કોરિયાના બુસાનમાં વાટાઘાટોનો આગામી રાઉન્ડ હાથ ધરાશે. પરંતુ આ લક્ષ્ય પાર પાડવા સામેના પ્રાથમિક અવરોધો આર્થિક છે. સાઉદી અરેબિયા, યુનાઇટેડ સ્ટેટ્‌સ, રશિયા, ભારત અને ઈરાન જેવા તેલ ઉત્પાદક અને રિફાઇનિંગ દેશો પ્લાસ્ટિકના ઉત્પાદનને નાબૂદ કરવા માટે કડક સમયમર્યાદા અંગે અનિચ્છા ધરાવે છે.


ઘણા યુરોપિયન રાષ્ટ્રો દ્વારા સમર્થિત આફ્રિકન દેશોનું ગઠબંધન, ૨૦૪૦ની આસપાસ સમયમર્યાદા નક્કી કરવાની તરફેણમાં છે. સંધિમાં વિવાદાસ્પદ બાબતોનો ર્નિણય મત અથવા સર્વસંમતિ દ્વારા થવો જાેઈએ કે કેમ તે અંગે પણ મતભેદ છે.ભારતનો અભિપ્રાય, એ છે કે પ્લાસ્ટિક પ્રદૂષણને સમાપ્ત કરવા માટે કાયદેસર રીતે બંધનકર્તા માળખા પર પણ નિયંત્રણ રાખવાનો છે.ઉપલબ્ધતા, સુલભતા, ખર્ચની અસરો અને સ્પષ્ટ વૈકલ્પિક વ્યવસ્થાઓ, ટેક્નોલોજી ટ્રાન્સફર અને નાણાકીય સહાય જેવા અનેક મુદ્દાઓ છે જેના પર લક્ષ આપવાનો ભારતનો અભિપ્રાય છે.

૨૦૨૨ના વર્ષમાં પ્લાસ્ટિક સંધિ કરવામાં આવી હતી, ત્યારે ભારતે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ રૂલ્સ (૨૦૨૧)અમલમાં મૂક્યા હતા. જેણે સિંગલ-યુઝ પ્લાસ્ટિકની ૧૯ શ્રેણીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. જાે કે, તેમાં ૨૦૦ મિલીથી ઓછી હોય તેવી પ્લાસ્ટિકની બોટલો અને બહુ-સ્તરીય પેકેજિંગ બોક્સનો સમાવેશ થતો નથી. તદુપરાંત, સિંગલ-યુઝ પ્લાસ્ટિક વસ્તુઓ પરનો પ્રતિબંધ પણ રાષ્ટ્રીય સ્તરે સમાન રીતે લાગુ કરવામાં આવતો નથી, ઘણા આઉટલેટ્‌સ આ માલસામાનનું છૂટક વેચાણ ચાલુ રાખે છે.

નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન અર્થ એક્શનના અહેવાલ મુજબ, બ્રાઝિલ,ચીન,ભારત અને યુએસ ૬૦ ટકા પ્લાસ્ટિક કચરા માટે જવાબદાર છે.પ્લાસ્ટિક પ્રદૂષણ માત્ર સંધિઓ પર હસ્તાક્ષર કરીને સમાપ્ત થઈ શકતું નથી. વૈકલ્પિક ઉત્પાદનોમાં ઘણું વધારે રોકાણ કરવાની જરૂર છે અને વાસ્તવિક લક્ષ્યો નક્કી કરવામાં આવે તે પહેલાં વૈકલ્પિક ઉત્પાદનોને પોસાઈ શકે તેવા બનાવવાની જરૂર છે.માનવસમાજે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અભુતપુર્વ વિકાસ કર્યો છે. તેના મીઠા ફળ મળી રહ્યા છે તેમ સમગ્ર જીવસૃષ્ટિનો વિનાશ થઈ જાય તેવા જાેખમો પણ ઉભા થયા છે. તેમાં પ્લાસ્ટિક સૌથી ગંભીર ખતરા તરીકે ઉપસી આવ્યું છે. તે બાયોડિગ્રેડેબલ નહીં હોવાના કારણે મોટી સમસ્યારૂપ બની રહ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution