અમદાવાદ-
માસ્કના દંડને લઈ પોલીસ અને પ્રજા વચ્ચે બોલાચાલીના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યાં છે. નવરંગપુરા સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે માસ્કના દંડ મામલે પાંચ લોકો સાથે પોલીસને બોલાચાલી થઈ હતી. ત્રણ શખ્સોએ માસ્ક પહેર્યું ન હતું, જેથી પોલીસે દંડ ભરવાનું કહેતા બોલાચાલી થઈ હતી. નવરંગપુરા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે ૨ શખ્સ ફરાર થઈ ગયા હતા. નવરંગપુરા પોલીસનો સ્ટાફ મંગળવારે સાંજે સીજી રોડ પર પેટ્રોલિંગમાં હતા. મ્યુનિસિપલ માર્કેટના ઈન ગેટ પાસે ફૂટપાથ પર પાંચ લોકો ઉભા હતા. જેમાંથી ત્રણ જણાએ માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે માસ્કનો દંડ ભરવા ત્રણે વ્યક્તિને જણાવ્યું હતું.
દંડ ભરવાનું કહેતા ઉશ્કેરાયેલા પાંચે જણાએ પોલીસને કહેવા લાગ્યા કે, તમે લોકો પાસેથી ખોટી રીતે દંડ ઉઘરાવો છો. પોલીસે દંડના મેમોની પહોંચ પણ આપવામાં આવશે તેમ જણાવતા પાંચે જણાએ દંડ ભરવા ઇન્કાર કર્યો હતો. પોલીસે દંડ ના ભરવો હોય તો પોલીસ સ્ટેશન ચાલો તેમ કહેતા પાંચે વ્યક્તિએ ઝપાઝપી કરી બુમો પાડી લોકોના ટોળાં એકત્ર કર્યા હતા. આ દરમિયાન નવરંગપુરા ટુ મોબાઈલ સ્થળ પરથી પસાર થતા મદદે આવી પહોંચી હતી.
પોલીસે બળપ્રયોગ કરી ત્રણ આરોપીને સરકારી વાનમાં બેસાડી દીધા જ્યારે બે આરોપી ધક્કા મુક્કી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આકાશ નિતિન પટેલ (રહે, સૂર્યાન્સ એલીગન્સ,શીલજ), મહેન્દ્ર અમરત પટેલ અને જયકુમાર (બંને રહે, એલેનજાગ્રીન, સાઉથ બોપલ)ની ધરપકડ કરી હતી. જ્યારે જયમીન પ્રકાશ પટેલ (રહે, ઘાટલોડિયા) અને ધર્મેશ બિપિન પટેલ (રહે, એલેનજાગ્રીન, સાઉથ બોપલ) ફરાર થઈ ગયા હતા.