ઇસ્લામાબાદ-
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે બુધવારે ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે, તેમની તબિયત એવી નથી કે તેઓ 10 સપ્ટેમ્બરે ભ્રષ્ટાચારના કેસમાં લંડનથી પાછા ફરીને શરણાગતિ સ્વીકારે.
મળતી માહિતી મુજબ ઇસ્લામાબાદ હાઈકોર્ટે ગત અઠવાડિયે શરીફને શરણાગતિ માટે છેલ્લી તક આપીને 10 સપ્ટેમ્બરના રોજ હાજર થવા જણાવ્યું હતું. અદાલતે અલ-અઝીઝિયા ભ્રષ્ટાચાર કેસમાં સુનાવણી માટે હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. જો હાજર નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચેતવણી કોર્ટે આપી હતી. શરીફ ગયા વર્ષના નવેમ્બરથી લંડનમાં છે. લાહોર હાઈકોર્ટે તેને હૃદય અને અન્ય રોગોની સારવાર માટે ચાર અઠવાડિયા વિદેશ જવાની મંજૂરી આપી હતી.અલ-અઝીઝિયા સ્ટીલ મિલ્સ કેસમાં નવાઝ શરીફને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. નવાઝના વકીલ ખ્વાજા હરીસ અહમદે બુધવારે સમીક્ષા અરજી દાખલ કરી હતી અને તેમની બીમારીને લગતી તબીબી ફાઇલો રજૂ કરી હતી. જેની ચકાસણી લંડનના સર્જન ડેવિડ લોરેન્સ દ્વારા કરવામાં આવી રહી છે.