નવસારી-
ગણદેવીમાં તાંત્રિક વિધિના બહાને તાંત્રિકે બે સગી બહેનો પર વારંવાર બળાત્કાર ગુજારીને બંનેને ગર્ભવતી બનાવી દેતા ચકચાર મચી ગઈ છે. નંદુરબારના હવસખોર તાંત્રિકે બંનેને હવસનો શિકાર તો બનાવી જ હતી સાથે વિધિના બહાને દીકરીઓના પિતા પાસેથી 50 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. આ અંગે ગણદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે તાંત્રિક ઉપરાંત બે શખ્સો સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગણદેવીના એક ગામમાં ઉત્તર પ્રદેશનો પરિવાર વરસોથી રહે છે. આ પરિવારમાં પતિ-પત્ની તેમજ તેમની ચાર દીકરીઓ છે. જેમાંથી બે દીકરીઓના લગ્ન થઈ ગયા છે. તેમાંથી 23 વર્ષીય દીકરીને એક સંતાન છે, પરંતુ પિયરમાં જ રહે છે. આ સિવાય 17 અને 13 વર્ષની બે દીકરીઓ પરિવારમાં છે. દરમિયાન ત્રણેક મહેના પહેલા ચીખલીના માણેકપોરના સુરેશ પટેલ(ઉં.વ.30) સાથે દીકરીના પિતાને પરિચય થયો હતો અને દીકરી પિયરથી સારે ન જતી હોવાનું જણાવ્યું હતું. જેથી સુરેશે તેમને એક તાંત્રિકને જાણતો હોવાનું કહ્યું હતું. આ પછી સુરેશ તાંત્રિક વિષ્ણુ મહારાજ ઉર્ફે વિષ્ણુ ચતુર નાઇક (ઉ.વ.૩૭, રહે લાખાપોર, તા. તળોદા, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર)ને સાથે લઈ આવ્યો હતો.
તાંત્રિકે દીકરીના પિતાને 'તારા ઘરમાં શૈતાન વાસ કરી રહ્યો છે, તે તારી પુત્રીઓને સાસરે ટકાવા દેશે નહીં. આ શૈતાનને ભગાડવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે' એવું જણાવ્યું હતું. તેમજ આ વિધિ માટે 50 હજારનો ખર્ચ થશે અને વિધિ માટે પરણીત દીકરીને એકલી મોકલવી પડશે, તેમ જણાવ્યું હતું. આ સાંભળ્યા પછી દીકરીના પિતાએ તાંત્રિકના ખાતામાં 49,500 રૂપિયા નાંખી દીધા હતા. તેમજ તેની દીકરીને તાંત્રિક પાસે વિધિ માટે મૂકી આવ્યો હતો. અહીં તાંત્રિકે વિધિના બહાને પરિણીત યુવતી સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન દીકરીના પિતા આવતાં હજુ વિધિ અધુરી હોવાનું જણાવ્યું હતું અને તેને ફરીથી લઈ આવવા સૂચના આપી હતી. તાંત્રિકથી ડરી ગયેલી દીકરીએ ઘરે કોઇને વાત કરી નહોતી પરંતુ બીજી વખત વિધિ માટે જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.
આ પછી દીકરીના પિતાએ તાંત્રિકને આ અંગે વાત કરતાં તેણે યુક્તિ અજમાવી હતી અને વિધિ પૂરી કરવી પડશે, તેમ કહી તેની નાની બહેન પાસે વિધિ પુરી કરાવવા જણાવ્યું હતું. આથી તેના પિતાએ વિચાર્યા વગર તેની બીજી દીકરીને મોકલી દીધી હતી. આ સગીરા પર પણ તાંત્રિકે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેને તાંત્રિકે લગ્નની લાલચ આપીને કોઈને વાત ન કરવાનું જણાવ્યું હતું. દરમિયાન તાંત્રિકની હવસનો શિકાર બનેલી બંને બહેનો ગર્ભવતી થતાં પરિવાર સમસમી ઉઠ્યો હતો. આ પછી સમગ્ર હકિકત સામે આવતા પિતાએ પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. જોકે, સગીરાએ આ અંગે તાંત્રિકને જણાવી દેતા તે સગીરાને નવસારીના અબ્દુલ રહીમ અબ્દુલ રઝાક પઠાણ (ઉ.વ.૩૦) અને સુરેશ પટેલની મદદથી લાખાપોર લઈ ગયો હતો. જોકે, પિતાએ ગણદેવી પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે સગીરાને છોડાવી હતી અને ત્રણેયને જેલભેગા કરી દીધા હતા.